મુંબઇઃ નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં આઠમી એપ્રિલે રંગારંગ ઉદ્ઘાટન સમારંભ સાથે જ આઇપીએલ-સિઝન નાઇનનો આરંભ થઇ ગયો છે. ૫૫ દિવસ ચાલનારા આ ક્રિકેટના જંગમાં કુલ આઠ ટીમ ભાગ લઇ રહી છે, જેમાં બે નવી ટીમો ગુજરાત લાયન્સ અને રાઇઝીંગ પૂણે સુપર જાયન્ટ્સનો સમાવેશ થાય છે. તમામ ટીમો ૧૦ શહેરમાં કુલ ૫૯ મેચ રમાશે.
ગુજરાત લાયન્સે ભવ્ય વિજય સાથે આઇપીએલમાં પદાર્પણ કર્યું છે. સોમવારે મોહાલીમાં રમાયેલી મેચમાં ગુજરાત લાયન્સે કિંગ્સ ઇલેવન પંજાબને પાંચ વિકેટે પરાજય આપ્યો હતો. લાયન્સના વિજયમાં એરોન ફિન્ચના આક્રમક ૭૪ રનનું મહત્ત્વનું યોગદાન હતું. કિંગ્સ ઇલેવન પંજાબે પ્રથમ બેટિંગ કરતા મુરલી વિજયના ૪૨ રન અને મનન વોહરાના ૩૮ રનની મદદથી છ વિકેટે ૧૬૧ રન કર્યા હતા. જવાબમાં ગુજરાત લાયન્સે ૧૭.૪ ઓવરમાં પાંચ વિકેટના ભોગે વિજયી લક્ષ્યાંક હાંસલ કર્યું હતું.
૧૬૨ રનના ટાર્ગેટ સામે મેક્કુલમ ખાતું ખોલાવ્યા વિના આઉટ થયા બાદ રૈના અને ફિન્ચે સ્કોર બોર્ડ ફરતું રાખ્યું હતું. ફિન્ચ આઉટ થયા બાદ જાડેજા આઠ રને અને ઇશાન કિશન ૧૧ રન બનાવીને આઉટ થયો હતો. આ પછી કાર્તિક (અણનમ ૪૧) અને બ્રાવોએ જીત અપાવી હતી.
કોલકતાએ ડેવિલ્સને કચડ્યા
બોલર્સના શિસ્તબદ્ધ પ્રદર્શન બાદ ઓપનર્સે નોંધાવેલા ઉપયોગી રનની મદદથી કોલકતા નાઇટ રાઇડર્સે રવિવારે કોલકતામાં રમાયેલી આઇપીએલ ટી૨૦ની લીગ મેચમાં દિલ્હી ડેરડેવિલ્સને નવ વિકેટે પરાજય આપ્યો હતો. દિલ્હીના ૯૮ રનના જવાબમાં ટોસ જીતીને પ્રથમ બેટિંગ લેનાર કોલકતાએ ૧૪.૧ ઓવરમાં એક વિકેટે ૯૯ રન કરીને વિજય મેળવ્યો હતો. ઓપનર ઉથપ્પાએ ૩૩ બોલમાં ૩૫ અને કેપ્ટન ગંભીરે ૪૧ બોલમાં અણનમ ૩૮ રન કરીને ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. ઓપનર મયંક અગ્રવાલ (૯) તથા ડી કોકે આક્રમક શરૂઆત કરીને ૨.૨ ઓવરમાં ૨૪ રનની ભાગીદારી નોંધાવી હતી. જોકે આ પછી દિલ્હીએ ૨૫ રનના સ્કોરે બીજી વિકેટ ગુમાવી હતી. ડી કોકે ૧૦ બોલમાં એક બાઉન્ડ્રી તથા એક સિક્સર વડે ૧૭ રન કર્યા હતા. જે દિલ્હી તરફથી સર્વશ્રેષ્ઠ સ્કોર હતો.
આખરે ગુજરાત લાયન્સનું આગમન
લાંબા સમયથી ક્રિકેટ લીગ આઇપીએલમાં ગુજરાતની ટીમની રાહ જોવાઇ રહી હતી. ગુજરાતી ક્રિકેટચાહકોની આ ઇચ્છા ગુજરાત લાયન્સના આગમન સાથે પૂરી થઇ છે. જીએલ નામે જાણીતી આ ટીમની ફ્રેન્ચાઇઝી દિલ્હીસ્થિત ઇન્ટેક્સ ટેક્નોલોજીસના માલિક કેશવ બંસલ ધરાવે છે. સૌરાષ્ટ્રની રાજધાની ગણાતા રાજકોટમાં બેઝ કેમ્પ ધરાવતી ગુજરાત લાયન્સ ટીમ આ વર્ષે અને આવતા વર્ષે ટૂર્નામેન્ટમાં ઉતરશે.
ગુજરાત લાયન્સ ટીમની કમાન આક્રમક બેટ્સમેન સુરેશ રૈનાને સોંપાઇ છે. રૈનાને મેક્કુલમ, ડ્વેન સ્મિથ, બ્રાવો, ફોકનર, ફિન્ચ અને રવીન્દ્ર જાડેજાના રૂપમાં મજબૂત બેટિંગલાઇન ધરાવતા ખેલાડીઓનો સાથ છે. સ્ટેન, અમિત મિશ્રા, પ્રવીણ તાંબે, પ્રવીણકુમાર પર બોલિંગલાઇનનો આધાર છે. ટીમમાં ટી૨૦ ક્રિકેટનો અનુભવ ધરાવતા ખેલાડીઓની ભરમારને કારણે કહી શકાય કે ગુજરાત લાયન્સ ટીમ પાસે અંતિમ ઇલેવનમાં રમનાર મજબૂત ટીમ છે.

