કોલસાની ખાણમાંથી હીરા મળે એ તો સૌએ સાંભળ્યું હોય એ સ્વાભાવિક છે, પણ આ વાંચ્યા પછી તમને થશે કે કોલસાનું કામ કરનારામાં પણ હીર હોય છે અને એ સમાજ માટે હીરો સાબિત થઈ શકે છે. વાત કરવાની છે કાળા કોલસામાંથી અર્થ ઉપાર્જન કરીને આખી પેઢીને તારી જનારાં સવિતાબહેન પરમારની. અમદાવાદના સિવિલ વિસ્તારમાં આ ઉદ્યોગ સાહસિક સ્ત્રી અને તેના પરિવારને સૌ કોલસાવાળાના નામે જ ઓળખે છે.
વર્ષો પહેલાં મિલમાંથી ફેંકાયેલો કોલસો વીણીને વેચવામાંથી વાર્ષિક રૂ. ૨૦૦ કરોડનું ટર્નઓવર ધરાવતા ઔદ્યોગિક સામ્રાજ્યના સવિતાબહેન ચેરમેન છે.
સવિતાબહેન પરમાર મૂળે તો ઉત્તર ગુજરાતના લાંઘણજ ગામના, પણ તેમનો જન્મ અને ઉછેર અમદાવાદના ગીતામંદિર વિસ્તારમાં થયો. પિયરના ઘરમાં કોલસા વીણવાનું કામ થતું. સવિતાબહેનના લગ્ન અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં રહેતા દેવજીભાઈ સાથે થયાં. દેવજીભાઈ એએમટીએસના કન્ડક્ટર. ધીરે ધીરે દેવજીભાઈ અને સવિતાબહેનનો પરિવાર બહોળો થયો. ત્રણ પુત્રો મુકેશભાઈ, અશોકભાઈ અને નરેન્દ્રભાઈ અને ત્રણ પુત્રીઓ મધુબહેન, ભારતીબહેન અને પિનાકિનીબહેનનો જન્મ થયો.
સિવિલ હોસ્પિટલ પાસેના બળિયા લીમડી વિસ્તારની ૧૦ બાય ૧૦ની ચાલીમાં રહેતાં અને ત્રણ ધોરણ પાસ સવિતાબહેનને વિચાર આવ્યો કે, ટૂંકી આવકમાં પરિવારના પોષણનો બોજ માત્ર પતિ વેંઢારે એ કરતાં હું પણ મને આવડતનું કંઈક કરું તો ઘરમાં બે પૈસાની આવક થાય. વિચારને અમલમાં મૂકતાં સવિતાબહેને મિલમાંથી નક્કામો ફેંકી દેવાતો કોલસો વીણીને અમદાવાદની સિવિલ હોસ્પિટલ વિસ્તારમાં વેચવાનો શરૂ કર્યો. ગ્રાહકો વધવા લાગ્યાં પછી સવિતાબહેને હોટેલો અને લોજમાં પણ કોલસાનું વેચાણ શરૂ કર્યું. નસીબે સાથ આપ્યો અને એક સજ્જન જૈન હરિકાકાએ કોલસાનું ગોડાઉન ભાડે કરી આપવાની આંગળી ચીંધીને મદદ કરી. ધીરે ધીરે કોલસાના કાળા વેપારમાં પુરુષાર્થ અને પ્રારબ્ધ ઉજળાં થતાં ગયાં.
વર્ષ ૧૯૯૧માં સ્ટર્લિંગ સિરામિક નામની કંપનીની સવિતાબહેને સ્થાપના કરી. ૧૯૮૯માં તેમણે પ્રીમિયર સિરામિક અને ૧૯૯૧માં સ્ટર્લિંગ સિરામિક નામની અન્ય કંપનીઓની પણ સ્થાપના કરી.
આજે આ કંપનીઓ વાર્ષિક રૂ. ૨૦૦ કરોડના ટર્નઓવર સાથે ધમધમી રહી છે અને નંદાસણ ખાતે આવેલી તેમની ફેક્ટરીમાં આશરે ૨૦૦થી વધુ કામદારોને સવિતાબહેનની કંપની રોજગારી પૂરી પાડી રહી છે.
૭૯ વર્ષની ઉંમરે પહોંચેલા સવિતાબહેનની ત્રણેય પુત્રીઓ સુખી સંપન્ન પરિવારમાં પરણાવેલી છે. ત્રણેય પુત્રોનો પરિવાર શાહીબાગમાં એક જ બંગલામાં સંયુક્ત કુટુંબ તરીકે આનંદમય રીતે જીવન વીતાવી રહ્યો છે.
સવિતાબહેને ઊભા કરેલા બિઝનેસ એમ્પાયરને સવિતાબહેનના નેતૃત્વમાં જ પુત્રો અને તેમની પેઢી સફળ રીતે આગળ વધારી રહી છે.
સવિતાબહેન આજે પણ નિયમિત રીતે સવારે ૧૦.૩૦ વાગ્યે નંદાસણની ફેક્ટરીએ જવા માટે ઘરેથી નીકળી જાય છે અને ફેક્ટરીના કામમાં અને બિઝનેસ અંગેના નિર્ણયો લેવામાં સક્રિય રસ લે છે.
સવિતાબહેન કહે છે કે, જ્યારે દારુણ ગરીબી હતી ત્યારે મનમાં એક જ વાત ઘૂંટાયા કરતી કે મારે કંઈક કરવું છે. કંઈક બનવું છે. આ વિચારે મને સતત આગળ વધવા માટેની પ્રેરણા પૂરી પાડી હતી. હવે તો આર્થિક સદ્ધરતા પણ છે અને બિઝનેસની સમજ પણ એટલે જ હવે તો બિઝનેસને વધુ ફેલાવવાની મારી ઇચ્છા છે. હજી કંઈક નવો ઉદ્યોગ શરૂ કરવાની પણ મારી ઇચ્છા છે. જોકે એવી પણ ઇચ્છા ખરી કે મારા સંતાનો અને પૌત્રો પણ મહેનત કરીને સદ્ધર બને.
ડો. ભીમરાવ આંબેડકરની સ્મૃતિમાં ગત ફેબ્રુઆરીમાં જ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા સવિતાબહેનને ‘ભીમરત્ન’ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. એવોર્ડ મળવાથી તેઓ કેવી લાગણી અનુભવી રહ્યાં છે એવો સવાલ સવિતાબહેનને પુછાતાં તેમણે કહ્યું કે, એવોર્ડ મળે તો ખુશી તો થાય જ, પણ મારો ખરો એવોર્ડ તો એ જ કે મને બિઝનેસમાં વધુ સફળતા મળે. મારા કામદારો પણ એના કામથી ખુશ હોય અને મારા પૌત્રો પણ બિઝનેસમાં મહેનત કરીને બિઝનેસને વધુ સફળ બનાવે. તેઓ કંઈક નવું કરે અને નામના મેળવે.

