ભારતમાં ચીજવસ્તુઓના ભાવ ભલે રોજબરોજ ઊંચા ચઢી રહ્યા હોય, પણ માનવજિંદગીનું મૂલ્ય કોડીનું પણ રહ્યું ન હોય તેવું લાગે છે. સંભવતઃ આ જ કારણસર શાસકોમાં આમ આદમીના જીવન માટે રતિભાર પણ ચિંતા દેખાતી નથી. જો આમ હોત તો કેરળના પુત્તિંગલ (મહાકાળી) મંદિરમાં બનેલી આગજની અને નાસભાગની ભયાવહ ઘટનામાં એકસોથી વધુ લોકો માર્યા ગયા ન હોત. ચારસોથી પણ વધુ ઇજાગ્રસ્ત હોસ્પિટલમાં સારવાર ન લઇ રહ્યા હોત. શાસકોને મન લોકોના જીવનની કિંમત હોત તો... એક નહીં તો બીજી સરકારે, કેન્દ્ર સરકારે નહીં તો રાજ્ય સરકારે આમ આદમીના જીવનની પરવા કરીને સેંકડોની ભીડને અંકુશમાં રાખવા આવશ્યક આગોતરાં પગલાં અવશ્ય લીધા હોત. આ જો અને તો વચ્ચે ઘણું બધું આવી જાય છે. હજારો શ્રદ્ધાળુ કંઇ અચાનક નહોતા ઉમટી પડ્યા, દર વર્ષે નવરાત્રીના આ દિવસો દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો પુત્તિંગલ મંદિરમાં દર્શને આવે જ છે. આ વખતે ફરક એટલો હતો કે તમામ શ્રદ્ધાળુઓ સુખરૂપ ઘરે પરત ફરવા જેટલા નસીબદાર નહોતા. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારોને અનેક વખત ઝાટકી છે, પરંતુ શાસકોનું રુંવાડું પણ ફરક્યું નથી તેનો પુરાવો આ દુર્ઘટના છે. દેશની સર્વોચ્ચ અદાલત ધર્મસ્થાનોમાં બની રહેલી આવી ઘટનાઓને અટકાવવા માટે દેશભરમાં સમાન નીતિ ઘડવા, તેને લાગુ કરવા સરકારોને જણાવતી રહી છે, પરંતુ તેની વાત બહેરા કાને અથડાઇને પાછી પડી છે. અસરગ્રસ્તોના પરિવારજનો માટે આ દુર્ઘટના જેટલી પીડાદાયક છે એટલી જ તકલીફદાયક સરકારી તંત્રની આ નિંભરતા છે. આ દુર્ઘટનાએ જાણે શ્રદ્ધાળુઓના માનસપટ પર કારમો ઘા કર્યો છે. જ્યારે પણ આવી દુર્ઘટના બને છે, સરકાર મૃતકો અને ઇજાગ્રસ્તોને વળતર આપવાની કાર્યવાહીથી આગળ વધવાનું નામ જ લેતી નથી. પુત્તિંગલ મંદિરમાં દુર્ઘટના બાદ વડા પ્રધાનથી માંડીને મુખ્ય પ્રધાન, પ્રધાનો, કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી, ટોચના અધિકારીઓ ઘટનાસ્થળનું નીરિક્ષણ કરવા પહોંચી ગયા. તેઓ પીડિતો પ્રત્યે સાંત્વના વ્યક્ત કરવા ગયા હતા તે કબૂલ, પણ શું તેમની આ સાંત્વના મૃતકને જિંદગી પાછી અપાવી શકશે? જેમના શિરે સુપ્રીમ કોર્ટના નિર્દેશોનું પાલન કરવાની જવાબદારી છે તેમની આ સાંત્વનાને દેખાડો જ ગણવી રહી. કેરળમાં ચૂંટણીઓ તોળાઇ રહી છે ત્યારે અસરગ્રસ્તોની મુલાકાતે દોડી જવાના નેતાઓના ઇરાદા વિશે શંકા થવી પણ સ્વાભાવિક છે.
ધર્મસ્થાનોમાં થયેલી ગમખ્વાર દુર્ઘટનાઓ પર નજર નાખશો તો તમને એક વાત સમાન દેખાશે કે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ એકત્ર થતા હોવા છતાં ભીડને નિયંત્રણમાં રાખવાની કોઇ વ્યવસ્થા મંદિરના વહીવટકર્તાઓ પાસે નથી. છેલ્લા ૧૦ વર્ષમાં આ ૧૪મી ગમખ્વાર દુર્ઘટના છે. મંદિરોમાં એકત્ર થનારી ભીડને કાબૂમાં રાખવાનું કામ સરકાર અને મુખ્યત્વે મંદિરના સંચાલકોનું છે. પુત્તિંગલ મંદિર દુર્ઘટનાએ ફરી એક વખત જોધપુરના મેહરાનગઢ (૧૨૦ મૃત્યુ), મહારાષ્ટ્રના મંથરા દેવી મંદિર (૨૫૦ મૃત્યુ), હિમાચલ પ્રદેશના નૈના દેવી મંદિર (૧૫૦ મૃત્યુ) વગેરે જેવી હૃદયદ્રાવક દુર્ઘટનાઓની યાદ તાજી કરાવી દીધી છે. આ તમામ દુર્ઘટનાઓનું કારણ નાસભાગ જ હતું. દુઃખની વાત તો એ છે કે આવી દુર્ઘટનાઓ સમયાંતરે સર્જાતી હોવા છતાં પણ કોઇ તેમાંથી બોધપાઠ લેવા તૈયાર નથી. કેમ કે અગાઉ કહ્યું તેમ આમ આદમીના જીવનની જાણે કોઇને કિંમત જ નથી.
પુત્તિંગલ મંદિરની દુર્ઘટના માટે ત્યાં યોજાતી આતશબાજીની પરંપરાગત સ્પર્ધાને જવાબદાર ઠેરવાય છે. પરંતુ અહીં સવાલ એ છે કે વહીવટી તંત્રની મંજૂરી વગર મંદિરમાં આતશબાજી થઇ કેવી રીતે? આ સવાલ ઉઠતાં જ સત્તાધિશોના મોં સીવાઇ જાય છે. દરેક દુર્ઘટનાની જેમ આ વખતે પણ અસરગ્રસ્તોને રાહત જાહેર થઇ ગઇ છે. ‘જવાબદારોને શોધી કાઢવા’ જ્યુડિશ્યલ ઇન્કવાયરીના આદેશ અપાઇ ગયા છે. દર વખતની જેમ રિપોર્ટ પણ આવશે. બસ, ખાટલે મોટી ખોડ હોય તો તે એટલી જ કે આ રિપોર્ટની ભલામણોનો અમલ જ ક્યારેય થતો નથી. રિપોર્ટમાં સૂચવાયેલા પગલાંનો અમલ કરવાના બદલે શાસકો અને મંદિર મેનેજમેન્ટ કમિટીઓ ફાઇલને માળિયે ચઢાવીને ફરી કુંભકર્ણ નિંદ્રામાં સરી પડશે, બીજી કોઇ નવી દુર્ઘટના ઘટવાની રાહમાં.
