બોલિવૂડ મેં બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહેન કે મોગલી ખિલા હૈ, મોગલી ખિલા હૈ

Wednesday 13th April 2016 07:16 EDT
 
 

વાત હશે આશરે નેવુના દશકાની. ગીતકાર ગુલઝારે લખેલી અને સંગીતકાર વિશાલ ભારદ્વાજે સંગીતથી સજાવેલી ધૂન ‘જંગલ જંગલ બાત ચલી હૈ, પતા ચલા હૈ, ચડ્ડી પહેન કે ફૂલ ખિલા હૈ, ફૂલ ખિલા હૈ ’ રવિવારે સવારે મોટાભાગે બ્લેક એન્ડ વ્હાઇટ ટીવી પર સંભળાતાંની સાથે જ નાના બાળકો સાથે વયોવૃદ્ધ પોતાનું આસન જમાવીને ટીવી સામે બેસી જતાં. નેવુના દશકમાં પોતાનું બાળપણ વ્યતીત કરનારા ભારતીયોના મનમાં આ ગીત અને ‘ધ જંગલ બુક’ની યાદો હજી પણ તાજી જેવી જ હશે.
નિર્દેશક જોન ફેવર્યુએ આ સ્મૃતિને હવે ટુડી અને થ્રીડી ફોર્મેટમાં ફિલ્મી પરદે રજૂ કરી છે અને હાલમાં સિનેમાગૃહોમાં ‘ધ જંગલ બુક’ ધૂમ મચાવી રહી છે.
લેખક રુડયાર્ડ કિપલિંગની મોગલીની વાર્તાઓ પર આધારિત ડિઝનીએ એક એનિમેટિડ ફિલ્મ ૧૯૬૭માં બનાવી હતી. જેને હવે એક નવા જ રૂપમાં ડિઝનીએ પુનઃ રજૂ કરી છે. આ ફિલ્મમાં નવોદિત બાળઅભિનેતા નીલ શેઠીએ મોગલીનું પાત્ર ભજવ્યું છે અને ફિલ્મમાં તે એકમાત્ર માનવ કલાકાર છે. બાકીના તમામ કેરેક્ટર એનિમેટેડ છે.
આશરે ૧૦૭ મિનિટ લાંબી આ ફિલ્મને એવી રીતે બનાવાઈ છે કે દર્શક સિનેમાગૃમાં ખુરસી સાથે જકડાઈ રહે. ભારતના દર્શકો માટે આ ફિલ્મ એક અલગ જ સ્થાન અને લોકપ્રિયતા ધરાવતી હોવાથી ‘ધ જંગલ બુક’ ભારતમાં અમેરિકાથી એક સપ્તાહ વહેલી રિલીઝ થઈ છે. હિન્દી ‘ધ જંગલ બુક’માં કિના કિરદાર માટે પ્રિયંકા ચોપરાએ, રીંછ બલ્લુ માટે ઈરાફાન ખાને, બિલ્લા બગીરા માટે ઓમ પુરીએ શેર ખાન માટે નાના પાટેકરે અને લુઈ માટે અમિતાભ બચ્ચને અવાજ આપ્યાં છે.
ફિલ્મની વાર્તા એવી છે કે બગીરાને એક બાળક (મોગલી) જંગલમાં ભૂલું પડી ગયેલું મળે છે. બાળકને વરુનું ઝૂંડ મોટું કરે છે. તેમાં એક માદા વરુ રક્ષાને જ મોગલી પોતાની મા માને છે. વરુની જેમ મોટા થયેલા મોગલીને એક દિવસ શેર ખાન જોઈ જાય છે અને તેના શિકાર માટે બેબાકળો બને છે. વરુઓ મોગલીને માનવવસ્તીમાં મોકલવાનું નક્કી કરે છે અને બગીરા તેને માનવવસ્તીમાં મૂકવા જાય છે ત્યાં તેનાથી છૂટો પડેલો મોગલી કિ પછી બલ્લુ અને પછી લૂઈને મળે છે. લુઈ મોગલીને કહે છે કે શેર ખાને વરુના નેતા અકિલાને મારી નાંખ્યો છે ત્યારે મોગલી શેર ખાન સામે બદલો લેવા માટે માનવવસ્તીમાંથી આગ લઈને આવે છે. જંગલના પ્રાણીઓના સાથ સાથે તે શેર ખાનને ખતમ કરી નાંખે છે.


comments powered by Disqus