વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સાઉદી અરેબિયા પ્રવાસે દ્વિપક્ષીય સંબંધોમાં નવું સિમાચિહન અંકિત કર્યું છે એમ કહીએ તો તેમાં લગારેય અતિશ્યોક્તિ નથી. મોદીના આ પ્રવાસે સુરક્ષા અને આર્થિક મોરચે ભારત-સાઉદી અરેબિયા સહયોગ મજબૂત બનાવવાની સાથોસાથ રાજદ્વારી સંબંધોને ગાઢ બનાવ્યા છે. આ અરબ દેશની મુલાકાત દરમિયાન ભારતીય વડા પ્રધાનને સર્વોચ્ચ સાઉદી સન્માન ‘કિંગ અબ્દુલાઝીઝ સાશ’ની નવાજેશ થઇ છે તે જ દર્શાવે છે કે સાઉદી અરેબિયાના શાસકો ભારત સાથેના સંબંધો અને નરેન્દ્ર મોદીના નેતૃત્વ પ્રત્યે કેટલો આદર ધરાવે છે. સાઉદી અરેબિયાના સ્થાપક કિંગ અબ્દુલ્લાઝીઝ અલ-સઉદના નામે અપાતું આ સન્માન વિશ્વના જૂજ નેતાઓને એનાયત થયું છે. સાશ સન્માન સાથે મોદી હવે અમેરિકાના પ્રમુખ બરાક ઓબામા, રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિન, બ્રિટનના વડા પ્રધાન ડેવિડ કેમરન, જપાનના વડા પ્રધાન શિન્જો એબેની હરોળમાં બિરાજ્યા છે. રિયાધમાં વડા પ્રધાનનો જે પ્રકારે ભવ્ય સત્કાર થયો છે તેની પણ વિશ્વભરના રાજદ્વારી વર્તુળોમાં નોંધ લેવાઇ છે.
મોદીએ સાઉદી અરેબિયા સરકાર સમક્ષ આતંકવાદના મુદ્દે ભારતનો દૃષ્ટિકોણ તથા ચિંતા રજૂ કર્યા છે, અને તેમને હકારાત્મક પ્રતિસાદ પણ સાંપડ્યો છે. સાઉદી અરેબિયા અને બીજા ગલ્ફ દેશો પાકિસ્તાનની ઘણા નજીક છે. આમ આતંકવાદ સામેની વૈશ્વિક લડાઇ અને આતંકવાદને પોષતા પાકિસ્તાનની ભૂમિકા સંદર્ભે સાઉદી અરેબિયાનું ભારતતરફી વલણ મહત્ત્વનું છે. અખાતનો આ ધનાઢ્ય અને સુખી દેશ આમ તો વર્ષોથી ભારત સાથે સારા સંબંધો ધરાવે છે, પરંતુ ૨૦૧૦માં તત્કાલીન વડા પ્રધાન ડો. મનમોહન સિંહના સાઉદી અરેબિયા પ્રવાસ બાદ બન્ને દેશો વચ્ચે આતંકવાદ મુદ્દે સહયોગ ઘનિષ્ઠ બન્યો છે. છેલ્લા કેટલાક વર્ષમાં સાઉદી અરેબિયાએ આતંકવાદી ઘટનાઓમાં સંડોવાયેલી ચાર વ્યક્તિને ભારતના હવાલે કરી છે. ગલ્ફ દેશોમાં આતંકવાદી સંગઠન ઇસ્લામિક સ્ટેટ (આઇએસ)નો ચંચૂપાત વધી રહ્યો છે. સીરિયા અને ઇરાકમાં પીછેહઠનો સામનો કરી રહેલું આઇએસ આર્થિક સંકડામણના કારણે દક્ષિણ એશિયામાં નવા અડ્ડા ઊભા કરવા પ્રયત્નશીલ હોવાની આશંકા છે. આ સંજોગોમાં ભારત અને સાઉદી અરેબિયાનો સહયોગ અન્યોન્યના હિતમાં છે.
માત્ર સુરક્ષાના દૃષ્ટિકોણથી જ નહીં, આર્થિક ક્ષેત્રે પણ બન્ને દેશોના હિત પરસ્પર ઘનિષ્ઠ રીતે સંકળાયેલા છે. એક અંદાજ પ્રમાણે મધ્યપૂર્વ તેમજ ગલ્ફ દેશોમાં લગભગ ૮૦ લાખ ભારતીયો કાર્યરત છે, આમાંથી ૩૦ લાખથી વધુ તો માત્ર સાઉદી અરેબિયામાં જ છે. આ ઉપરાંત, ભારત ક્રૂડતેલ ખરીદીમાં સાઉદીનું મોટું ગ્રાહક છે. ભારતના આયાતી તેલની જરૂરતનો ૨૦ ટકા હિસ્સો સાઉદી અરેબિયાથી આવે છે. બન્ને દેશ ઊર્જા અને ટેકનોલોજી ક્ષેત્રે સહકાર વધારવા પણ તત્પર છે. મોદીએ સાઉદી બિઝનેસમેન, ઉદ્યોગપતિઓને મૂડીરોકાણ માટે ઇજન આપ્યું છે. આગામી પાંચ વર્ષમાં સાઉદી અરેબિયા ભારતમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ક્ષેત્રે એક ટ્રિલિયન ડોલર મૂડીરોકાણ કરવા માગે છે. આ મૂડીરોકાણથી સાઉદી રોકાણકારોને જ નહીં, ભારતને અને ભારતીય કંપનીઓને પણ ફાયદો થવાની આશા છે. સરવાળે આ ગાઢ સંબંધ બન્ને દેશના હિતમાં છે.
