અદનાન સામીને નાગરિકતા, તસલીમા નસરીનને સુરક્ષા

અતીતથી આજ

ડો. હરિ દેસાઇ Wednesday 13th January 2016 06:06 EST
 

પાકિસ્તાનના લાહોરમાં જન્મેલા ૪૨ વર્ષીય ગાયક-સંગીતકાર અદનાન સામી ખાન માટે ઇશુના વર્ષ ૨૦૧૬નો સૂરજ સોનાનો સૂરજ બની રહ્યો કારણ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સરકારના ગૃહ રાજ્યપ્રધાન કિરણ રિજીજુ એવા તો રીઝી ગયા કે પાકિસ્તાની ગાયકને ભારતીય નાગરિકતા બક્ષવાના ફોટોસેશન માટે તૈયાર થઇ ગયા. આ વાવડ મળતાંની સાથે જ ભારતમાં વસતાં સેંકડો પાકિસ્તાની હિંદુ ‘શરણાર્થી’ નિરાશ થઇ થયાં અને વતન પાકિસ્તાનની વાટ પકડી.

ભારતીય જનતા પક્ષની માતૃસંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(આરએસએસ)ની ભૂમિકા રહી છે કે પાકિસ્તાન (અત્યારના પાકિસ્તાન અને બાંગલાદેશ - અગાઉના પૂર્વ પાકિસ્તાન)થી ભારતમાં ગેરકાયદે ઘૂસી આવનારા હિંદુઓને ‘શરણાર્થી’ ગણવાં, કારણ હિંદુઓને આશ્રય આપે એવો એકમાત્ર દેશ ભારત જ છે. જ્યારે પાકિસ્તાન કે બાંગલાદેશથી ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા મુસ્લિમોને ઘૂસણખોર ગણવા. એમને પાછા એમના દેશમાં તગેડવા શક્ય તે પગલાં ભરવાં જોઇએ. સંઘનિષ્ઠ ભાજપી કેન્દ્ર સરકારે તો જાહેરનામું બહાર પાડીને પાકિસ્તાન કે બાંગલાદેશથી ભારતમાં ઘૂસી આવેલા વિદેશી હિંદુઓને નાગરિકતા આપવા કે શરણાર્થીનો દરજ્જો આપવાની જોગવાઇ કરી છે.

સરકારી ઘોષણાઓ ઘણી વાર કાગળ પર ખૂબ જ ઉછળકૂદ કરતી હોય છે. દેશમાં ભાજપી નેતા અટલ બિહારી વાજપેયીની સરકાર હતી ત્યારે એના ગૃહ પ્રધાન લાલકૃષ્ણ આડવાણીએ સંસદમાં આપેલા આંકડા મુજબ, ભારતમાં ગેરકાયદે ઘૂસી આવેલા બાંગલાદેશીઓની સંખ્યા દોઢ કરોડ જેટલી હતી. એ પછી કોંગ્રેસીનેતા ડો. મનમોહન સિંહના વડપણવાળી સરકારના ગૃહરાજ્ય પ્રધાન શ્રીપ્રકાશ જયસ્વાલે સંસદમાં રજૂ કરેલા આંકડા મુજબ, ભારતમાં પોણા બે કરોડ જેટલા બાંગલાદેશી ઘૂસણખોરો ગેરકાયદે વસવાટ કરે છે.

આસામ-બંગાળમાં ચૂંટણી ટાણે આવા ઘૂસણખોર વિદેશી નાગરિકોને પાછા કાઢવાની વાતો જોરશોરથી થાય છે ખરી, પણ સત્તામાં આવ્યા પછી એ માટે પગલાં લેવાની પ્રક્રિયા સાવ જ મોળી પડે છે. વાજપેયી યુગમાં માંડ બે-ત્રણ હજાર વિદેશીઓને પાછા કઢાયા હતા. કોંગ્રેસના શાસનકાળમાં તો મુસ્લિમ વોટબેંકની રાજનીતિની આક્ષેપબાજી કરવામાં ભાજપ-સંઘની નેતાગીરી આક્રમક જણાય છે, પરંતુ મુસ્લિમોને ‘ઘૂસણખોર’ અને હિંદુઓને ‘શરણાર્થી’ ગણાવવાની વાતો કર્યા પછીય ગેરકાયદે ઘૂસી આવેલા વિદેશીઓને પાછા કાઢવામાં ભાગ્યે જ રસ દાખવાય છે. ઘૂસણખોરોને બાંગલાદેશની સરહદ સુધી મુકી આવવાની દિશામાં ગંભીર પ્રયાસ કોઇએ હાથ ધરવાની માનસિકતા અને અમલના પ્રયાસ કર્યા હોય તો મહારાષ્ટ્રના કોંગ્રેસી મુખ્ય પ્રધાન અબ્દુલ રહેમાન અંતુલેએ. હજુ ગયા વર્ષે ૮૭ વર્ષની વયે અલ્લાહને પ્યારા થયેલા અંતુલે ૧૯૮૦-’૮૧માં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન હતા ત્યારે એમણે વિદેશી નાગરિકોને ટ્રકોમાં ભરીને બાંગલાદેશની સરહદ સુધી મૂકી આવવાનું આયોજન કર્યું હતું, પણ કમનસીબે માનવ અધિકારવાળાઓ આડાફાટ્યા અને મુંબઇની વડી અદાલતે અંતુલેના એ ઐતિહાસિક પગલા પર પાણી ફેરવી દીધું.

એ પછીના દાયકાઓમાં ભાજપ-સંઘના સાહિત્ય અને બેઠકોમાં બાંગલાદેશી ઘૂસણખોરોને પાછા તગેડવાની વાતો થતી રહી છે જરૂર, પણ કામ ઓછું થયું છે. અમદાવાદના ચંડોળા તળાવની આસપાસ બહોળી સંખ્યામાં બાંગલાદેશી ઘૂસણખોરો વસવાટ કરે છે. એટલું જ નહીં, ભ્રષ્ટ સરકારી તંત્રના પ્રતાપે માંડ ૧૦૦-૨૦૦ કે ૫૦૦ રૂપિયામાં તેઓ ભારતીય નાગરિક થઇ જતાં હોવા છતાં બે દાયકાથી ગુજરાતમાં શાસન કરતી ભાજપાએ એમને ઢાકા ભણી તગેડવા અંતુલેની જેમ કોઇ પ્રયાસ કર્યાનું જાણમાં નથી. આસામની સ્થિતિ તો એવી થઇ ચૂકી છે કે વિધાનસભાની પ્રત્યેક બેઠક પર આવા ઘૂસણખોરોના મત દિસપુર(આસામની રાજધાની)ના શાસકના નિર્ધારક બની ગયા છે. રાજનેતાઓ લાજવાને બદલે ગાજવાનું પસંદ કરતા હોય ત્યારે સંસદમાં બેસનારાઓની નાગરિકતાનોય પ્રશ્ન ઊઠવો સ્વાભાવિક છે.

હમણાં એક બાજુ પાકિસ્તાની ગાયક અદનાન સામી ખાનને શાનોશૌકતથી નવી દિલ્હીમાં ભારતીય નાગરિકતા ગૃહ રાજ્ય પ્રધાનને હસ્તે અપાઇ, તો બીજી બાજુ પાકિસ્તાની ગાયક રાહત ફતેહ અલી ખાનને હૈદરાબાદના રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય વિમાનમથકેથી અબુ ધાબી ડિપોર્ટ કરાયા (પાછા કઢાયા) હતા. હૈદરાબાદમાં એમનો જલસો હતો. નિયમ મુજબ પાકિસ્તાની નાગરિક મુંબઇ, દિલ્હી કે ચેન્નઇ સિવાયના કોઇ વિમાનમથકેથી ભારતપ્રવેશ કરી શકે નહીં. રાહત અબુ ધાબીથી અમિરાતની ફ્લાઇટમાં હૈદરાબાદ આવ્યા અને એમને પાછા કઢાયા એટલે એ પાછા અબુ ધાબી થઇને વાયા દિલ્હી હૈદરાબાદ આવ્યા હતા.

વિવાદનો ધગધગતો અંગારો ગણી શકાય એવાં બાંગલાદેશી લેખિકા તસલીમા નસરીનને ૧૯૯૪થી એમના દેશે દેશવટો આપ્યો છે. કટ્ટરવાદી મુસ્લિમો તસલીમાના લોહીના પ્યાસા છે. વર્ષ ૨૦૦૪થી એ ભારતમાં લાંબા ગાળાના વિઝા પર રહેતાં આવ્યાં છે, પણ ક્યારેક કટ્ટરવાદી મુસ્લિમો ઉહાપોહ મચાવે ત્યારે ‘લજ્જા’ ફેઇમ તસલીમાએ કોલકતાથી નવી દિલ્હી કે વિદેશ જઇને રહેવું પડે છે. એમને કોલકતા વતન જેવું લાગે છે, પણ રાજ્ય કે કેન્દ્રની સરકાર માટે એ વિસ્ફોટક લેખાય છે એટલે તેમણે લાંબા ગાળાના વિઝા પર જ રહેવું પડે છે.

વર્ષ ૨૦૦૭માં બોટાદની એક જાહેરસભામાં તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીએ ગર્જના કરી હતીઃ ‘ભારત સરકાર જો તસલીમા નસરીનને સાચવી શક્તી ના હોય તો એમને ગુજરાત મોકલી આપો. મારામાં તેની સુરક્ષાની હિંમત છે.’ મોદી વડા પ્રધાન બન્યા એટલે આ જ તસલીમાના લાંબા ગાળાના વિઝા પણ રદ કરાયા અને માત્ર બે મહિનાના વિઝા અપાયા. જોકે બહુબોલાં તસલીમા ગૃહ પ્રધાન રાજનાથ સિંહને મળ્યાં અને ભારે ઉહાપોહ મચાવ્યો એટલે એમને એક વર્ષના વિઝા અપાયા.

તસલીમા નાસ્તિક છે. ઇસ્લામની વિરુદ્ધમાં બેફામ લખાણો લખવા કે બોલવાનું પસંદ કરે છે ત્યારે સંઘ-ભાજપને એ પોતીકાં લાગે છે, પણ સંઘ -વિશ્વ હિંદુ પરિષદ વિરુદ્ધ પણ એ આગઝરતું નિવેદન કરવામાં પાછી પાની ના કરે ત્યારે દઝાડે છે. અત્યારે એ સ્વીડિશ નાગરિક છે. કોલકતાને પોતીકું વતન અનુભવે છે, પણ એમને રાજ્યાશ્રય અપાતો નથી. એમને કોઇ મુસ્લિમ ગણાવે તો તસલીમા છળી ઊઠે છે. એ ગોમાંસ આરોગવામાં પણ ગર્વ અનુભવે છે.

સામે પક્ષે કરાંચીમાં અસલામતી અનુભવાતાં, ત્યાં લાખો રૂપિયાની ડોક્ટરીની પ્રેક્ટિસ કરનારા હિંદુ તબીબ અમદાવાદમાં આવીને વસે છે અને કાપડની દુકાનમાં મહિને પચીસ હજાર રૂપિયાની નોકરી કરવી પડતી હોવાની ફરિયાદ કરે છે. કેટલાક હિંદુ પરિવારો પાકિસ્તાનથી આવી દિલ્હી આસપાસ ઝૂંપડપટ્ટીમાં કે તંબુમાં અગવડ વચ્ચે રહે છે અને ભારતની ભાજપ સરકાર કે હિંદુ નેતા એમની ચિંતા નહીં કરતાં પાકિસ્તાન પર જવાની ઘોષણા કરે છે, જાણે કે ભારત પર ઉપકાર કરવા માટે એમની અહીં પધરામણી થઇ ના હોય! સામે પક્ષે પાકિસ્તાન હિંદુ કાઉન્સિલના દીપાવલી ઉત્સવ માટે ખાસ કરાંચી જઇને વડા પ્રધાન નવાઝ શરીફ હિંદુ સહિતની લઘુમતીઓને સુરક્ષાની ખાતરી આપે છે. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના બિલાવલ ભુટ્‌‌ટો અને તેહરીક-એ-પાકિસ્તાનના ઇમરાન ખાન પણ હિંદુ દીપોત્સવી ઉત્સવમાં સામેલ થઇને તેમના હમદર્દ દેખાવાની કોશિશ કરે છે. રાજનેતા બધે રંગ બદલતા કાચીડાં જેવા હોય છે.

(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)


comments powered by Disqus