આ શિયાળે પીઓ સ્વાસ્થ્યવર્ધક સૂપ

સદાબહાર સ્વાસ્થ્ય

Wednesday 13th January 2016 06:26 EST
 
 

શિયાળાની ઠંડીના દિવસોમાં બીજી સીઝન કરતાં ભૂખ ખૂબ વધારે લાગે છે. આ સ્થિતિમાં જરૂર કરતાં વધુ ખવાઈ જવાની શક્યતા પણ ખૂબ વધી જાય છે. શિયાળામાં ભૂખ પણ સંતોષાય અને વજન પણ ન વધે એ માટે દરરોજ સૂપ પીવાની આદત કેળવવી જોઈએ. જમ્યાના અડધો કે એક કલાક પહેલાં જો સૂપ પીધો હોય તો જમતી વખતે ઓવરઈટિંગની શક્યતા રહેતી નથી. આજે જાણીએ ચાર હેલ્ધી સૂપની રેસિપી જે શિયાળામાં ખૂબ જ ઉપયોગી છે.

આ ચારેય સૂપ એવા છે જે લોકો વેઇટલોસ પ્રોગ્રામ પર હોય અને રાત્રે ફક્ત સૂપ પીએ તો પણ તેમની ભૂખ સંતોષાય અને પોષણની સાથે તેમને વેઇટ ઉતારવામાં પણ મદદ મળી શકે એમ છે અને જેમને વેઇટ નથી ઉતારવું પણ હેલ્થ ચમકાવવી છે તેમના માટે પણ આ સૂપ બેસ્ટ છે. જમ્યા પહેલાં કે જમવાની અવેજીમાં કોઈ પણ રીતે આ સૂપ લઈ શકાય છે. શિયાળામાં મળતી અઢળક તાજી શાકભાજીનો ફાયદો ઉઠાવવાનો આ સારો ઉપાય છે. જે તે સૂપ સાથે દર્શાવેલી સામગ્રી એક બાઉલ માટેની છે.

મગ-પાલક સૂપ

સામગ્રીઃ ૫૦-૬૦ ગ્રામ મગ • ૮-૧૦ પાંદડાં પાલક • ૫-૭ ટીપાં લીંબુનો રસ • ૧ ઇંચ આદું • ૧-૨ કળી લસણ • મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીતઃ મગને ધોઈને ૧ કલાક પલાળી રાખો અને કુકરમાં બાફી લો. બ્લેન્ડરથી એક સ્મૂધ પેસ્ટ બનાવો. પાલકને ઝીણી સુધારો. આદું અને લસણની કળીઓને પણ ઝીણી સુધારી લો. એક નોન-સ્ટિક કડાઈમાં અડધી ચમચી તેલ નાખો અને એમાં પહેલાં આદું અને લસણનો વઘાર કરો. ત્યાર બાદ મગનો વઘાર કરો. એમાં મીઠું અને મરી ઉમેરો. લીંબુનો રસ ભેળવો. એક ઊભરો આવે પછી ઝીણી સુધારેલી પાલક ઉમેરો. અડધી મિનિટમાં સૂપને ગેસ પરથી ઉતારી ગરમાગરમ પીરસો. આ સૂપને લસણ અને આદું નાખ્યા વગર પણ બનાવી શકાય છે.

ફાયદોઃ આ એક સંપૂર્ણ પોષણ આપતી વાનગી છે જેમાંથી પ્રોટીન અને આયર્ન ભરપૂર માત્રામાં મળે છે. ખૂબ જ શક્તિવર્ધક અને છતાં પચવામાં નરવું છે. અઠવાડિયામાં બે વાર આ સૂપ પી શકાય.

દૂધી-સરગવાની સિંગનો સૂપ

સામગ્રીઃ આશરે ૧૦૦ ગ્રામ દૂધી • બે લાંબી સરગવાની સિંગ • મીઠું અને મરી સ્વાદ અનુસાર

રીતઃ દૂધી છોલીને એના મિડિયમ સાઇઝના ટુકડા કરો અને પ્રેશર-કુકરમાં નાખો. સરગવાની સિંગને છોલીને એના આંગળીની સાઇઝના ટુકડા કરીને એક સ્ટીલના બાઉલમાં પાણી ઉમેરો અને એ બાઉલને એ જ કુકરમાં ગોઠવી દો. દૂધી અને સરગવાની સિંગમાં જરૂરત મુજબ મીઠું નાખીને કુકરમાં બાફી લો. બફાઈ જાય પછી કુકર ઠંડું પડે એટલે ખોલીને પહેલાં સરગવાની સિંગને બહાર કાઢીને મસળી નાખો. ખાસ કરીને એનો ગર એટલે કે સિંગની અંદરનો માવો અને બીજ અલગથી કાઢી લો અને છોતરાં ફેંકી દો. એ માવો અને બીજ દૂધીમાં ઉમેરીને બ્લેન્ડરથી સ્મૂધ પીસી લો. એમાં મરી છાંટીને પીઓ.

ફાયદોઃ પાચન માટે આ શ્રેષ્ઠ સૂપ છે. જે લોકોને પાચનની તકલીફ હોય, ગેસ-એસિડિટીનો પ્રોબ્લેમ રહેતો હોય, વેઇટલોસ કરવા ઇચ્છતા હોય, મેટાબોલિઝમને સ્ટ્રોન્ગ બનાવવા માગતા હોય એવા લોકો આ સૂપ પી શકે છે. નોર્મલી અઠવાડિયામાં ત્રણ દિવસ આ સૂપ પી શકાય છે.

ગાજર-બીટ શોરબા

સામગ્રીઃ ૧ ગાજર • અડધું બીટ • અડધી ચમચી જીરું • ૧ ઇંચ આદું • ૨ કળી લસણ • ૫-૭ ફુદીનાનાં પાન • ૧ ચમચી કોથમીરનાં પાન • ૧ લીલું મરચું • ૫-૭ ટીપાં લીંબુનો રસ • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ ગાજર અને બીટને છોલીને નાના-નાના ટુકડા કરો. લસણ, આદું અને લીલાં મરચાંને ઝીણાં સુધારો. એક કડાઈમાં અડધી ચમચી ઘી લઈને એમાં જીરું નાખો. જીરું તતડે એટલે લસણ અને આદુંના ઝીણા ટુકડા સાંતળો. લીલા મરચાની સાથે ગાજર અને બીટ નાંખીને થોડું પાણી નાખીને ચડવા દો. ગાજર અને બીટ એકદમ બફાઈ જાય એટલે ગેસ પરથી ઉતારી લઈને એમાં ફુદીનો, કોથમીર અને લીંબુ ભેળવી બ્લેન્ડરથી પીસી લો. ગાળવાની જરૂર લાગે તો ગાળી પણ શકાય. શોરબાને ગરમાગરમ પીરસો.

ફાયદોઃ વિટામિન અને આયર્નથી ભરપૂર એવો આ સૂપ શિયાળામાં ગરમાટો આપે છે અને પોષક તત્વોથી ભરપૂર છે. આંખ, ત્વચા, વાળ માટે એ ખૂબ જ ઉપયોગી છે. હીમોગ્લોબિનની માત્રા વધારે છે. આ શોરબા અઠવાડિયામાં એક-બે વાર પી શકાય છે.

રાજમા સૂપ

સામગ્રીઃ ૬૦-૭૦ ગ્રામ રાજમા • ૧ લીલી ડુંગળી • ૨ કળી લીલું લસણ • ૧ ટમેટું • ૧ ઇંચ આદું • ૧ તેજ પત્તું • ૧ લીલું મરચું • મીઠું સ્વાદ અનુસાર

રીતઃ રાજમાને લગભગ ૫-૬ કલાક પલાળીને એને કુકરમાં મીઠું નાખી થોડા વધુ પ્રમાણમાં બાફી લો જેથી એ થોડા ભાંગી જાય. બ્લેન્ડરથી એની પ્યુરી બનાવો. ટમેટું, આદું, મરચું, લીલી ડુંગળી અને લીલું લસણ બધું સુધારી લો. કડાઈમાં ૧ ચમચી તેલ મૂકીને એક તેજ પત્તાથી વઘાર કરો. આદું, લીલી ડુંગળીનો સફેદ ભાગ અને લસણને સાંતળો. એમાં લીલું મરચું અને ટમેટું ઉમેરો અને ફરી સાંતળો. એમાં રાજમાની પ્યુરી નાખો અને ચડવા દો. સ્વાદ અનુસાર જો લીંબુ કે ગરમ મસાલો નાખવાની ઇચ્છા હોય તો ઉમેરી શકાય છે. આ સૂપ આદું, ડુંગળી અને લસણ વગર ન બનાવો, કારણ કે રાજમા પચવામાં ભારે હોય છે.

ફાયદોઃ આ એક પ્રોટીન રીચ સૂપ છે, જે શરીરને તાકાત આપે છે. મસલ્સને મજબૂત બનાવે છે. આ એક એવો સૂપ છે જે એકલો જ પીઓ તો પણ પેટ પણ ભરાશે અને સંતોષ પણ થશે. એના પછી જમવાની જરૂરત જ નહીં રહે. આ સૂપ સામાન્ય રીતે અઠવાડિયામાં ૧-૨ વાર પી શકાય. બને ત્યાં સુધી આ સૂપ સૂર્યાસ્ત પછી લેવો નહીં. ખાસ કરીને જેને પાચનસંબંધિત ગેસ કે એસિડિટીની તકલીફ હોય તેમણે બપોરે આ સૂપ પીવો.


comments powered by Disqus