વિશ્વના સૌથી ધનાઢય ક્રિકેટ બોર્ડની સૂચિ તૈયાર કરવામાં આવે તો બોર્ડ ઓફ કન્ટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇંડિયા (બીસીસીઆઇ) સૌથી ટોચનું સ્થાન મેળવે, અને જો વિવાદાસ્પદ ક્રિકેટ બોર્ડની યાદી તૈયાર થાય તો કમસે કમ એકથી ત્રણમાં તો સ્થાન મેળવે જ. ભારતીય ક્રિકેટરોની રમત જેટલી જાણીતી છે એટલા જ ‘જાણીતા’ આ ક્રિકેટ બોર્ડના રાજકીય કાવાદાવા છે. છેલ્લા કેટલાક વર્ષોથી સતત વિવાદમાં રહેલા ક્રિકેટ બોર્ડની કથળેલી હાલત સુધરે તેવો આશાસ્પદ માહોલ સર્જાયો છે. સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલી જસ્ટિસ લોધા કમિટીએ તેના રિપોર્ટમાં સૂચવેલી ભલામણોનો જો અમલ થાય તો તે બીસીસીઆઇ અને ક્રિકેટ ક્ષેત્રે ધરમૂળથી પરિવર્તન લાવવા સક્ષમ છે. બીસીસીઆઇ પાસે અઢળક પૈસો છે અને તેના જોર પર જ તે ક્રિકેટજગત પર રાજ કરે છે. બીસીસીઆઇની નીતિરીતિની વર્ષોથી ટીકા-ટિપ્પણ થઇ રહી છે.
રંગ-રોમાંચ-રમતના ત્રિવેણીસંગમ સમાન આઇપીએલ ટૂર્નામેન્ટની સિઝન સિક્સમાં સ્પોટ કિફસીંગ અને સટ્ટાબાજી કૌભાંડનું ભોપાળું છતું થયા બાદ સુપ્રીમ કોર્ટે સેવાનિવૃત્ત જસ્ટિસ લોધાના નેતૃત્વમાં ત્રણ સભ્યોની એક કમિટી રચીને તેને ક્રિકેટ બોર્ડમાં પારદર્શિતા માટે પગલાં સૂચવવાની જવાદારી સોંપી હતી. હવે આ કમિટીનો રિપોર્ટ રજૂ થયો છે. જેમાં બીસીસીઆઇમાં આમૂલ પરિવર્તનની ભલામણ છે. જેમાંની એક-બે ભલામણો આજના વહીવટકર્તાઓ માટે આકરી છે. જે અનુસાર કોઇ પ્રધાન કે રાજકારણી બોર્ડમાં પદાધિકારી બની શકશે નહીં. કોઇ પદાધિકારી એક સાથે બે હોદ્દા સંભાળી શકશે નહીં. ઉપરાંત ૭૦ વર્ષથી વધુ વયના અધિકારીઓએ પદ છોડી દેવું પડશે. પૂર્વ ખેલાડીઓ જ બોર્ડનું સંચાલન કરશે, વગેરે... જો સુપ્રીમ કોર્ટ આ બધી ભલામણો લાગુ કરવાનો હુકમ કરે તો બીસીસીઆઇ માટે ધર્મસંકટ સર્જાય તેમ છે કારણ કે ક્રિકેટ બોર્ડમાં અત્યારે તો રાજકારણીઓ અને બુઢ્ઢાઓ જ અડીંગો જમાવીને બેઠા છે. જો સૂચિત જોગવાઇઓ અમલી બને તો શરદ પવારથી માંડી ફારુક અબદુલ્લા સુધીના કેટલાય રાજકારણીઓએ આ ક્ષેત્ર છોડવું પડે તેમ છે.
અલબત્ત, જસ્ટિસ લોધા કમિટીની એકાદ-બે ભલામણોએ ચર્ચાનો વંટોળ પણ જગાવ્યો છે. આમાંની એક ભલામણ રાજ્યદીઠ એક ક્રિકેટ એસોસિએશનની છે. ક્રિકેટની રમતમાં પ્રાદેશિક સ્તરે જે ખેંચતાણ ચાલે છે તેને નિવારવા માટે કમિટીએ સૂચવ્યું છે કે એક રાજય દીઠ એક જ ક્રિકેટ એસોસિએશન હોવું જોઇએ. આપણે ગુજરાતની જ વાત કરીએ તો અત્યારે રાજ્યમાં ત્રણ ક્રિકેટ એસોસિએશન કાર્યરત છે - ગુજરાત ક્રિકેટ એસોસિએશન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન અને બરોડા ક્રિકેટ એસોસિએશન. રાજ્યદીઠ એક જ ક્રિકેટ એસોસિએશનની રચનાના કારણે કદાચ આવા પ્રાદેશિક ક્રિકેટ સંગઠનોએ પોતાના હિતોનો થોડોઘણો ભોગ આપવો પડે તેવું બની શકે, પણ વ્યાપક હિતમાં જોઇએ તો રાજયદીઠ એક જ એસોસિએશનની રચના ખેલાડીથી માંડીને સમગ્ર રમત માટે લાભકારક પુરવાર થાય તેમ છે. આ મુદ્દે ખેલાડીઓ અને ક્રિકેટ સંગઠન સાથે સંકળાયેલા લોકો બે ભાગમાં વહેંચાયેલા જોવા મળે છે. કમિટીની આવી જ એક બીજી ભલામણ છે ક્રિકેટના સટ્ટાને માન્યતા આપવાની. ક્રિકેટની રમતમાં ફિકસીંગનું દૂષણ દિન-પ્રતિદિન વ્યાપક બની રહ્યું છે. લગભગ દરેક મેચમાં કરોડોનો સટ્ટો ખેલાતો હોય છે. આ સટ્ટાને હવે પશ્ચિમના અન્ય દેશોની જેમ માન્યતા આપવાની વાત છે. મતલબ કે ડર્બી (હોર્સ રેસ)ની જેમ ક્રિકેટમાં દાવ લગાડવાની વાત છે. આવી જોગવાઇથી મેચફિકસીંગની ઘટનાઓ વધી શકે તેવી સંભાવના નકારી શકાય નહીં, પરંતુ ક્રિકેટમાં સટ્ટાના સમર્થકોની દલીલ છે કે જો આને પશ્ચિમના દેશોની જેમ કાયદેસર સ્વરૂપ આપી દેવામાં આવે તો કરોડો રૂપિયાની ગેરકાયદે હેરફેર અટકી જાય અને ક્રિકેટ બોર્ડની સાથોસાથ સરકારને પણ વેરાપેટે આવક થઇ શકે છે.
બીસીસીઆઇના વર્તમાન અધ્યક્ષ શશાંક મનોહર તેમની સ્વચ્છ પ્રતિભા માટે જાણીતા છે. ભારતીય ક્રિકેટ બોર્ડનો વહીવટ પારદર્શી કરવા માટે પ્રયત્નશીલ છે. ક્રિકેટ બોર્ડની કમાન પૂર્વ ખેલાડીઓને સોંપવાની વાત સારી છે, પણ પૂર્વ ખેલાડીઓ સારા વહીવટકર્તા સાબિત થશે જ તેની પણ કોઇ ગેરંટી તો નથી જને?! હા, બીસીસીઆઇને આરટીઆઇ (રાઇટ ટુ ઇન્ફર્મેશન) એક્ટના દાયરામાં લાવવાની ભલામણ અવશ્ય સો ટચના સોના જેવી છે કારણ કે આ સંસ્થા લોકો સાથે જોડાયેલી છે. રાષ્ટ્રીય ક્રિકેટ બોર્ડ જ નહીં, તેના રાજય એકમોમાં શું ચાલી રહ્યું છે તે પણ જાણવાનો લોકોને પૂરો અધિકાર હોવો જોઇએ. સુપ્રીમ કોર્ટ હવે લોઢા કમિટીની ભલામણો પર કેવું વલણ અપનાવે છે અને લોધા કમિટીની ભલામણોને કઇ રીતે લાગુ કરે છે એ તો સમય જ કહેશે.
