વિશ્વશાંતિને હચમચાવતું નોર્થ કોરિયાનું પરીક્ષણ

Wednesday 13th January 2016 05:26 EST
 

હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ ભલે નોર્થ કોરિયામાં થયું હોય, પરંતુ તેણે ખળભળાટ દુનિયાભરમાં મચાવ્યો છે. અમેરિકા, બ્રિટન, જપાન, ભારત સહિત યુનાઇટેડ નેશન્સે પણ આ પરીક્ષણને વખોડ્યું છે. નોર્થ કોરિયા સાથે સારા સંબંધ માટે જાણીતા ચીને પણ બેચેની દર્શાવી છે. યુનાઇટેડ નેશન્સ (યુએન) સિક્યુરિટી કાઉન્સિલે પણ નોર્થ કોરિયાને આકરા પ્રતિબંધોની ચેતવણી આપી છે. હા, નોર્થ કોરિયા આ ચીમકી કેટલી ગંભીરતાથી ધ્યાને લે છે અલગ વાત છે. નોર્થ કોરિયામાં છઠ્ઠી જાન્યુઆરીએ ધરતીકંપ જેવો આંચકો અનુભવાયો હતો. થોડાક કલાકોમાં જાણવા મળ્યું કે, ૫.૧ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અકુદરતી હતો.
નોર્થ કોરિયાના આ પગલાથી દુનિયાભરમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે તેનું કારણ એ છે કે તે પહેલેથી અણુબોંબથી સજ્જ છે અને હાઇડ્રોજન બોંબ તેના કરતાં પણ અનેકગણો વધુ શક્તિશાળી હોય છે. અમેરિકા સહિતની મહાસત્તાઓ સામે ઝીંક ઝીલવા માટે નોર્થ કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉન સતત અણુ સજ્જતા વધારી રહ્યા છે. હજુ ગયા મહિને જ નોર્થ કોરિયાએ દાવો કર્યો હતો કે અમારી પાસે હાઈડ્રોજન બોમ્બ છે. નોર્થ કોરિયાના નિવેદન પ્રમાણે તેમનો પ્રયોગ સંપૂર્ણ સફળ રહ્યો છે. નોર્થ કોરિયાએ તમામ સંધિ-કરારો અને શિખામણો કોરાણે મૂકીને ૨૦૦૨થી જ અણુક્ષમતા હાંસલ કરવાનું શરૂ કરી દીધું હતું. અત્યાર સુધીમાં તે ત્રણ વખત અણુ પરીક્ષણ કરી ચૂક્યું છે. અલબત્ત, હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કર્યાના નોર્થ કોરિયાના દાવાને અણુ નિષ્ણાતો શંકાની નજરે નિહાળે છે. હાઈડ્રોજન બોમ્બ એ અણુ બોમ્બનો જ પ્રકાર છે, પરંતુ સામાન્ય અણુ બોમ્બની સરખામણીએ તેની રચના જટિલ હોય છે.
આજે વિશ્વમાં અણુ બિનપ્રસાર માટે ચળવળ ચાલી રહી છે અને અમેરિકા-રશિયા-ચીન જેવી મહાસત્તાઓ સામૂહિક વિનાશના શત્રો નષ્ટ કરવાની હિમાયત કરી રહી છે ત્યારે નોર્થ કોરિયાનું પગલું અધમ છે. સરમુખત્યાર શાસન ધરાવતું નોર્થ કોરિયા આંતરરાષ્ટ્રીય બાબતોમાં ક્યારેય જવાબદારીપૂર્વક વર્ત્યું નથી. યુનાઇટેડ નેશન્સે વખતોવખત પ્રતિબંધનો લાદીને આ દેશને અંકુશમાં લેવા પ્રયાસ કર્યા છે, પરંતુ તેના શાસકો વધુને વધુ ઘમંડી બનતા રહ્યા છે.
નોર્થ કોરિયાની સીધી દુશ્મની ભલે સાઉથ કોરિયા સાથે હોય, પરંતુ તે અમેરિકાને પણ કટ્ટર દુશ્મન માનતું રહ્યું છે. સાઉથ કોરિયા સાથેની દુશ્મનીનું કારણ પ્રાદેશિક શત્રુતા છે. સાઉથ કોરિયા લોકશાહી રાષ્ટ્ર છે અને આજે દુનિયાની મોટી આર્થિક તાકાત બની ગયું છે. જ્યારે સરમુખત્યારશાહીના લીધે નોર્થ કોરિયાની ગણતરી ગરીબ રાષ્ટ્રમાં થાય છે. કોરિયાના વિભાજન પછી અમેરિકાએ સાઉથ કોરિયાને સાથ આપતાં નોર્થ કોરિયા વોશિંગ્ટનને પણ દુશ્મન નંબર વન માને છે. તેણે છેક અમેરિકા જઇને ખાબકે તેવી મિસાઇલ સિસ્ટમ વિકસાવી છે. નોર્થ કોરિયાના શાસકોના ડંખીલા સ્વભાવના કારણે જ વિશ્વ સમુદાયને ડર છે કે આંતરરાષ્ટ્રીય દબાણ અને અમેરિકાવિરોધી જોડાણના પ્રયાસમાં હાઇડ્રોજન બોમ્બની ટેકનોલોજી નોર્થ કોરિયાથી નીકળીને ક્યાંક આતંકીઓના હાથમાં ન પહોંચી જાય. ટૂંકમાં કહીએ તો, નોર્થ કોરિયાના પરીક્ષણે ફરી એક વખત ખતરાની ઘંટડી વગાડીને વિશ્વને યાદ અપાવ્યું છે કે અણુ નિ:શસ્ત્રીકરણ અંગે નક્કર પગલાં લેવાની ઘડી પાકી ગઇ છે.


comments powered by Disqus