સાઉદી અરેબિયાનું ધૂંધળું ભાવિ

સી. બી. પટેલ Wednesday 13th January 2016 06:00 EST
 
પ્રિન્સ મોહમ્મદ બિન સુલતાન
 

ઇસ્લામ ધર્મના બે મુખ્ય યાત્રાધામો મક્કા અને મદીના ધરાવતા સાઉદી અરેબિયાની ભૂગોળ અને ઇતિહાસ પર આપણે આછેરી નજર નાખી લઇએ. સાઉદી અરેબિયાનો વિસ્તાર ભારત કરતાં અડધોઅડધ (લગભગ ૭ લાખ ચોરસ માઈલ) ગણી શકાય. વસ્તી છે માત્ર ૨.૮૭ કરોડ. ઐતિહાસિક દૃષ્ટિએ જોઇએ તો ૨૦મી સદીની શરૂઆત સુધી ભારતના કંઇકેટલાય નવાબી રજવાડાંઓ સૈનિકો તરીકે સાઉદી અરેબિયાથી મોટી સંખ્યામાં ભરતી કરતા હતા. મુંબઇ, કોલકતા કે હૈદરાબાદ જેવા શહેરોમાં ધનાઢયોના મહાલયોના દરવાન તરીકે બેઠેલો વ્યક્તિ મોટા ભાગે સાઉદી અરેબિયાનો હોય. આપ સહુને કદાચ કવિવર રવિન્દ્રનાથ ટાગોરની એ વાર્તા યાદ હશે, જેમાં જાજરમાન હવેલીના પ્રાંગણમાં સગડી પાસે એકવડા બાંધાનો આરબ બેઠો હોય છે. બસ, બેઠા બેઠા હાથ શેકતા રહેવાની નોકરી મળી જાય એટલે અરબીને ભયો ભયો.
આ સાઉદી અરેબિયા દેશ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી અસ્તિત્વમાં આવેલો દેશ છે. હઝરત મોહમ્મદ પયગંબર સાહેબનો જન્મ, કારકિર્દી, ઇસ્લામની સ્થાપના એ બધું સાઉદી અરેબિયાના મુલકમાં બન્યું. પરંતુ ૪૫૦ વર્ષ સુધી આ વિશાળ ભૌગોલિક વિસ્તારમાં તુર્કીની આણ વર્તાતી હતી. ખિલાફતનું પાટનગર ઇસ્તંબુલ હતું. ત્યાંથી માંડીને અત્યારનું લેબેનોન, ઇરાક, સિરિયા, જોર્ડન, સાઉદી અરબ, યમન, ઓમન, દુબઇ, અબુધાબી, શારજાહ, કતાર, બહેરીન સહિતના વિસ્તાર પર તુર્કીઓનું રાજ હતું. આર્થિક અને અન્ય પ્રકારે ખૂબ પછાત અરબ પ્રજાજનો ઉપર તુર્કીના ખિલાફતી મુસ્લિમો સામ્રાજ્ય જમાવીને બેઠા હતા. તુર્કીના મુસ્લિમો અને આરબ પ્રજાજનો વચ્ચે પ્રવર્તતા તંગ માહોલનું આ બેકગ્રાઉન્ડ છે.
પ્રથમ વિશ્વ યુદ્ધ દરમિયાન બ્રિટિશ અને ફ્રેન્ચ સામ્રાજ્યવાદીઓએ તુર્કી વિરુદ્ધ સ્થાનિક પ્રજાજનોને ઉશ્કેર્યા અને વિવિધ પ્રકારે પીઠબળ પૂરું પાડ્યું. લોરેન્સ ઓફ અરેબિયાએ આ વિશાળ મુલકમાં અનેકવિધ રીતે તુર્કી વિરુદ્ધ બંડખોર માનસ પ્રાપ્ત કરવામાં ખૂબ સિદ્ધિ મેળવી. પ્રથમ વિશ્વ યુદ્ધના અંતે ઓસ્ટ્રો-હંગેરિયન અને જર્મન રાષ્ટ્રોને ભારે શિકસ્ત મળી. વર્સેલ્સની સંધિના પરિણામે આફ્રિકા દેશોમાંના જર્મન સંસ્થાનો (ટાંગાનિકા, નામીબીયા વગેરે) બ્રિટિશ હસ્તક આવ્યા. તે પ્રમાણે જોર્ડન, ઇરાક, સિરિયા, લેબેનોન, યુનાઇટેડ આરબ અમિરાત (યુએઇ)માં ખંડિયા રાજાઓ નીમાયા. તે વેળાએ સાઉદી અરેબિયા અખંડ દેશ હતો જ નહીં.
કાઠિયાવાડમાં જેમ એક સમયે રજવાડાં હતા તેમ ઇબ્ન સઉદ નામના એક સાઉદીએ તેમનું સામ્રાજ્ય સ્થાપવાની શરૂઆત તે ગાળામાં કરી. આ ઇબ્ન સાઉદ પરિવાર રાજવંશ કહેવાયો. નાના એવા વિસ્તારમાં ખાસ કરીને મક્કા આજુબાજુમાં તેનું રજવાડું હતું. ૧૮મી સદીની મધ્યમાં અને ૧૯મી સદીના પ્રારંભમાં મોહમ્મદ ઇબ્ન અબ્દેલ વહાબ નામના એક ક્રાંતિકારી ધર્મોપદેશક થયા. તેઓ ઇસ્લામ સંપ્રદાયના અનુયાયી હતા. તેમને કટ્ટર મત ધરાવતા સુન્ની વહાબી મુસ્લિમ કહી શકીએ. જેમ હિન્દુ ધર્મમાં સેંકડો સંપ્રદાયો છે એમ ઇસ્લામ ધર્મમાં ૭૨ સંપ્રદાયો છે. આ જે વહાબી સંપ્રદાય કહેવાય છે તે ચુસ્ત અને એક અર્થમાં જડબેસલાક શિસ્ત માટે વિખ્યાત છે.
અલ સાઉદના વંશજોએ વહાબી સાથે સંધિ કરી. પરિણામે અલ સાઉદ રજવાડું તેનો પ્રભાવ વિસ્તારતું ગયું. તુર્કીના પરાજય બાદ તો આમ પણ મધ્ય પૂર્વના આ આખા વિસ્તારમાં રાજકીય શૂન્યાવકાશ હતો. ઇબ્ન સાઉદ નામના રાજવીએ આસપાસના પ્રદેશો પર ચઢાઇ કરીને, વિજય હાંસલ કર્યા. તેમ જ અલગ અલગ ટોળકીના રાજવંશીઓની દીકરીઓ સાથે કુલ બાવન લગ્ન કર્યા. આમ તેણે યુદ્ધમાં વિજય મેળવીને તેમ જ સંબંધો બાંધીને સમગ્ર વિસ્તારમાં સાઉદી અરેબિયા નામથી એક આખું રાષ્ટ્ર જોતજોતામાં ઉભું કરી નાખ્યું. તે વેળા વિશ્વના તખતા ઉપર બ્રિટિશ સામ્રાજ્યનો સૂરજ મધ્યાહને તપતો હતો. સાઉદી અરેબિયાને બ્રિટન, ફ્રાન્સ અને પાછળથી અમેરિકાનું પીઠબળ સાંપડ્યું. આ સમગ્ર ઘટનાક્રમ સંક્ષિપ્તમાં રજૂ કરું છું.
આજે ઇસ્લામ ધર્મના બે મુખ્ય સ્થાનકો સાઉદી અરેબિયામાં હોવાથી સાઉદી રાજા ઇસ્લામ ધર્મના સંરક્ષક તરીકે આગવી ઓળખ પામી શક્યા છે. જોકે છેક ૧૯૩૫ સુધી આ રણગ્રસ્ત વિસ્તાર આર્થિક કંગાળ હતો. તે અરસામાં બ્રિટનના વિદેશ મંત્રાલયમાંથી સાઉદી અરેબિયાના રજવાડા અને અન્ય જે દેશો બન્યા તેના ઠકરાતોને સાલિયાણું મળતું. આમ રાજા રાજ તો કરતા પણ નામપૂરતું, સાચું નિયંત્રણ તો પશ્ચિમી દેશોનું હતું.

ખનિજ તેલનો ભંડાર

સાઉદી અરેબિયાની ધરતીમાં વિપુલ પ્રમાણમાં ખનિલ તેલ ધરબાયેલું છે તેવું બ્રિટિશ, અમેરિકન અને ફ્રેન્ચ કંપનીઓને ૨૦મી સદીની શરૂઆતમાં જાણવા મળ્યું. તે ગાળામાં મોટર ગાડીઓનો યુગ શરૂ થઇ ગયો હતો. અને આગામી વર્ષોમાં ખનીજ તેલની જરૂર પડશે જ તેવો ખ્યાલ પશ્ચિમી દેશોને આવી ગયો હતો.
૧૯૩૩માં અમેરિકાની સ્ટાન્ડર્ડ ઓઇલ ઓફ કેલિફોર્નિયા (SOCAL)ને સાઉદી અરેબિયામાં ખનિજ તેલની શોધખોળનો ઇજારો મળ્યો. પાંચ વર્ષમાં જ, ૧૯૩૮માં પહેલી વખત કૂવામાંથી તેલ નીકળવાનું શરૂ થયું. પછીના વર્ષે (દ્વિતીય વિશ્વ યુદ્ધના પ્રથમ વર્ષે) ૧૯૩૯માં સાઉદી અરેબિયાથી પહેલી વખત ટેન્કર દ્વારા ખનિજ તેલની નિકાસ શરૂ થઇ.
દ્વિતીય વિશ્વ યુદ્ધ પૂરું થયું તે અગાઉ ૧૯૪૪માં SOCALનું નામ બદલીને અરેબિયન અમેરિકન ઓઇલ કંપની (ARAMCO) થયું. ૧૯૫૦માં સાઉદી અરેબિયામાં રોજનું એક બિલિયન બેરલ તેલનું ઉત્પાદન થતું હતું. જે આંકડો આજે વધીને રોજના ૧૨ બિલિયન બેરલે પહોંચ્યો છે. ૧૯૧૪ના ઓગસ્ટ સુધી એક બેરલના ૧૧૫ ડોલર ઉપજતા હતા. સાઉદી અરેબિયાની આવક કેટલી થાય તે ગણી લેજો.
સાઉદી અરેબિયાની પ્રતિ વર્ષ સેંકડો બિલિયની આવક થતી હોવાથી હવે તે આર્થિક તગડો દેશ બન્યો છે. ગયા વર્ષે અગાઉના કિંગના અવસાન વેળા આ વિશાળ કબિલાના સમાચાર અખબારોમાં ચમક્યા હતા. સાઉદી અરેબિયામાં ઇબ્ન સાઉદના કુલ બાવન રાણીના સરેરાશ છ સંતાનો ગણીએ તો પણ ત્રીજી અને ચોથી પેઢીએ ૮૦૦૦ રાજવી નબીરા ધરાવતો વિશાળ કબિલો થાય છે. જોકે સાઉદી અરેબિયા જેવા આટલા વિશાળ દેશમાં લોકશાહી નથી. સરમુખત્યારશાહી છે. તેના શાસનનો લાભ લેવા માટે રાજ પરિવારના ૮૦૦૦ સભ્યો તત્પર છે. ટૂંકમાં અડધામાં રામ અને અડધામાં ગામ જેવી હાલત છે.
દેશની સંપતિનો ૯૦ ટકા હિસ્સો ઓઇલ ઉદ્યોગ આધારિત છે. આ સંપતિમાંથી જંગી હિસ્સો શાહી પરિવારજનોના ફાળે જાય છે. આ દેશમાં વસતી અઢીથી ત્રણ કરોડની પ્રજાએ કોઇ ટેક્સ ચૂકવવો પડતો નથી. કામ ન હોય તો પણ કોઇના પેટનું પાણી હલતું નથી કેમ કે શાસકો પાસેથી પૂરતું બેરોજગારી ભથ્થું મળતું રહે છે. આથી જ સ્થાનિક પ્રજા મોજમજા કરતી રહે છે અને કામકાજ માટે પરદેશથી લાખો લોકોને બોલાવવામાં આવે છે.
સાઉદી અરેબિયા ધર્માંધ દેશ છે અને ધર્મના પ્રચાર, પ્રસાર અને રક્ષણ માટે તે કંઇ પણ કરી છૂટવા તૈયાર છે. છેલ્લા ચાલીસેક વર્ષથી તે અમેરિકા, ફ્રાન્સ, અને બ્રિટન પાસેથી પ્રતિ વર્ષ ૪-૫ બિલિયન ડોલરના શસ્ત્ર સરંજામની આયાત કરે છે. આધુનિક શસ્ત્રો તો મંગાવે, પણ તેને ચલાવવાનું કૌશલ્ય ન હોવાથી અમેરિકા કે બ્રિટનના નિષ્ણાતોને પણ કામે રાખવા પડે છે. પ્રજાને ખુશ રાખવા લખલૂટ ખર્ચા ભલે થતા હોય, પણ સરવાળે સામાન્ય નાગરિકોને મળે છે શું? સોનાનું પીજરું! આ દેશમાં નથી લોકશાહી. નથી કોઇ અધિકારો. તમામ લોકોને સમાન ગણતું કે તેવા અધિકારો આપતું રાજકીય કે સામાજિક તંત્ર પણ નથી. સહુ કોઇને જોડતી એક જ કડી છે ધર્મ. ધર્મ પ્રત્યેનો અનુરાગ, અને તે પણ વહાબી સંપ્રદાય પૂરતો જ. આ દેશમાં શિયા પંથીઓ પર ભારે પાબંદી પ્રવર્તે છે. સુન્ની મુસ્લિમોની બહુમતી ધરાવતા સાઉદી અરેબિયામાં શિયા મુસ્લિમો પ્રત્યે જ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે એવું નથી. અહીં ઇસ્માઇલી ખોજા, અહમદીયા કે અન્ય મુસ્લિમ સંપ્રદાયો પ્રત્યે પણ ખૂબ સૂગ દાખવવામાં આવે છે. જોકે આ બધી વાત બાજુએ રાખીએ.
વાચક મિત્રો, આ લેખ સાથે આપની સમક્ષ એક નકશો રજૂ કર્યો છે. મધ્ય પૂર્વના આ નક્શામાં આપ જોઇ શકશો કે અહીં ધર્મના ધોરણે ક્યા પંથનો કેવો પ્રભાવ પ્રવર્તે છે.
અરેબિયાની ઉત્તરે ઇરાન છે. તેનો ૨૫૦૦ વર્ષ જૂનો ઇતિહાસ છે. ઇરાન શિયા પંથીઓનો દેશ છે. વસ્તી ૮ કરોડ છે. પ્રજા સુશિક્ષિત, ઉદ્યમી અને કાર્યકુશળ છે. શિયા - સુન્ની વચ્ચે જે ગજગ્રાહ છે તે ધાર્મિક કે આર્થિક મુદ્દે જ નથી. ઇસ્લામના મૂળ સ્થાનકો પોતાની સરહદમાં હોવાનો લાભ (કે ગેરલાભ?!) ઉઠાવીને સાઉદી અરેબિયાએ વિશ્વસ્તરે વહાબી ઇસ્લામના સિદ્ધાંતો આગળ કરીને છેલ્લા ૪૦ વર્ષથી જાણે કટ્ટર ઇસ્લામની નિકાસ કરી છે. આફ્રિકા, એશિયા (ભારત સુદ્ધાં) અનેક સ્થળે વહાબી પ્રભાવ ધરાવતી મસ્જિદો કે અન્ય ઇસ્લામિક પ્રવૃતિ માટે અબજો ડોલર સાઉદી અરેબિયા ફાળવતું આવ્યું છે. ભૌગોલિક રીતે, આર્થિક રીતે અને ધાર્મિક રીતે સાઉદી અરેબિયાનું સ્થાન પશ્ચિમી સત્તાઓ માટે અમુક રીતે ઉપયોગી નીવડતું હતું, પણ છેલ્લા એકાદ વર્ષમાં અમેરિકાએ ઇરાન સાથે વણસી ગયેલા સંબંધોના સ્થાને અમુક અંશે સહઅસ્તિત્વને સ્વીકારી કંઇક સમાધાનકારી સંધિ કરતા સાઉદી અરેબિયા વધુ ચિંતિત બન્યું હોવાનું સ્પષ્ટ જણાય છે.
સાઉદી અરેબિયામાં ઇબ્ન સાઉદના અવસાન પછી છેલ્લા  ૬૪ વર્ષથી આઠ દસકાના જે સંતાનો છે તે (વયમાં સિનિયર) સંતાન શાસન સંભાળે છે. સત્તારૂઢ શાસક મોટા ભાગે ૮૦થી વધુ વયના હોય છે. રાજવંશમાં આટલા બધા સભ્યો હોય તેથી અંદરોઅંદર પણ ખેંચતાણ ચાલતી રહે છે. દોઢેક વર્ષ પૂર્વે કિંગ સુલતાન સત્તારૂઢ તો થયા છે, પણ ખરેખર તો ૩૦ વર્ષના યુવાન પ્રિન્સ મોહમ્મદ બિન સુલતાન સત્તાના સૂત્રો સંભાળી રહ્યા છે. તેઓ ડેપ્યુટી ક્રાઉન પ્રિન્સ છે. ઉપરાંત આર્થિક તેમ જ રાજકીય નિર્ણયો લેતા ખાતાઓ તેમના હસ્તક છે.
તાજેતરમાં ત્રણ એવી ઘટનાઓ બની કે જેના થકી સાઉદી અરેબિયાના સિમાડાની અંદર અને બહાર પારાવાર ઉત્પાત સર્જાયો છે.
(૧) તેલના ભાવમાં ધરખમ ઘટાડો
સાઉદી અરેબિયા અને ખનિજ તેલની નિકાસ કરતા દેશોના જૂથ ‘ઓપેક’ એક વેળા જંગી ઉત્પાદન અને નિકાસ પર ભારે કાપ મૂક્યો હતો. માગ સામે પૂરવઠો ઓછો હોય તો ઊંચા ભાવ મળી રહે એવી ગણતરી સાથે આ કાપ મૂકાયો હતો. આ સ્થિતિ અમેરિકા અને પશ્ચિમના દેશોને વિવિધ પ્રકારે આપત્તિજનક જણાતી હતી. આથી અમેરિકા, કેનેડા તથા અન્ય દેશોએ તેલના શારકામ માટે નવી ફ્રેક્શન પદ્ધતિનો અમલ શરૂ કર્યો. ધરતીના પેટાળમાં કાળમીંઢ ખડકો વચ્ચે શારકામ કર્યું હોય છે ત્યારે પથ્થરોના સ્તરો વચ્ચે ભરાયેલ તેલની સાથે સાથે ગેસનો પણ પુરવઠો પણ બહાર આવતો હોય છે. જ્યારે પેટાળમાંથી તેલ અને ગેસનો જથ્થો બહાર કાઢવાનો હોય છે ત્યારે ડાયનેમાઇટના ધડાકા કરવામાં આવે છે અને તેની સાથે કેટલાક કેમીકલ સાથે પાણીનો ધોધ છોડવામાં આવે છે. તેલ અને ગેસ બન્નેનો પુરવઠો બહાર આવી શકે છે.
અમેરિકા, કેનેડા છેલ્લા પાંચ-સાત વર્ષથી આ આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરીને તેલ માટે વિશાળ પાયે શારકામ કરી રહ્યા છે. માત્ર અમેરિકામાં આ જ પ્રકારે લાખો બેરલ ઓઇલનું ઉત્પાદન થાય છે. આ પ્રકારે ઉત્પાદન વધતાં ઓઇલ પેદાશોની નિકાસ કરતા દેશોના પેટમાં તેલ રેડાયું. તેમને લાગ્યું કે બજારમાં ઓઇલનો નવો જથ્થો આવી રહ્યો છે તેને અટકાવવો હોય તો પોતાના તેલના ભાવ ઘટાડી નાખવા અને ઉત્પાદન પણ વધારવું. બજારમાં માગ કરતાં પુરવઠો વધ્યો એટલે આપોઆપ ભાવ ગગડ્યા.
વિશ્વભરમાં ઉત્પાદિત થતા તેલના જથ્થામાં ૪૫થી ૫૦ ટકા હિસ્સો સાઉદી અરેબિયા અને ઓપેકનો છે. નવી નીતિના પરિણામે ઓઇલના ભાવ ૧૧૫માંથી ઘટીને બેરલદીઠ ૩૫ ડોલર થઇ ગયા છે. આથી બ્રિટન હોય કે ભારતમાં પેટ્રોલ-ડિઝલ સસ્તા મળે છે. ભારત તો તેની પેટ્રોલિયન પેદાશના ૮૦ ટકા જથ્થાની આયાત કરે છે. આ સંજોગોમાં તેને પ્રતિ સપ્તાહ ૧ બિલિયન ડોલરની બચત થાય છે. આયાતી દેશોને ભલે ફાયદો થતો હોય, પણ નિકાસકાર દેશોને આકરો ફટકો પડ્યો છે.
(૨) ઇરાનને ભીંસમાં લેવાનો અવસર
વિશ્વભરમાં દેહાંત દંડની સજા સૌથી વધુ ફરમાવાય છે ચીનમાં, અને બીજા નંબરે આવે છે સાઉદી અરેબિયા. સાઉદી અરેબિયાએ ૨૦૧૫ના વર્ષના અંત ભાગમાં ૩૫૦થી વધુ વ્યક્તિને દેહાંત દંડની સજા ફરમાવી અને તેનો અમલ પણ કરી નાખ્યો. તાજેતરમાં એક જ દિવસે ૪૯ મૃત્યુ દંડની સજા પામનારાઓમાં શિયા ધર્મના અગ્રણી નિમ્ર અલ નિમ્રનો પણ સમાવેશ થાય છે. આ તમામને એક સાથે મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા. નિમ્ર અલ નિમ્ર શિયા ધર્મગુરુ છે અને ઇરાન શિયા પંથીઓનું મુખ્ય મથક છે. આથી સાઉદી અરેબિયામાં થયેલી ઘટનાના ઇરાનમાં તીવ્ર પડઘા પડવા સ્વાભાવિક હતા. ઇરાનના પાટનગર તહેરાનમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા ટોળાએ સાઉદી અરેબિયાની એમ્બેસી પર હુમલો કરીને તેને તહસનહસ કરી નાંખીને સળગાવી નાખી. આ ઘટનાથી રોષે ભરાયેલા સાઉદી અરેબિયા અને તેના સમર્થક દેશોએ ઇરાન સાથેના રાજકીય સંબંધો તોડી નાખ્યા છે. આ મામલો હજુ આટલેથી અટકે તેમ જણાતું નથી. શિયા અને સુન્નીઓ વચ્ચેનો વિવાદ શમ્યો નથી. સાઉદી અરેબિયા એવું માને છે કે તેની ઉત્તરે આવેલું ઇરાન બીજા નંબરનો સૌથી મોટો ખનિજ તેલનો ભંડાર ધરાવતું રાષ્ટ્ર છે, વિશાળ વસ્તી ધરાવે છે, સુશિક્ષિત છે અને અણુબોંબ બનાવવાની ટેક્નોલોજી પણ ધરાવે છે. તે અર્થમાં ઇરાનને ભીંસમાં લેવા માટેની સાઉદી અરેબિયાના શાસક મોહમ્મદ બિન સલમાનની ચાલ અમુક અંશે ખૂબ ભયજનક ગણવામાં આવે છે.

(૩) પડોશી યમન પર પણ લશ્કરી હુમલા
ત્રીજી વાત. સાઉદી અરેબિયાએ તેના મળયિતા સુન્ની રાષ્ટ્રોની મદદથી યમન ઉપર લશ્કરી હુમલા શરૂ કર્યા છે. સાઉદી અરેબિયાની છેક દક્ષિણે આવેલા યમનમાં કુલ વસ્તીનો લગભગ અડધો ભાગ શિયા પંથી મુસ્લિમોનો છે. તેનો ઇલાકો ઉત્તરીય પેલે પાર સાઉદી સરહદમાં સેંકડો માઇલ સુધી પહોંચે છે. ત્યાં વસતા શિયા લોકો સાઉદી શાસન સામે ખુલ્લા યુદ્ધે ચઢ્યા છે તેમ કહેવામાં જરાયે અતિશ્યોક્તિ નથી. એડનના પાટનગર વિસ્તારમાં હુથ્થી શિયા પંથી પ્રજા વસે છે. ત્યાં થઇ રહેલા કાતિલ યુદ્ધના પણ ગંભીર પરિણામનો ભય સેવાય છે.
તાજેતરમાં અહેવાલો બહાર આવ્યા છે તે પ્રમાણે ARAMCOનું ખાનગીકરણ કરવા માટે પ્રિન્સ સુલતાન આતુર છે. ઓઇલના ભાવ ગગડીને સાઉદી અરેબિયાની આવકમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. ઘરનો વહીવટ હોય કે દેશનો, આવક-જાવકનું પલ્લું સરખું રાખવા માટે સાઉદી અરેબિયાના શાસકોને પ્રજાકીય સવલતો પર કાપ મૂકવા ફરજ પડી છે. દેશમાં લોકશાહી તો છે નહીં કે લોકો ઊંચા અવાજે વિરોધ નોંધાવી શકે, પરંતુ પ્રજામાં અંદરખાને નારાજગી તો પ્રવર્તે જ છે. ૮૦૦૦ સભ્યોનો રાજવી પરિવાર તેના ઠાઠમાઠ, એશોઆરામમાં કાપ મૂકવાના બદલે સામાન્ય પ્રજાની પાયાની સવલતો પર કાપ લાદે તો અસંતોષ વધવો સ્વાભાવિક છે. આગામી ગાળો સાઉદી દેશ ને વિસ્તાર અને સમગ્ર વિશ્વ માટે સ્ફોટક ગણી શકાય.


comments powered by Disqus