બૈરૂતઃ આઈએસ આતંકીઓએ મુસ્લિમોના પવિત્ર સ્થળ મદિના ખાતે હુમલો કરીને તમામ મર્યાદા વટાવી દીધી હોવાથી મુસ્લિમ નેતાઓેએ શિયા અને સુન્ની પંથના અનુયાયીઓને આઈએસ સામે સંગઠિત થવા અનુરોધ કર્યો છે.
ઈજિપ્તના વિદેશ મંત્રાલય દ્વારા જણાવાયું હતું કે રમજાનના પવિત્ર મહિનામાં થયેલો આ હુમલો દર્શાવે છે કે આતંકવાદ માટે ધર્મ કે માનવતાનો કોઈ મતલબ હોતો નથી. સાઉદી અરેબિયા, તુર્કી અને લેબેનોનની સરકારોએ પણ આ હુમલાને વખોડી કાઢ્યો હતો. ઈરાકે આ હુમલાને અત્યંત ઘૃણાસ્પદ કૃત્ય ગણાવ્યું હતું.
સાઉદી અરેબિયાના શાહ સલમાને જણાવ્યું હતું કે દેશ સમક્ષ સૌથી મોટો પડકાર યુવાધનને આતંકવાદ અને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનારા તત્વોથી બચાવવાનો છે. તેમણે ઉમેર્યું હતું કે જે કોઈ તેમના દેશના યુવાનોને લક્ષ્ય બનાવશે તેમની સામે સખત કાર્યવાહી કરાશે.
સાઉદી અરેબિયાના યુવરાજ મહમ્મ્દ બીન નાયેફ બીન અબ્દુલઅઝીઝે મદિનામાં મહમ્મ્દ પયગમ્બર સાહેબની મસ્જિદ બહાર થયેલા આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં ઘાયલ લોકોની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી. તેમણે જણાવ્યું હતું કે દેશની સુરક્ષા વ્યવસ્થા કડક બનાવી દેવાઈ છે.
આગામી સપ્ટેમ્બરમાં વાર્ષિક હજયાત્રા શરૂ થવાની છે તે અગાઉ માત્ર ૨૪ કલાકના ગાળામાં મદિના, જેદાહ અને કાતિફમાં ત્રણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ થયા હતા. આ હુમલામાં ચાર સાઉદી સુરક્ષા જવાનો સહિત ૪૦ વ્યક્તિના મોત થયા હતા. જ્યારે અન્ય પાંચ જવાનો ઘાયલ થયા હતા.

