બોસ્ટનઃ અમેરિકામાં રહેતા ૪૦ વર્ષના એક ગુજરાતી એન્જિનિયરે નોકરીમાંથી કાઢી મૂકાતા બદલો લેવા સાયબર હુમલો કર્યો હોવાનો ગુનો કબૂલ્યો છે. તેના આ કૃત્યથી પૂર્વ કંપનીના કમ્પ્યુટર નેટવર્કને અને કંપનીના ત્રણ અસીલોને ભારે નુકસાન થયું હતું. કંપનીને ૧.૩ લાખ ડોલરનું નુકસાન થયાનું ફરિયાદમાં જણાવાયું હતું. બોસ્ટન કોર્ટમાં કમલેશ પટેલે કંપનીની ઈન્ટરનેટથી જોડાયેલા કમ્પ્યુટરને નુકસાન પહોંચાડ્યું હોવાનું અને આ ગુનો કરવા માટે ઓળખનો દુરુપયોગ કરવાનો ગુનો કબૂલ્યો છે.
ડિસ્ટ્રિક્ટ જજ લી ટી. સોરોકિન ૨૮ સપ્ટેમ્બરે દોષિત કમલેશ પટેલને સજા ફરમાવશે એમ જસ્ટિસ વિભાગે કહ્યું હતું. ગ્રાહકોને સિક્યુરિટી સર્વીસ અને નેટવર્ક મેઈન્ટેનન્સની સેવા આપતી કંપની બેઝિક્સ ઈન્ક.માં કમલેશ પટેલ સિનિયર નેટવર્ક એન્જિનિયર તરીકે કામ કરતો હતો. ઓક્ટોબર ૨૦૧૦માં કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યા પછી એણે પોતાના એક સાથીના નેટવર્કનો ઉપયોગ કરીને કંપનીના નેટવર્કને એક્સેસ કર્યા હતા. જેમાં સ્ટોર થયેલા કંપનીના ગ્રાહકોના નેટવર્ક કન્ફીગરેશનને ડિલીટ કરી નાખ્યા હતા.
જાન્યુઆરી ૨૦૧૧ના અંતમાં ભાગમાં પટેલે ફરીથી પોતાના પૂર્વ સાથીની આઇડેન્ટીટીનો ઉપયોગ કર્યો હતો અને કંપનીના ત્રણ પૂર્વ ગ્રાહકોની માહિતી મેળવી લીધી હતી. આ માહિતી ડિલીટ કરવા માટે કમલેશ પટેલે ખાસ પ્રકારના સોફ્ટવેરનો ઉપયોગ કર્યો હતો. પરિણામે ભોગ બનેલી કંપનીઓનું કમ્પ્યુટર નેટવર્ક કામચલાઉ ધોરણે ખોરવાઇ ગયું હતું, જેમાં ઈન્ટરનેટ અને ઈ-મેઈલનો પણ સમાવેશ થતો હતો.

