‘અરે ઘરમાં ઘી તો આટલું જ છે, ૩૦-૩૫ માણસોની રસોઈ આમાં કેમ બનશે?’ બાબુકાકાને સહજ પ્રશ્ન થયો અને તેમણે શરણ લીધું દેવોના દેવ મહાદેવનું...
મૂળ વતન ખેડા વિસ્તારનું ભાદરણ પહેલેથી સમૃદ્ધ. આ વિસ્તારમાં બાબુભાઈ પટેલ એમના પરિવાર સાથે રહે. પહેલેથી જ એમના સ્વભાવમાં ‘સ્વ’નું નહીં ‘સર્વ’નું કલ્યાણ વણાયેલું રહ્યું એટલે ગામનાં સેવાકાર્યોમાં હંમેશા અગ્રેસર રહે. ગામના મહાકાલેશ્વર મંદિરમાં બિરાજમાન ભગવાન ભોળાનાથ પર એમને અપાર શ્રદ્ધા.
ગૃહસ્થ જીવનની જવાબદારીઓ પૂરી થતાં એમણે બધી માયા સંકેલીને નર્મદા તટને કર્મભૂમિ બનાવી. વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી તીર્થક્ષેત્રમાં વાનપ્રસ્થાશ્રમ વિતાવ્યો. મા નર્મદા પ્રત્યે અને ‘કુબેર ભંડારી’ મહાદેવના ચરણોમાં ભક્તિભાવપૂર્વક રહ્યા ને સ્થાયી થયા. એ પહેલાં ભારત પરિભ્રમણ પણ કર્યું અને નર્મદા પરિક્રમા પણ કરી. સવારે ત્રણ-ચાર વાગ્યે ઊઠીને નર્મદામાં સ્નાન કરવાનું અને પછી પાંચ-છ કલાક સમાધિમાં જતા રહેવાનું. સાંજે પણ બે-ત્રણ કલાક જપ-તપમાં વ્યતીત થાય. રાત્રે ફાનસ કે કોડિયાના અજવાળે આધ્યાત્મિક પુસ્તકો વાંચે.
ગામમાં સહુ ‘બાબુકાકા’ તરીકે ઓળખે. કરનાળી ગામમાં આવતા સાધુ-સંતો અને પરકમ્માવાસીઓ માટે તેઓ સદાવ્રત ચલાવતા. અડધી રાતે પણ યાત્રાળુને ભાવપૂર્વક જમાડે. તેઓ કહેતા કે ‘જ્ઞાન કરતા ભક્તિ ચડિયાતી છે.’ કરનાળીના કલ્યાણદાસ મહારાજને ઉચ્ચ કોટિના સંત માનતા. સ્વભાવે મજબૂત પણ શ્રીફળ જેવા, અંદરથી સાવ મૃદુ. મોટા ભાગે પોતાના કામો જાતે જ કરવાનો આગ્રહ રાખે.
એક દિવસ એવું થયું કે, બાબુકાકાને જાણ થઈ કે કુબેર ભંડારીના ઓવારા પર સાધુ-સંતો અને પરકમ્માવાસીઓ બેઠા છે. તેઓ ત્યાં પહોંચી ગયા, નિમંત્રણ આપ્યું કે ‘દક્ષિણામૂર્તિ મંદિર પાસે જ મારો મુકામ છે. આપ સૌ પ્રસાદ લેવા પધારશો.’ મિષ્ટાન્ન સાથેનું સરસ મજાનું ભોજન બનાવવાની તૈયારી આરંભી ત્યાં ધ્યાન પડ્યું કે બધું છે, પણ ઘી તો ૨૦૦-૫૦૦ ગ્રામ જ છે. અને લેખના આરંભે થયેલો સંવાદ એમણે જાત સાથે કર્યો.
ત્રાંબાના લોટામાં નર્મદા મૈયાનું જળ ભરીને ભોળાનાથના શરણે ગયા અને કર્યો પ્રાર્થનાનો આરંભ. સત્ય બનેલી આ ઘટના છે. અચાનક બહારથી ‘નર્મદે હર...’ અવાજ આવ્યો. બહાર એક અજાણ્યા સાધુ મહારાજ હતા. બાબુકાકાએ એમને જમવાનું નિમંત્રણ આપ્યું તો કહે કે, ‘મારે ઉતાવળ છે, મારો સંતોનો સંઘ આગળ ગયો છે, મારી પાસે વજન વધારે છે, આ બરણીમાં પાંચ શેર ચોખ્ખું ઘી છે, અહીં મૂકતો જાઉં છું. તમે વાપરજો. ફરી ક્યારેક નીકળીશ તો લેતો જઈશ.’ બાબુકાકાએ ઘીની બરણી અંદર મુકી, સંતને મળવા પાછળ દોડ્યા... ક્યાંયે ન મળ્યા. એમને કોઈએ જોયા પણ ન હતા. બાબુકાકા સમજી ગયા કે આ તો ભોળા શંભુની જ લીલા છે. સંતોના પ્રસાદના જમણવાર માટે ભોળા શંભુ જ ઘી આપી ગયા ને બાબુકાકાની લાજ રાખી.
•••
ગૃહસ્થજીવનમાં રહીને પણ સાધના ઉપાસના અને આરાધના કરનાર બાબુકાકા એટલે સી. બી. પટેલ જેને ગુરુજી માને છે એ એમના પિતાશ્રી. ‘પૂજા તીન પહોર, સ્નાન બાર પહોર’ માનનાર બાબુકાકાના જીવનની આ સત્યઘટના છે, વાર્તા કે કાલ્પનિક વાત નથી. એ વાતની પ્રતીતિ આજના સમયમાં પણ જેઓ આવી મુશ્કેલીના સમયે દૈવી - ઈશ્વરીય - અસ્તિત્વની મદદ મેળવે છે એમને અનુભૂત થતી હશે. ભક્તના આદ્ર પોકારમાં એ શક્તિ છે કે પરમાત્માએ એનો ઉકેલ આપવો જ પડે છે.
આવી ઘટનાઓ જાદુ કે ચમત્કાર નથી. સાવ સામાન્ય માણસની શ્રદ્ધા અને વિશ્વાસ જ્યારે કામ કરે છે ત્યારે આવી ઘટનાઓ આકાર લેતી હોય છે.
અસ્તિત્વના આશીર્વાદ અને સદગુરૂની કૃપા એક વ્યક્તિના જીવનમાં ઉતરે છે ત્યારે ભવાટવિના ત્રિવિધના તાપ બળે છે અને જીવતરમાં ભક્તિના, શ્રદ્ધાના અને વિશ્વાસના દીવડાનો પ્રકાશ અજવાળા રેલાવે છે.
લાઈટ હાઉસ
હે જી રે લાખા!
ધ્યાનમાં બેસીને તમે ધણીને આરાધો
તમે સુરતા શૂન્યમાં સાંધો...
- લોયણ
