ઇદના દિવસે રિલીઝ થયેલી સલમાન ખાનની ફિલ્મ ‘સુલતાન’ ત્રણ જ દિવસમાં રૂ. ૧૦૦ કરોડ ક્લબમાં સામેલ થઇ ગઇ છે. બીજી તરફ સલમાન મહારાષ્ટ્ર સ્ટેટ કમિશન સમક્ષ આઠમી જુલાઈએ બીજી વખત ઉપસ્થિત રહ્યો નહીં તો એક દિવસ બાદ નવમી જુલાઈએ સલમાન ખાને રાષ્ટ્રીય મહિલા આયોગના સમન્સની અવજ્ઞા કરી હતી અને પોતાની વિવાદાસ્પદ બળાત્કાર સંબંધિત ટિપ્પણી અંગે સ્પષ્ટતા કરવામાં તેણે રસ દાખવ્યો નહોતો. આ બધા વચ્ચે સલમાને સ્વસ્થ રહીને અને સમય કાઢીને ઈદના ખાસ અવસરે પોતાના ઘરે એક પાર્ટીનું આયોજન કર્યું હતું.
રિતેશ-જેનેલિયા, કરન જોહર, સિદ્ધાર્થ મલ્હોત્રા, જેકલીન ફર્નાન્ડિઝ સહિત બોલિવૂડની ઘણી સેલિબ્રિટી પાર્ટીમાં જોવા મળી હતી. સલમાનની બહેન અર્પિતા ખાને સેલિબ્રેશનનો એક ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. પાર્ટીમાં ખાન પરિવારના બધા સભ્યો જોવા મળ્યા હતા. ખાસ વાત તો એ હતી કે મલાઈકા અને અરબાઝ બંને પાર્ટીમાં હાજર હતા. આ દંપતીના છૂટા થવાની વાતો પાછલા દિવસોમાં સમાચારમાં બહુ આવી હતી, પરંતુ બંનેને સાથે જોઈને એવું લાગતું હતું કે બંને વચ્ચેના બધા વિવાદોનું સમાધાન થઈ ગયું છે.
આમિરે બહેન સાથે મનાવી ઇદ
આમિર ખાને તેની બહેન નુઝહત અને ભત્રીજા ઈમરાન સાથે બાંદ્રામાં ઈદ મનાવી હતી. આમિરે ફોટોગ્રાફર્સ સામે હાથ ઊંચો કર્યો હતો અને મીડિયા સાથે વાતચીત કરી હતી. સેલિબ્રેશનમાં ઈમરાન અને તેની પત્ની અવંતિકા મલિક સાથે પહોંચ્યો હતો.

