આજકાલ ગુજરાતી સાહિત્ય ફેસ્ટિવલ અમદાવાદમાં ચાલે છે, કેટલાક વિષય અને વક્તાઓને બાદ કરતા કોઈ ખાસ પ્રભાવ દેખાતો નથી, ખરેખર તો જૂનાપુરાણા ગણાવવાના ડરને બદલે સમગ્ર સાહિત્યનું રસપ્રદ મૂલ્યાંકન નવી અને વર્તમાન પેઢીને માટે સર્જાતા સાહિત્યનો માહોલ ઉભો કરી શકે. સપાટી પરની ચર્ચા તેવું કરી શકે નહીં. આ ફેસ્ટિવલ શરૂ થવાના અહેવાલો છાપામાં વાંચ્યા તે જ દિવસે બંગાળના એક સાહિત્યિક મિત્ર અમદાવાદમાં હતા. તેમણે માહિતી આપી કે સમગ્ર બંગાળ એક નવલકથાની શતાબ્દી ઉજવવાની તૈયારી કરી રહ્યું છે. શરદ બાબુની ખ્યાત નવલકથા ‘પથેર દાબી’ (પથનો અધિકાર)ને સો વર્ષ પુરા થશે ત્યારે તેની અતિ ભવ્ય ઉજવણી થશે. ચર્ચા, મેળા, વ્યાખ્યાનો, ગીતો, દસ્તાવેજી ચિત્રો, ચિત્રો, પ્રદર્શનો એમ અનેક રીતે શરદ-સ્મૃતિનો તહેવાર સંપન્ન થશે.
આ વાત એટલા માટે મહત્વની છે કે રવીન્દ્રનાથની જેમ શરદ બાબુ પણ શ્રેષ્ઠ લેખક હતા અને ‘પથેર દાબી’ નવલકથા તો ક્રાન્તિકાર જીવન અને દર્શન પર આધારિત છે. રવીન્દ્રનાથે ‘ઘરે બાહિરે’ નવલકથામાં લંડનમાં વીર સાવરકર સાથે સક્રિય બિપીનચન્દ્ર પાલને નજરમાં રાખીને ક્રાંતિકારો વિષે દુષિત લખાયાનો ઉહાપોહ બંગાળમાં હતો જ. શરદ બાબુએ તેના સામા છેડે એક એવા અદ્ભુત ક્રાંતિકારનું ચરિત્ર આ નવલકથામાં આલેખ્યું કે માત્ર બંગાળ નહીં, ભારતમાં પણ આ નવલકથા અનેકોના ચિત્તમાં સ્થાપિત થઇ ગઈ. ‘સવ્યસાચી’ પાત્ર તેમાં અપાયું છે.
અમે કટોકટી અને સેન્સરશીપ દરમિયાનના કારાવાસમાં આ નવલકથા વિશે વારંવાર ચર્ચા કરતા હતા. એ કથા વિશે તે સમયના ‘જનસત્તા’માં મારી કોલમમાં એ વિશે લખ્યું કે તુરત તત્કાલીન સરકારની એ અખબાર પર નોટીસ પહોંચી. બ્રિટીશ સરકારે પણ ‘બંગ વાણી’માં પ્રકાશિત આ નવલકથા પર પ્રતિબંધ મૂક્યો હતો જેનો સુભાષ ચન્દ્ર બોઝે ખુલ્લો વિરોધ કરતા લખ્યું કે સત્તા તો તમારી જશે, પણ ‘પથેર દાબી’ કાયમ રહેશે.
વાચકોને એ જાણીને આનંદ થશે કે આ નવલકથાનો સહુથી પ્રથમ અનુવાદ ગુજરાતીમાં થયો હતો. ત્રણેક અનુવાદો થયા છે, નગીનદાસ પારેખ, બચુભાઈ શુક્લ, ભોગીલાલ ગાંધી અને શ્રીકાંત ત્રિવેદીના અનુવાદોથી આ નવલકથા લોકપ્રિય બની હતી.
પણ આ તો બંગાળી નવલકથાની વાત થઇ. ગુજરાતી નવલકથાઓનું શું? બરાબર દોઢસો વર્ષ પહેલા પ્રથમ નવલકથા ‘કરણ ઘેલો’ પ્રકાશિત થઇ. તેના લેખક સુરતવાસી નંદશંકર તુળજાશંકર મહેતા હતા. પછી તો નવલકથાઓની દીર્ઘ કતારે ગુજરાતી વાચકોના દિલ અને દિમાગ પર કબજો લીધો. વકીલાત છોડીને ગોવર્ધનરામ ત્રિપાઠીએ ‘સરસ્વતીચંદ્ર’ના ચાર ભાગ લખ્યા અને ગુજરાતી પરિવારોમાં કુસુમ અને કુમુદ નામકરણ થવા લાગ્યા. સરસ્વતીચંદ્રના ખ્વાબને યુવકો અપનાવતા થયા.
કનૈયાલાલ મુન્શીએ સોલંકી યુગને નજર સામે રાખીને ‘રાજાધિરાજ’, ‘પાટણની પ્રભુતા’, ‘ગુજરાતનો નાથ’, ‘જય સોમનાથ’ જેવી માતબર નવલકથાઓ લખીને ગુજરાતની અસ્મિતાને ગુજરાતીઓના હૃદયમાં સ્થાપિત કરી. ‘ગુજરાતી’ સામયિકનું તે સાહસ હતું. રમણલાલ દેસાઈ, ધૂમકેતુ, ચુનીલાલ શાહ, મણીલાલ નભુભાઈ, જ્યોતીન્દ્ર દવે, ધનસુખલાલ મહેતા, રામનારાયણ પાઠક, ગુણવંતરાય આચાર્ય, ઉમાશંકર જોશી, પન્નાલાલ પટેલ, જયંતી દલાલ, ઝવેરચંદ મેઘાણી, દર્શક, વજુ કોટક, ઈશ્વર પેટલીકર, યશોધર મહેતા, પીતામ્બર પટેલ, શિવકુમાર જોશી, ચૂનીલાલ મડિયા, ચંદ્રકાંત બક્ષી, સુરેશ જોશી, દેવશંકર મહેતા, રઘુવીર ચૌધરી, દિલીપ રાણપુરા, મોહમ્મદ માંકડ, સારંગ બારોટ, કોલક, સરોજ પાઠક, ચિનુ મોદી, મધુ રાય, હરીન્દ્ર દવે, વર્ષા અડાલજા, અશ્વિની ભટ્ટ, હરકિશન મહેતા, ભૂપત વડોદરિયા, મકરંદ દવે, જોસેફ મેકવાન, રજનીકુમાર પંડ્યા... મારે આ નામો અટકાવી દેવા જોઈએ, બીજા ઘણા કતારમાં છે. દરેકની શક્તિ-મતિ મુજબ તેઓએ નવલકથાનો પ્રયોગ અજમાવ્યો છે. નવી પેઢી પણ લખી રહી છે.
એકંદરે ગુજરાતી નવલકથાનું પોતાનું પોત છે. ખૂબી છે, ખામી છે. પણ એક વાત નક્કી કે વ્યક્તિગત અને ઈતિહાસવિષયક વિષયો પર આ નવલકથાઓ વધુ અસરકારક નીવડી છે. શરદ બાબુની ‘પથેર દાબી’ જેવી ક્રાંતિ સાથે જોડાયેલી નવલકથા સ્વતંત્રતા પૂર્વે પણ ગુજરાતી લેખક આપી શક્યો નથી. મેઘાણી તેમના જીવનના અંતિમ દિવસોમાં તત્કાલીન યુગને અભિવ્યક્ત કરતી મહાનવલ લખવાનું વિચારી રહ્યા હતા. દર્શકે ઝેર તો પીધા છે... નવલકથામાં એવો પ્રયોગ જરૂર કર્યો પણ તેના છેલ્લા ભાગમાં ગમે તે કારણોસર નિષ્ફળ નીવડ્યા.
અત્યારે તો આ કથા યાત્રાને ૧૫૦ વર્ષ થઇ ગયા હોય તેની શાનદાર ઉજવણી સાહિત્યિક સંસ્થાઓ પોતાની તમામ મર્યાદા છોડીને કરે તેવી આશા રાખવી જોઈએ. વિદેશોમાં સાહિત્ય અને સંસ્કૃતિના નિમિત્તે મેળાવડા તો થાય છે તો આવો પ્રયોગ કેમ ના થાય? વિચારી જોજો.

