ટોકિયોઃ જાપાનમાં મોટી સંખ્યામાં લોકો વધતી ઉંમર સાથે વિસ્મૃતિની બીમારીનો ભોગ બની થઇ રહ્યા છે. તેના કારણે તે ક્યારેક ઘરનો રસ્તો ભૂલી જાય છે તો ક્યારેક ઘર છોડીને ચાલ્યા જાય છે. સરકારે એવા સિનિયર સિટિઝન માટે એક વિશેષ ક્યુઆર કોડ સ્ટિકર બનાવ્યું છે, જેથી તેને શોધવામાં સરળતા રહેશે. આ પદ્ધતિમાં વૃદ્ધોના નખ પર એક ક્યુઆર કોડ લગાવવામાં આવે છે. તેને સ્માર્ટફોનમાં એપના માધ્યમથી ગમે ત્યાંથી સ્કેન કરી શકાય છે. આ સેવા બિલકુલ ફ્રી છે.
આ ક્યુઆર કોડથી પરિવાર અને પોલીસને ગુમ થયેલા વૃદ્ધોને શોધવામાં મદદ મળશે. અત્યારે ટોક્યોની નજીક ઇરુમા શહેરમાં તંત્ર વિશેષ ક્યુઆર કોડ સિનિયર સિટિઝન્સ પરિવાર અને સંબંધીઓને આપી રહ્યું છે. તેને લેવા માટે તેમણે ફક્ત રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે. ઇરુમામાં યોજના સફળ થયા પછી યોજનાને દેશમાં લાગુ કરવામાં આવશે.
ક્યુઆર કોડ વોટરપ્રૂફ છે અને તેની સાઇઝ ૧ વર્ગ સેમી છે. દરેક સ્ટિકરનો એક યુનિક આઇડેન્ટિટી નંબર હોય છે. તેમાં વૃદ્ધનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને સ્થાનિક તંત્રનો ટેલિફોન નંબર નોંધાયેલો છે. જેમાં સ્માર્ટફોનમાં ડાઉનલોડ કરી ક્યુઆર કોડના યુનિક નંબરને સ્કેન કરી ગુમ થયેલા વ્યક્તિના લોકેશનની માહિતી મળી શકે છે.
ઇરુમા શહેરના લોકકલ્યાણ વિભાગના પ્રવક્તા જાણાવે છે કે, જાપાનમાં ભૂલવાની બીમારીથી પીડિત સિનિયર સિટિઝન્સ ગુમ થવાની સમસ્યા મોટા પ્રમાણમાં છે. આ લોકોને શોધવામાં મુશ્કેલી પડે છે. ઇરુમાની કુલ વસ્તી લગભગ ૪૦ હજાર છે. તેમાં લગભગ ત્રણ હજાર લોકોને ડિમેન્શિયા છે.

