બૈજિંગઃ ચીનમાં એક ડોક્ટરે હાથ ઉપર કાન ઉગાડ્યો છે. કોસ્મેટિક સર્જરીની દુનિયામાં આને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવે છે. પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન ગુઓ શુઝહોંગે નવેમ્બરના બીજા સપ્તાહમાં આ સિદ્ધિ મેળવી હતી, જેની જાહેરાત હવે થઇ છે. ઝી નામના એક દર્દીને કાનની જરૂર હોવાથી પ્રત્યારોપણ કરાયું હતું.
ઓળખ છુપાવવા ઝીનું સાચું નામ જાહેર કરાયું નથી, પરંતુ અહેવાલ અનુસાર ઝીને ગયા વર્ષે કાર અકસ્માત થયો હતો જેમાં તેને ગંભીર ઇજા થઇ હતી. તેમનો જમણો કાન પણ કપાઈ ગયો હતો. ઝીના ચહેરા પર અનેક ઓપરેશન કરવામાં આવ્યા જેના દ્વારા તેમના ચહેરાને સામાન્ય બનાવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. પરંતુ તેમના કાનને જોડવાના ડોક્ટરના પ્રયાસો નિષ્ફળ નીવડ્યા હતા.
ત્યારબાદ ઝીએ ડો. ગુઓ શુઝહોંગની મુલાકાત લીધી હતી. શુઝહોંગ માત્ર ચીનના જ નહીં વિશ્વભરમાં પ્રખ્યાત પ્લાસ્ટિક સર્જન છે. તેમણે ૨૦૦૬માં ચીનમાં પ્રથમ ટ્રાન્સપ્લાન્ટ કર્યું હતું. ઝીએ તેમની મદદ માગી હતી. શી ઝિયાતોંગ યુનિવર્સિટીમાં કામ કરતા ડો. ગુઓને સૌપ્રથમ દર્દીની હાથની ત્વચા લીધી હતી. આ માટે ચામડીને ઢીલી કરવાની દવાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ પાંસળીઓમાંથી પ્રમાણમાં નરમ હાડકું કાઢવામાં આવ્યું હતું. આ હાડકાને કાનના આકારમાં કાપીને હાથની ચામડની નીચેના ભાગમાં ગોઠવવામાં આવ્યું હતું. થોડા જ સમયમાં આ હાડકાએ કાનનો આકાર લઈ લીધો હતો. આ કાન હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો છે. જ્યારે આ કાન પૂર્ણપણે તેનો આકાર લઈ લેશે ત્યારે તેને કાપીને ચહેરા પર લગાવવામાં આવશે.
ડો. ગુઓના જણાવ્યા મુજબ આ પ્રક્રિયાનો સૌથી મુશ્કેલ હિસ્સો હતો કાનને હાથના કાંડા નજીક જોડવો. જેમાં સફળતા મળતાં પ્રયોગ સફળ થવાની આશા બંધાઇ હતી. ડોક્ટરોને હવે આશા છે કે ટૂંક સમયમાં જ ઝી સામાન્ય જીવન જીવી શકશે.
ઉલ્લેખનીય છે કે સપ્ટેમ્બર ૨૦૧૩માં પણ આવો જ બનાવ બન્યો હતો. જેમાં એક કાર અકસ્માતમાં ૨૨ વર્ષના ચીની યુવકનું નાક તૂટી ગયું હતું. ત્યારે ડોક્ટરોએ બીજું નાક ઉગાડવાનો વિકલ્પ અપનાવ્યો હતો. આ માટે તેમણે યુવકના ટિશ્યુનો ઉપયોગ કરીને તેના કપાળ પર નાક ઉગાડ્યું હતું.

