નબળા પડતાં રોમાન્સની વાત કરવા સ્ત્રીમિત્રો યોગ્ય પાત્ર નથીઃ સર્વેક્ષણ

Wednesday 14th December 2016 06:18 EST
 
 

લંડનઃ રોમાન્સ કે પ્રેમસંબંધનો સવાલ છે ત્યાં સુધી સ્ત્રીમિત્ર તે સંબંધોનો સૌથી મોટો શત્રુ બની શકે છે. તમારા સંબંધો કે રોમાન્સ જરાક નબળા પડ્યા હોય અને સ્ત્રીમિત્રમાં ભરોસો કરીને તેની સમક્ષ હૈયું ઠાલવશો તો કદાચ પ્રેમસંબંધ પર પૂર્ણવિરામ મુકાઈ શકે. જે સ્ત્રી સમક્ષ હૈયુ ઠાલવ્યું હોય તેમાં રહેલો અસંતોષ કે હતાશા તમારા પ્રેમસંબંધનો ભોગ લઈ શકે છે. એક સ્ત્રીની વાત સાંભળીને તમારા દુખમાં સહભાગી થવાને બદલે તે સ્ત્રીમિત્ર તમારી સમસ્યા વધારી શકે છે. ટૂંકમાં સેમસેક્સના મિત્ર સમક્ષ રોમાન્સ વિષયક હૈયું ઠાલવવું નુકસાન પહોંચાડી શકે છે.
પોતાનાં પ્રેમીપાત્ર, સ્ત્રીમિત્ર સમક્ષ હૈયું ઠાલવનારી સ્ત્રીના પ્રેમસંબંધો મોટેભાગે તૂટતા હોય છે. ફેમિલી થેરપિસ્ટ ડો. જેકોબ જેન્સને જણાવ્યું છે કે રોમાન્ટિક સંબંધોની જાળવણી તે ખૂબ જ જટિલ બાબત છે. સંબંધ સાધારણ નબળા પડ્યા હોય તેવા સંજોગોમાં પ્રેમી સાથે વાત કરવાને બદલે સહેલીને વાત કરવા જતાં સંબંધોની ગૂંચવણ કદાચ વધી જતી હોય છે. સામાજિક વર્તુળમાં પ્રેમસંબંધોમાં આવેલી સમસ્યાની વાત કરવાથી તેની નકારાત્મક અસરો પડતી હોય છે. મહિલાઓને આદત હોય છે કે તેના પ્રેમસંબંધોની વાત બહેનપણીઓને કરતી રહે છે, પરંતુ સહેલી હંમેશાં તમારા પ્રેમનું મૂલ્યાંકન નકારાત્મક રીતે જ કરતી હોય છે. ૨૦થી વધુ વર્ષની ઉંમરની ૬૭ યુવતીઓને જ્યારે તેમના પ્રેમસંબંધ, તેમાં આવેલી સમસ્યા, તેના વિશે કોની સાથે વાત કરવી ઉચિત ગણશો તેવા સવાલ પૂછવામાં આવતાં જાણકારી મળી હતી કે બહેનપણી સમક્ષ હૈયું ઠાલવવા જતાં ૩૩ ટકા કિસ્સામાં પ્રેમસંબંધો જ તૂટી ગયા હતા. ટૂંકમાં પ્રેમસંબંધોમાં અડચણ આવે તો પ્રેમી સાથે વાત કરવામાં જ લાભ છે. જો તમે તમારા પ્રેમી સાથે આ વાત ના કરી શકતા હો તો પ્રેમસંબંધો જ નબળા કહી શકાય.


comments powered by Disqus