(લંડનની એક કાઉન્સિલમાં દુભાષિયા (ઇન્ટરપ્રીટર) તરીકે ફરજ બજાવનાર ગુજરાતી મહિલાએ અાપણા સમાજમાં બનેલી એક સત્યઘટના અમને લખી મોકલી અાપી છે. એ અમે શબ્દશ: અત્રે રજૂ કરીએ છીએ.)
પાનખર ઋતુ અાવી ને ઘટાદાર વૃક્ષો પર મનમોજીલા જુવાનિયાની જેમ ઝુમતાં, ફરફર કરતાં પાન પાકાં થઇ ધરતી પર ખરવા લાગ્યાં. ઠંડા પવનની ઝપાટે વૃક્ષો ઉપરથી ખરતાં પાકાં પાદડાં જોઇ મારી નજર સમક્ષ એક દાદીમાનો ચહેરો તરવર્યો. ૧૦૨ વર્ષની ઉંમર અને અાંખે અવિરત દડદડ અાંસુડાની ધાર વહેતી હતી એવા દાદીમા સાથે મારી મુલાકાત થઇ.
લંડનની એક કાઉન્સિલમાં સોશ્યલ બેનિફીટ, હાઉસીંગ બેનિફીટ તેમજ કેરહોમ્સ બેનિફીટ અંગે રજૂઅાત કરવા અાવતા ગુજરાતીઅોને અંગ્રેજી ભાષા સમજવા કે બોલવામાં તકલીફ પડતી હોય છે. અાવા દુભાષિયા તરીકે જરૂર પડે હું સેવા અાપું છું. અાવા એક કેસ માટે કાઉન્સિલે મને એ વૃધ્ધ દાદીમાની મદદ માટે બોલાવી હતી. પાનખરમાં પાન ખરી પડે તો પણ વૃક્ષના રસસભર થડમાં તાજગી જણાતી હોય છે પણ... અા શું...! જીવનસંધ્યાએ ઉભેલાં અા દાદીમાના તન અને મન તદન મુર્ઝાયેલાં દેખાયાં. ગુજરાતી તરીકે મને જોતાં જ એ દાદીમાએ હૈયે ભંડારી રાખેલો દર્દ સભર બંધ તૂટી પડ્યો. મેં એમનો હાથ મારા હાથમાં લઇ પૂછ્યું:, “બા કેમ તમે અાવા ઢીલાં થઇ જાવ છો? મેં નજીકના ટેબલ પર પાણીની બોટલમાંથી ગ્લાસ ભરીને બાના હાથમાં અાપી પીઠ પર હાથ પસવારતાં પૂછ્યું, બા, કંઇ તકલીફ હોય તો મને જણાવી શકો છો, હું તમને મદદ કરવા અાવી છું.”
બાએ મને માંડીને વાત કરી,' બેટા... હું બહુ નાની ઉંમરે પરણીને તમારા કાકા સાથે અાફ્રિકા (યુગાન્ડા) ગઇ હતી. અાફ્રિકામાં એક દીકરો જન્મ્યો અને બહુ નાની ઉંમરે હું વિધવા થઇ. ત્યાં મેં પારકાંને ત્યાં કામ કરીને અાંખના રતન જેવા દીકરાને મોટો કર્યો, ભણાવ્યો. એ પછી સંજોગોવશાત લંડન અાવવાનું થયું. અહીં દીકરાને ભણાવ્યો, પરણાવ્યો અને મારી ફરજ પૂરી કરી.”
સમય વીતતો ગયો એમ ઉંમરે ઉંમરનું કામ કરવા માંડ્યું. શરીર અશક્ત બનવા લાગ્યું એટલે રસોઇ રાંધવામાં અને ઘરકામમાં પણ તકલીફ ઉભી થવા લાગી. હાથ-પગ બહુ ચાલતાં નથી એટલે પરાધીનતા જેવું લાગતું. એક શનિવારના દિવસે મારો દિકરો અને વહુ મારી રૂમમાં અાવ્યાં અને મને કહ્યું, 'બા... ચાલો તમારે મંદિરે દર્શન કરવા જવું છે. બહુ દિવસે બહાર નહિ નીકળી શકી નહોતી એટલે દેવદર્શનનું નામ અાવતાં હું ઝટ તૈયાર થઇ ગઇ. પણ.... "અાટલું બોલતાં બા ફરી છૂટ્ટે મોંઢે રડી પડ્યાં. મેં ફરી અાશ્વાસન અાપ્યું.
બાએ કહ્યું, “દેવદર્શનના નામે દીકરો મને અોલ્ડ ફોલ્ક્સ નામના હોમમાં મૂકી ગયો. મેં મારે અહીં નથી રહેવું બેટા... તમે મને જેવી રાખશો, જે ખવડાવશો એ હું ચલાવી લઇશ પણ.. બેટા અહીં ના મૂકીજા. બા.. બા અમે તમને પાછા લઇ જઇશું એમ મને પટાવી-ફોસલાવી કહીને ગયેલો દીકરો અાજ સુધી મને જોવાય અાવ્યો નથી. મને અહીં મૂકી એની એનો અફસોસ નથી પણ મારા કબાટમાંથી હું મારાં કપડાં અને ઠાકોરજીને લાવી શકી નહિ એનું દુ:ખ છે.”
અાવી દારૂણ સ્થિતિમાંય એ મા કહે છે, “બેટા મારો દીકરો બહુ સારો છે, હોં. ભગવાન એને ખુબ સુખી રાખે"
