જિનિવાઃ સ્વિત્ઝર્લેન્ડના ઝ્યુરિકમાં આવેલી સ્વિસ આલ્પ્સ પર્વતમાળાઓમાંથી લુગાનો સુધી વિશ્વની સૌથી મોટી રેલવે ટનલ ૧૧ ડિસેમ્બરે ખુલ્લી મૂકવામાં આવી છે. ગોથાર્ડ બેઝ ટનલ નામે ઓળખાતી આ રેલવે લાઈનનું જૂનમાં ઔપચારિક ઉદ્ઘાટન કરાયું ત્યારે જર્મન ચાન્સેલર એન્જેલા મર્કલ અને ફ્રેન્ચ પ્રમુખ ફ્રાન્કોઇસ ઓલાંદે પણ ટ્રેનમાં પ્રવાસ કર્યો હતો.
સ્વિસ નેશનલ રેલવે સર્વિસે રવિવારે ૫૭ કિલોમીટર લાંબી રેલવે લાઈન લોકો માટે ખુલ્લી મૂકી હતી. આ ટનલને બાંધતા ૧૭ વર્ષનો સમય લાગ્યો છે, જ્યારે તેના નિર્માણનો ખર્ચ ૧૧.૮ બિલિયન ડોલર (આશરે ૭૯૬.૩૨ બિલિયન રૂપિયા) જેટલો થયો હોવાનું સરકારે જણાવ્યું છે.
આ રેલવે લાઈન અંતર્ગત પહેલી પેસેન્જર ટ્રેઇન ઝ્યુરિકથી સવારે છ વાગ્યે ઉપડી હશે અને ૮:૧૫ વાગ્યે લુગાનો પહોંચી જશે. આ પહેલાં આ બન્ને સ્થળ વચ્ચેનું અંતર કાપતા ૩૦ મિનિટનો વધારે સમય જતો હતો. હવે આ ટનલના કારણે હજારો લોકોનો સમય બચી જશે એમ રેલવે તંત્રે જણાવ્યું હતું.
આ રેલવે લાઈનને સમગ્ર યુરોપે આવકારી છે કારણ કે તેની મદદથી રોટરડામથી એડ્રિયાટિક સુધીની કનેક્ટિવિટી પણ મજબૂત થઈ ગઈ છે.
આ ટનલ બનાવવા માટે જંગી ટનલ બોરિંગ મશીનોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ મશીનો થકી જોખમી અને અત્યંત ખર્ચાળ બ્લાસ્ટ-ડ્રિલ પદ્ધતિ અપનાવીને રેલવે લાઈનના નિર્માણ માટે જરૂરી જગ્યા ખુલ્લી કરવામાં આવી હતી.
નોંધનીય છે કે, આ પહેલાં જાપાનની સૈકાનની ૫૩.૯ કિલોમીટર લાંબી રેલવે લાઈન વિશ્વની સૌથી લાંબી ટનલ હતી, પરંતુ હવે સ્વિસ ટનલે તેનો રેકોર્ડ તોડી નાંખ્યો છે.
જાપાનની સૈકાન રેલવે લાઈન પહેલાં આ રેકોર્ડ બ્રિટન અને ફ્રાંસની ૫૦.૫ કિલોમીટર લાંબી ટનલના નામે હતો.

