સુભાષકથાઃ અંતિમ અધ્યાય (ભાગ-૩૩)

વિન્સ્ટન ચર્ચિલનો આદેશ હતો કે સુભાષચંદ્ર બોઝને જીવતા કે મરેલા ઝડપી લેવા

Wednesday 14th December 2016 06:35 EST
 
 

અને તમે જાણો છો, તેવું જ થયું! ભારત, ગાંધી કે કોઈ નેતા પર તેને ભરોસો નહોતો... આ દેશ કોઈનો યે ગુલામ રહેવા લાયક છે એવી ગુરુતાગ્રંથિથી તે પીડાતો હતો. આઝાદ હિન્દ સરકારની મારી યોજનાને તેણે મહત્ત્વ તો ન આપ્યું પણ -
શિદેઈ ઉત્સુકતાથી સાંભળી રહ્યો હતોઃ ‘પણ શું?’
‘પણ તેને ય લાગ્યું કે આ માણસ એમ કંઈ નાસીપાસ થાય તેવો નથી. ખરા અર્થમાં દેશ પ્રત્યે સમર્પિત છે એટલે ‘મેન કામ્ફ’માંથી ભારત-વિરોધી ફકરો કાઢી નાખવા તો સંમત થયો તેની સાથે જ આઝાદ ફોજની છાવણીમાં આવ્યો અને ભારતીય સૈનિકોને સંબોધન કર્યું...’
શિદેઈઃ એ ભાષણ તો મેં મારી નોંધપોથીમાં યે ટપકાવી રાખ્યું છે. કહ્યું હતું એડોલ્ફ હિટલરે -
‘તમે - ભારતીયો - ભાગ્યશાળી છો કે ભવ્ય સાંસ્કૃતિક પરંપરા ધરાવનારા દેશમાં જન્મ્યા છે. તમે અને તમારા નેતા, બન્ને વિદેશી ધૂંસરીથી મુક્ત થવા માટે જે રીતે લડી રહ્યા છો તેનાથી હું પ્રભાવિત થયો છું. તમારા નેતાજીની પ્રતિભા મારા કરતાં યે ઉંચેરી છે. હું તો માત્ર એંસી મિલિયન જર્મનોનો નેતા છું, નેતાજી સુભાષચંદ્ર બોઝ ૪૦૦ મિલિયનોના નેતા છે. તમામ રીતે તેઓ મારાથી મહાન નેતા અને મહાન સેનાપતિ છે. તમામ ભારતીયોની એ ફરજ છે કે તેમને ફ્યુહરર (Fuhrer) તરીકે આદર આપે અને તેમનું અનુસરણ કરે. તેમનાં નેતૃત્વમાં ભારત જલદીથી સ્વતંત્રતા મેળવશે એમાં મને કોઈ શંકા નથી.’
‘પણ, ચંદ્ર બોઝ, મને એ કહો કે જર્મન ઇન્ફ્રન્ટ્રી રેજિમેન્ટ અને ભારતીય સૈનિકોની સંયુક્ત પરેડને તમે - અને હેર હિટલરે - સાથે સલામી ઝીલી હતી?’
સુભાષે ડ્રેસડેનમાં થયેલી એ પરેડને યાદ કરીને કહ્યુંઃ હા. ત્યાં પણ તેણે ‘હેર અને ફ્યુહરર સંબોધન સાથે સંબોધન કર્યું હતું!’
શિદેઈએ ઉત્સાહપૂર્વક કહ્યુંઃ... તો સ્તાલિન પણ તમને નવી આઝાદ સરકાર માટે મદદ કરી શકે. એમ માનીએ તો ખોટું શું છે? મને એવી માહિતી મળી છે કે સ્તાલિનને ભારત વિશે કોઈ ખાસ જ્ઞાન નથી. ગાંધી અને જવાહરને તે મોટા નેતા ગણતો જ નથી...
સુભાષે દૃઢતાથી કહ્યુંઃ જો બ્રિટિશ સામ્રાજ્યવાદની સાથે તે હાથ નહીં મિલાવે તો તારા આ બોઝને સહયોગ આપશે...
‘જો’ અને ‘તો’ની આ લડાઈ પણ કેટલી મુશ્કેલ હતી, નેતાજી માટે? એકલવીર બનીને તે, અ-જાણી રશિયન ધરતી પર, સરમુખત્યાર સામ્યવાદી જોસેફ સ્તાલિનની રક્તરંજિત સત્તાના માહોલમાં ઝઝૂમી રહ્યો હતો!
રશિયા અને મિત્ર દેશોની બીજા વિશ્વયુદ્ધથી શરૂ થયેલી કૂટનીતિક નીતિ એકદમ સ્પષ્ટ હતી. ફ્રાન્સ, અમેરિકા, રશિયા, બ્રિટને જાપાન-જર્મનીના યુદ્ધકેદીઓને ‘યુદ્ધ અપરાધી’ ગણાવ્યા હતા. તેને માટે ન્યુરેમ્બર્ગ ખટલો શરૂ કરવાની તૈયારી થઈ ગઈ હતી. જર્મન સૈનિકોના વડા અફસરો અને રાજકીય આગેવાનોને પીંજરામાં ખડા કરીને ફાંસી-ગોળીની નિયતિ સુધી પહોંચાડવામાં આવે તો જ ભવિષ્યે વિશ્વયુદ્ધ છેડવાનું સાહસ ન કરે એવી રણનીતિ હતી. આમાં જાપાનીઝ સેનાને પણ યુદ્ધ અપરાધી ગણવામાં આવી હતી, એ જ હાલહવાલ નેતાજીની આઝાદ હિન્દ ફોઝના થાય એમ લોર્ડ માઉન્ટબેટન ઇચ્છતા હતા. વિન્સ્ટન ચર્ચિલનો આદેશ હતો કે સુભાષચંદ્ર બોઝને જીવતા કે મરેલા ઝડપી લેવા. મિત્ર દેશોની સમજૂતી મુજબ નેતાજી પણ ‘યુદ્ધ અપરાધી’ હતા અને જાન્યુઆરી ૨૭, ૧૯૫૦ સુધી તો ભારત પણ ‘ક્રાઉન ડોમિનિયન સ્ટેટ’ જ હતું. જાપાનીઝ જનરલ તોજો અને બીજા છ જાપાનીઝ સૈન્ય વડાને ‘ટોકિયો અદાલત’ના ચુકાદા મુજબ ફાંસીએ લટકાવી દેવાયા અને બીજા બધા આજીવન કેદમાં ધકેલાયા. જેમને કારાગારની સજા થઈ તે બધા તો અહીં - ક્વાંગતુંગ આર્મીના જનરલ - કેમ્પ નંબર ૪૮માં જ હતા ને?
આમાં સુભાષ એકલા કઈ રીતે બચી જઈ શકે?
આ સવાલ બ્રિટિશ હકુમતે જોસેફ સ્તાલિન સમક્ષ ઊઠાવ્યો હતો...
એટલે તો નેતાજી ઇચ્છતા હતા કે જેવી રીતે એડોલ્ફ હિટલરને મળ્યો હતો તેમ એક વાર સ્તાલિનને ય મળીને પ્રયાસ કરી જોઉં...
છેવટે તો ભારતમુક્તિના યજ્ઞમાં શેષ આહુતિનો જ મનોરથ હતો ને?
શિદેઈ, બહાર સૂસવતા ઠંડા વાયરાની વચ્ચે આ દૃઢપ્રતિજ્ઞ વ્યક્તિત્વને નિહાળી રહ્યો... સ્નેહપૂર્વક અને સન્માનભેર.
સાઇબીરિયન વિસ્તારનો પોતાનો એક ઇતિહાસ છે. ગમગીન અને યાતનાભર્યો. રાજવી ત્ઝારને ય સારો કહેવડાવે તેવી સામ્યવાદી ‘શુદ્ધિકરણ’ની ભીષણ કહાણીનાં વિષવૃક્ષો અહીં ઠેર ઠેર ઊગી નીકળેલાં છે અને તેનાં જરઠ થડની બખોલો મૃત પંખીઓના હાડમાળમાંથી ભરાયેલી પડી છે. રસ્તાઓ છે. સ્ટેશનો છે. દુકાનો અને બજારો છે. સરકારી ગાડીઓની આવનજાવન છે અને દરેક રશિયન ચહેરાઓ, કોઈ ભૂતાવળમાંથી ભાગી છૂટીને બહાર આવીને હજુ બહાવરાપણાથી દોડ્યે જતા હોય. તેમને જિંદગીનો સુખદ અલ્પવિરામ જોઈએ છે... પણ અહીં તો Devil and deep sea... ક્યાં જવું?
સુભાષને સૈનિકી જીપમાં લઈ જવાઈ રહ્યા હતા, એક કેમ્પથી બીજા કેમ્પ તરફ શિદેઈ તેમની સાથે હતો. તે આ દુઃસાહસિક ભારતીયથી ખફા હતો. ભારે મથામણ અને ગુપ્ત સંધિ પછી માંડ ચંદ્રા બોઝને અહીં - રશિયાની સરહદ સુધી - લાવવામાં આવ્યા હતા. જાપાને તેને માટે, સિક્રેટ યુનિટ-૪૩૭ દુષ્ટ સ્તાલિનને સોંપી દીધી હતી, અને હવે ચંદ્ર બોઝ ઈચ્છતા હતા કે ના, મારે અહીં ‘ગુલાગ’માં શાંતિથી વોડકા પીને છેલ્લા દિવસો વિતાવવા નથી, એક વધુ મહાસંગ્રામ મારી રાહ જોઈ રહ્યા છે.
‘- અને તેને માટે જોસેફ સ્તાલિનને મળવું ખૂબ જરૂરી છે.’
‘પણ તે મળશે?’ શિદેઈનો સવાલ મહત્ત્વનો હતો. એટલે અસંભવિતતાનાં અંધારાં વચ્ચે ચંદ્ર બોઝે પત્ર લખ્યોઃ
પ્રિય કોમરેડ,
મારા દેશ - ભારતના - પ્રતિનિધિ તરીકે તમને મળવું મને ખૂબ જરૂરી લાગે છે. હું જાણું છું કે ૧૯૪૧માં કોલકાતાનાં મારાં નિવાસસ્થાનેથી, બ્રિટિશરોની શક્તિશાળી ગુપ્તચર જાળને ભેદીને હું કાબુલ પહોંચ્યો ત્યારે પ્રથમ તો હું મૌલવી ઝિયાઉદ્દીન હતો. મારે રશિયામાં સ્વાતંત્ર્યજંગ ખેલવો હતો પણ એવું બન્યું નહીં. ૨ એપ્રિલ, ૧૯૪૧ના મોસ્કોમાં હોવા છતાં - ઓર્લેંડો માઝોટ્ટા - એટલે કે અત્યારનો નેતાજી ચંદ્ર બોઝ, તમને મળી શક્યો નહીં. આટલાં વર્ષે, બીજાં વિશ્વયુદ્ધની સમાપ્તિ પછી, તમારી સાથે સહયોગનો હાથ લંબાવવા મુલાકાત માંગી રહ્યો છું.
શ્રીમાન સ્તાલિન, હાલના સંજોગો સામે પૂરે તરવાના છે. તમારે રશિયન કમ્યુનિઝમને, તમારી રીતે સફળ બનાવવું છે. જર્મની સામે લડવાનું અને ઇંગ્લન્ડ - ફ્રાન્સ - અમેરિકાની સાથે રહીને બીજાં વિશ્વયુદ્ધમાં તમારે જિઓ-પોલિટિકલ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો પડ્યો હશે, પણ હું દૃઢપણે માનું છું કે તમારો ખરો દુશ્મન જર્મની નથી, બ્રિટન છે. આ તથ્ય તમે ય જાણો છો.
મારાં તમને મળતાં પહેલાં તમામ જાણકારી મળી જ ગઈ હશે. દુનિયાના તમામ દેશોમાં મને હિટલરનું કઠપૂતળું, ભારતદ્રોહી, તરંગી નેતા જેવા ઘણાં નામો અપાયાં છે. અરે, મારા દેશના નેતાઓ - જેમની સાથે ક્યારેક ખભેખભો મિલાવીને અમે કામ કર્યાં હતાં તેઓ પણ મારી ખિલાફ છે, તેમાંના એક પંડિત જવાહરલાલ નેહરુને તો તમે ય જાણો છો.
એટલે મિસ્ટર સ્તાલિન, મારે તે વિશે કશી ચોખવટ કરવી નથી. હું જે છું તે છું. મારા દેશનું સંતાન છું. હુગલી અને ગંગાના કિનારે મેં સપનાં સેવ્યા છે. હિમાલયની ગુફાઓએ મને શક્તિ આપી છે. જેમના એક ભાઈ રશિયન ક્રાંતિકારોના સંપર્કમાં હતા તે ભૂપેન્દ્રનાથ દત્તના ભાઈ સ્વામી વિવેકાનંદનો રાષ્ટ્રવાદ મારો આરાધ્ય માર્ગ છે. તેને માટે હું ગાંધીની સામે બાખડ્યો છું, જવાહરને બાજુ પર મૂક્યા છે. જેલોમાં રિબાવાને બદલે વિશ્વના તખતે પહોંચવાની અભિલાષા સેવી છે. હેર હિટલર, બેનીતો મુસોલિની, દ વેલેરાને મળ્યો છું. સમ્રાટ હિરોહિતોની સાથે હાથ લંબાવ્યો છે. બર્મા - મલયેશિયા - થાઇલેન્ડના તમામ સ્વાતંત્ર્યપ્રિય મહાનાયકોની સાથે મંત્રણાઓ કરી છે. ફોજ બનાવી છે. આઝાદ સરકાર રચી છે. રણ મોરચે ખુવારી વેઠી છે... મારો કટ્ટર દુશ્મન પણ મારા સ્વાતંત્ર્ય ભાવના સામે આંગળી ચીંધી શકે તેમ નથી...
મને રશિયન જમીન પર એક વધુ સ્વાતંત્ર્યજંગ માટે સહયોગ કરો.
ભારત તમારું ઋણી રહેશે.
 - સુભાષચંદ્ર બોઝ
શિદેઈએ પણ આ પત્ર વાંચ્યો હતો, એક રશિયન અધિકારી દ્વારા પત્ર સ્તાલિનના રાજદરબાર સુધી પહોંચ્યો અને એક સવારે મિલિટરી વાનમાં આ બે મુસાફરોને બેસાડાયા. બન્નેને જોઈને અફસરોના ચહેરા પર સ્તબ્ધતા અને ભયના વાદળાં હતાં, ક્યાંક આ બંનેને...
હા, સ્તાલિન દ્વારા આ રીતે કોઈને બોલાવવા તેનો અર્થ એ જ થતો કે તેઓ રહસ્યમય રાજમહેલમાંથી ક્યારેય પાછા વળવાની સંભાવના નષ્ટ થઈ જતી હતી.
સ્તાલિનગ્રાદ સુધીનો રસ્તો... જાણે કે એક ભીષણ હિંસા, ભય અને યાતનાનો નકશો જ હતો જાણે! દેખીતી રીતે કંઈ ન લાગે, બધું સામાન્ય રીતે વહેતું હોય એમ દેખાય. નોકરી, ધંધો, હિલચાલ, શાળાનાં બાળકો, દુકાનો, સ્ત્રીઓ... પણ તેની ભીતરમાં અસીમિત પીડાના પ્રેત ફરતાં હોય એવું કેમ લાગતું હતું?
‘ચંદ્ર બોઝ, પહેલી વાર હું આ જોઈને બેચેન બની રહ્યો છું... શું કમ્યુનિઝમ આપણાં વિશ્વને માટે ક્યારેય સુખરૂપ બની શકે? તમે તો આના અભ્યાસી છો...’
ચંદ્ર બોઝનું હાસ્ય ગ્લાનિયુક્ત હતું. તમે જ્યાં સુધી સત્તાને સંયમિત કરી શકો નહીં, ત્યાગના આધાર પર મનુષ્યત્વની પ્રતિષ્ઠા ન કરી શકો ત્યાં સુધી કોઈ ‘ઇઝમ’ કામિયાબ ન થઈ શકે... એ રીતે જાપાન-ભારતનો માર્ગ જ સાચો છે.
કયો માર્ગ?
બુદ્ધનો, આદિ શંકરનો, અદ્વૈતનો.
- પણ પ્રજા તેને કેમ અનુસરતી નથી?
‘કેમ કે તેવા રસ્તે દોરનારા પ્રબુદ્ધ મહાનાયકો નથી મળતા...’
ગાંધી પણ નહીં?
ના. તેમની અર્ધદગ્ધતાએ તો ભારતની મુક્તિના માર્ગને ય અંધારિયો બનાવી દીધો. તેમની અહિંસા અને સત્યાગ્રહમાં જીદ વધારે છે... આવાં અધૂરાં પ્રયોગો સમાજજીવનમાં સ્ખલનો પેદા કરી શકે, અન્ય કશું નહીં...
ચંદ્ર બોઝ બોલતા રહ્યાઃ પણ મારા માટે આ તમામ ચિંતન અત્યારે મહત્ત્વનું નથી. મારે પ્રથમ તો રાજકીય આઝાદી પ્રાપ્ત કરવી છે, દેશની. પછી જુઓ, મારા દેશની પાસે એટલું ગહન ચિંતન, સામર્થ્ય અને સંકલ્પ છે કે તે સહજ રીતે જગત મનુષ્ય કલ્યાણ અર્થે જગદ્ગુરુ સાબિત થશે.
ચંદ્ર બારી બહાર નિરખતા હતા. લગભગ શુષ્ક ચહેરે. આસપાસ બેઠેલા અફસરો થોડી વાર તેમની સામે નિહાળે પછી વળી પાછા પોતાનામાં સક્રિય થઈ જાય. સંદેશાની આપ-લે થતી રહેતી હતી.
ચંદ્ર બોઝે પૂછયુંઃ ‘મને કહેશો, કે આ વિસ્તારની ઓળખાણ શી છે?’
પેલો અફસર ગૂંચવાયો. રુક્ષભાવે તેણે ન સાંભળ્યાનો દેખાવ કર્યો. પછી કહેઃ આ ગુલાગ પ્રદેશ છે.
‘ગુલાગ?’ ચંદ્ર બોઝને માટે આ રશિયન અપરિચિત શબ્દ હતો. શિદેઈ તેનો અર્થ જાણતો હતો, પણ તેણે ઇચ્છ્યું કે પેલો રશિયન જ જવાબ આપે તો સારું.
‘ચીફ એડમિનિસ્ટ્રેશન ઓફ કરેકિટવ લેબર કેમ્પ્સ...’
‘આ તો બોસની દીર્ઘદૃષ્ટિનું જ પરિણામ હશે ને?’ ચંદ્ર બોઝથી પૂછાઈ ગયું તેમના ચહેરા પર હળવી મજાક હતી.
અફસર સમજી ના શક્યો કે આ ઇન્ડિયન વાઘની બોડમાં જઈ રહ્યો હોવા છતાં પોતાના મહામહિમની કેવી આલોચના કરી રહ્યો છે! તેણે થોડીક વધુ વિગત આપી એટલા માટે કે ‘ગુલાગ’ની ઓળખથી આ વ્યક્તિ ભયભીત થઈ જાય.
‘ના. લેનિનના સમયથી જ તેની શરૂઆત થઈ છે. સામ્યવાદની વિરુદ્ધ જનારાઓને આ શ્રમ છાવણીઓમાં રાખવામાં આવે છે. ૧૯૧૮માં તેવો પહેલો કેમ્પ સ્થપાયો હતો, અને તેને માટે ‘આર્કીપિલેગો’ની ઉત્તમ વ્યવસ્થા છે.’
(ક્રમશઃ)


comments powered by Disqus