શાહરુખ ખાનની ફિલ્મ ‘રઇસ’નો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાએ વિરોધ નહીં કરવાનો નિર્ણય કર્યા પછી હવે ૨૫ જાન્યુઆરીએ કોઈ પણ સમસ્યા વગર આ ફિલ્મ રિલીઝ થશે. રવિવારે સાંજે શાહરુખ અને રાજ ઠાકરે વચ્ચે વાતચીત થઈ હતી. આ મિટિંગ પછી રાજ ઠાકરેએ એવું કહ્યું હતું કે, શાહરુખ ખાન ખાસ તો એવું કહેવા માટે આવ્યો હતો કે પાકિસ્તાની હિરોઈન માહિરા ખાન ભારતમાં ‘રઈસ’ના પ્રમોશનમાં ભાગ લેશે નહીં. આ તરફ એવું પણ કહેવાય છે કે શાહરુખ અને રાજ ઠાકરે વચ્ચે પેચઅપ સલમાન ખાને કરાવ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર શાહરુખે રાજ ઠાકરેને એવું પણ કહ્યું છે કે ભવિષ્યમાં તે પોતાની હોમ પ્રોડકશનની કોઈ પણ ફિલ્મની કોઈ પણ પાકિસ્તાની કલાકારને લેશે નહીં. કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટીએ રાજ-શાહરુખ વચ્ચેની મુલાકાત સામે વાંધો દર્શાવ્યો છે. સપાના અબુ આઝમીએ કહ્યું હતું કે એ અફસોસની વાત છે કે શાહરુખ જેવા કલાકાર રાજ ઠાકરે સામે ઘૂંટણિયે પડી રહ્યા છે.
‘રઈસ’ સામે શિયા સમુદાયને વાંધો
ઉલ્લેખનીય છે કે, ‘રઇસ’ના શૂટિંગથી લઈને અત્યાર સુધીમાં ૬ વિવાદ થઈ ચૂક્યા છે ત્યારે હવે વધુ એક મતલબ કે સાતમો વિવાદ તેમાં જોડાયો છે. યુપીના જોનપુરની કોર્ટમાં ફિલ્મના એક દૃશ્ય માટે શાહરુખ ખાન, ગૌરી ખાન, ફરહાન અખ્તર, રિતેશ સિધવાની, નિર્દેશક રાહુલ ધોળકિયા અને સેન્સર બોર્ડના ચેરમેન પહલાજ નિહલાની એમ છ લોકો સામે નવમી ડિસેમ્બરે એક કેસ દાખલ થયો છે. આ ફિલ્મના એક સીનમાં શિયા સમુદાયના પવિત્ર અલમ એ મુબારકના જુલુસ ઉપરથી શાહરુખને કૂદતો બતાવાયો છે. તેની સામે વાંધો દર્શાવાયો છે.

