તમારી વાત

Tuesday 13th September 2016 14:38 EDT
 

‘સૌની’ યોજના સૌરાષ્ટ્રની જીવાદોરી

આપણા ‘ગુજરાત સમાચાર’ના તા 3 સપ્ટેમ્બરના અંકના પ્રથમ પાને ‘સૌની’ યોજનાના વિગતવાર સમાચાર વાંચીને જણાવવાનું કે હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી જયારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે તેમણે ‘બેટી બચાવો બેટી પઢાવો’, ‘પાણી બચાવો’ જેવા કેટલાક સંકલ્પો કર્યા હતા અને તેના માટે આજે પણ પૂરજોશમાં અભિયાન ચાલી રહ્યું છે. ‘સૌની’ યોજના ખુબ મહત્વની યોજના છે. તેનું ખાતમૂહુર્ત પણ શ્રી મોદીએ ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે કર્યું હતું. હજારો કરોડની આ યોજનાનું સર્વપ્રથમ લોકાર્પણ જામનગર જિલ્લાના સણોસરા ખાતે તાજેતરમાં શ્રી મોદીએ કર્યું છે.
કાઠિયાવાડનો એક ભાગ ઉંચાઈમાં અને બીજો ભાગ નીચાણમાં આવેલો છે. પાણીને ઉંચે ચઢાવવું મુશ્કેલ હતું. પરંતુ ટેક્નોલોજી અને એન્જીનીયરીંગની સિદ્ધિથી આ કામ સફળ થયું છે પહેલા તબક્કામાં સૌરાષ્ટ્રના 10 ડેમોમાં પાણી ભરાશે જે નર્મદા ડેમથી આવશે. જોજનો દૂર નર્મદા ડેમથી સૌરાષ્ટ્ર - કચ્છમાં તોતિંગ પાઇપલાઇનો વડે આ યોજનાથી હરિયાળી ક્રાંતિ સર્જાશે. લાખો ખેડૂતોને આનો લાભ થશે અને લોકો ને પાણીની મુશ્કેલી રહેશે નહિ.
આ યોજના માટે આપણે એક માત્ર શ્રી નરેન્દ્ર મોદીને અભિનંદન આપીશુ કારણ કે તેમના જ આ ક્રાંતિકારી સંકલ્પનો પ્રારંભ થયો છે. કોંગ્રેસ સરકારે ભારત અને ગુજરાતમાં લાંબાગાળા સુધી રાજ કર્યું હતું. પરંતુ લોકોની પાયાની જરૂરિયાત તરફ ધ્યાન જ આપ્યું નહીં. જો તેને માટે કોંગ્રેસે થોડુંક પણ કર્યું હોત તો પણ ખેડૂતોની સ્થિતિ સારી હોત. અત્રે એ પણ કહેવાનું કે નર્મદા ડેમની ઉંચાઈ વધારવામાં વિઘ્નો નાખતા મેધા પાટકરની પણ આ હાર થઈ છે.

- ભરત સચાણીયા, લંડન

બાળકોને માતૃભાષા ખાસ શીખવીએ

બે અઠવાડિયાથી ‘જીવંત પંથ’ વાંચ્યું નથી. ‘જીવંત પંથ’ વાંચવાની ખૂબ મજા આવે છે. અમારા છોકરાઓ પણ બંને પેપરો વાંચે છે. તે બધાંને સરસ ગુજરાતી આવડે છે અને એનું અમને અભિમાન છે.
ગુજરાતી આપણી માતૃભાષા છે એ ભૂલવું ન જોઈએ. દરેક દેશના અને રાજ્યના લોકોને પોતાની ભાષા માટે ગૌરવ હોય છે. તમે જુઓ તો પંજાબી, મરાઠી, સાઉથ ઈન્ડિયન લોકો તેમના ઘરમાં તેઓ પોતાની ભાષા જ બોલે છે. તે ભાષા એમના બાળકો બોલી અને સમજી શકે છે. આપણે પણ બાળકો જોડે આપણી ભાષામાં જ બોલવું જોઈએ. તેઓ માતૃભાષા સમજતા હોય તો દેશમાં જાય તો પણ તેમને તકલીફ ન પડે. જો માતૃભાષા સમજતા કે બોલતા ન ફાવતી હોય તો ‘ખાટલા નીચે પાણીને વોટર વોટર કરતાં જીવડો ગયો તાણી’ કહેવત છે એવો ઘાટ થાય.
તા. ૯ જુલાઈના અંકના ‘જીવંત પંથ’માં કલાપીનું ગીત ‘રે પંખીડા સુખેથી ચણજો’ તથા ‘તે પંખીની ઉપર પથરો ફેંકતા ફેંકી દીધો’ વાંચતા સ્કૂલની યાદ આવી ગઈ. મેં હજી પણ એવી કવિતાઓ રાખી છે. સી.બી.પટેલ ઘણીવાર એવા ગીતો લખે છે. અમને તે ગીતો ખૂબ જ ગમે છે. અમે છેલ્લા ૨૫ વર્ષથી ‘ગુજરાત સમાચાર’ વાંચીએ છીએ એટલે દર અઠવાડિયે રાહ જોતાં હોઈએ છીએ. દુનિયાના બધા જ સમાચાર જાણવા મળે છે.

- નીરુબહેન દેસાઈ, ફોરેસ્ટ ગેટ

પોકેમોન રમતના લાભ-ગેરલાભ

હાલ લોકો પોકેમોનની રમત પાછળ ખૂબ ઘેલા બન્યા છે. પોકેમોનના ૧૫૦ કેરેક્ટર્સ છે. પોકેમોન પકડવા હવે તો યુવાનો તથા ઘરમાં પૂરાઈ રહેતા વડીલો પણ જ્યાં પોકેમોન મળવાની સંભાવના હોય ત્યાં દોડે છે. પહેલાં તો લોકો ઘરે બેસીને આખી રાત વીડિયો ગેમ્સ રમતા. પછી આઈફોન પર અનેક ગેમ આવી. પોકેમોનમાં તો સલામતી અને ઘરની પ્રાઈવસી પણ ન રહે, તેવી રીતે ઘરમાં પણ પોકેમોન ફરતાં જોવા મળે. તેને સફેદ અને લાલ રંગના બોલ મારીને પકડવાના હોય છે.
એક રીતે આ ગેમ સારી છે કારણ કે લોકો બહાર ફરશે અને તે પણ પગે ચાલીને પોકેમોન પકડવા માટે. તેથી તેમને કસરત થાય છે. આ ગેમ રમતા લોકો તેમાં અજાણ્યા લોકોને મળશે. તેથી મૈત્રી બંધાશે. જે લોકો ફક્ત સોશિયલ મીડિયાથી એકબીજાના સંપર્કમાં રહેતા હતા તે રૂબરૂ મળશે. તેમાં બીજો ડર પણ છે કે ફોનમાં મોં નાંખીને પોકેમોન શોધવા કાર ચલાવશે તો અકસ્માતો પણ વધશે. ઘણા તો આ છલાવા પાછળ ગાંડાની જેમ ભટકે છે. સમય અને સ્થળનું પણ ભાન ભૂલી જાય છે. આ પડછાયાને પકડવાની રમત છે.
ગત ૧૩ ઓગસ્ટે પ્રમુખસ્વામી મહારાજ બ્રહ્મલીન થયા તે જાણીને ખૂબ દુઃખ થયું. અનેક લોકોના વ્યસનો છોડાવીને સદમાર્ગે વાળનાર, દેશ-વિદેશમાં ભગવાન સ્વામિનારાયણના ભવ્ય મંદિરો નિર્માણ કરનાર મહાન આત્માને મારા શતશત પ્રણામ.

- નયના નકુમ, સાઉથ હેરો

દીકરી એટલે બાપનો શ્વાસ અને વિશ્વાસ

જમાનો બદલાય, પણ દીકરીનો બાપ પ્રત્યેનો પ્રેમ એવોનો એવો અવિચળ રહે છે. તમે પરભવમાં વધુ પ્રમાણમાં પુણ્ય કર્યા હોય અને આ ભવમાં પણ એવો સિલસિલો ચાલુ રાખ્યો હોય ત્યારે જ આવી દીકરી જન્મતી હોય છે. દીકરીને ઘડવામાં માનો ફાળો અનન્ય છે. તો બાપને ઘડવામાં દીકરીનો ફાળો અનન્ય છે. આ જગતમાં એક પણ દીકરી એવી નહીં હોય જેણે તેના પિતાને સાચવ્યા ન હોય. પોતે ઉંમરમાં નાની હોય, પણ સમજમાં મોટી હોય છે. સુખી બાપની વ્યાખ્યા આપવી હોય તો શું આપી શકાય? જેની દીકરી સુખી તેનો બાપ પણ સુખી. એથી ઊલ્ટું પણ એટલું જ સાચું છે કે જેની દીકરી દુઃખી તેનો કરોડપતિ બાપ પણ દુઃખી. દીકરી બાપને ઘરે પિયરમાં હોય ત્યારે એક કહેવત છે, ‘દીકરી એટલે પારકી થાપણ’. આ કહેવત પાછળનો ભાવાર્થ આપ સૌ જાણો જ છો? આ દીકરી જ્યારે સાસરે જાય ત્યારે કેટલાંક સાસરિયા તેને પારકીજણી પણ કહેતા હોય છે અને આ દીકરી મારી છે એમ કહેનાર કોઈ જ નહીં.
હકીકતમાં દીકરી એ તો બાપનો શ્વાસ અને વિશ્વાસ છે. બાપ દીકરી પર જેટલો વિશ્વાસ મૂકે છે તેટલો વિશ્વાસ પોતાના દીકરા કે પોતાની પત્ની પર પણ નથી મૂકી શકતો. બાપ દીકરીને સાસરે વળાવે તે પ્રસંગ ‘રામાયણ’ કે ‘ગીતા’ કરતાં સહેજ પણ ઓછો પવિત્ર નથી. આ વસમી વિદાયવેળાએ બાપનું દિલ દ્રવી ઊઠે છે અને ધ્રુસકે ધ્રુસકે રડી પડે છે. દીકરી જ બાપના હૃદયને જાણી શકે છે.

- રતિલાલ ટેલર, સાઉથગેટ

સદ્ભાવનાનું પર્વ - રક્ષાબંધન

હિંદુઓનો પ્રખ્યાત તહેવાર ‘રક્ષાબંધન’ માત્ર વંશીય લઘુમતિમાં જ નહીં પરંતુ આ દેશની પ્રજામાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે તે ખરેખર સારા સમાચાર છે. આ એક પ્રસંગ, એક તહેવાર છે જે કોઈ પણ પૂર્વગ્રહ વિના તમામ ધર્મના લોકોને આકર્ષી શકે છે કારણ કે આ પર્વ સદભાવનાનો ઉમદા સંદેશ લઈને આવે છે અને તે સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાનું પર્વ છે.
આપણા સશસ્ત્ર દળોને હિંદુ સમુદાયની નીકટ લાવવા માટે આપણે આપણા સશસ્ત્ર દળોના હિંદુ સંગઠનનો નિશ્ચિતપણે આભાર માનવો જોઈએ. દાર-એ-સલામમાં જુદા જુદા એશિયન સમુદાયના તેમાં પણ ખાસ કરીને હિંદુ સમુદાયની નજીકના ઈસ્માઈલી સમુદાયના લોકો કેવી રીતે રક્ષાબંધન ઉજવતા હતા તે મને યાદ છે. તેઓ તેમના આધ્યાત્મિક વડા આગા ખાનને ભગવાન કૃષ્ણનો પુનઃઅવતાર માનતા હતા.
મારે ઈસ્માઈલી સમુદાયના ઘણા મિત્રો હતા એટલે તેઓ જ્યારે આગા ખાનના જન્મદિનની ઉજવણી દાંડિયા રાસ સાથે કરતા ત્યારે હું તેમના જમાતખાનાની મુલાકાત લેતો હતો. ઈસ્માઈલી યુવક-યુવતીઓ કૃષ્ણના ભજન ગાતા હતા. તેઓ એટલું સુંદર ગાતા હતા કે અમારી હિંદુ સંસ્થાઓ ધાર્મિક તહેવારો પર ભગવાન કૃષ્ણના ભજનો ગાવા માટે તેમને આમંત્રણ આપતી હતી. વિખ્યાત ગાયક અબ્રાહમ ભગત પણ ઈસ્માઈલી હતા. આશા રાખીએ કે આ શ્રેષ્ઠ દિવસની લોકપ્રિયતા વધુ મજબૂત બને અને હાલના અશાંતિના સમયમાં સંગઠિત પરિબળ તરીકે ઉભરી આવશે.

- ભૂપેન્દ્ર ગાંધી, ઈમેલ દ્વારા


comments powered by Disqus