નિરંકુશ નોર્થ કોરિયાને નાથવું જ રહ્યું

Tuesday 13th September 2016 14:37 EDT
 

આજે આંતરરાષ્ટ્રીય તખતે શાંતિ અને ભાઇચારાનો માહોલ સર્જવા મથામણ ચાલી રહી છે ત્યારે નોર્થ કોરિયાએ પાંચમું પરમાણુ પરીક્ષણ કરીને આ સ્તુત્ય પ્રયાસોના ફૂરચા ઉડાવી દીધા છે. દરેક દેશને આત્મરક્ષણ માટે શક્ય તમામ પગલાં લેવાનો અધિકાર હોવાનું કોઇ નકારી શકે નહીં, પરંતુ નોર્થ કોરિયાએ આ પરીક્ષણ આક્રમક્તા દર્શાવવા માટે કર્યું હોવાથી તેની ગંભીરતા વધી જાય છે. હવે તે છઠ્ઠા અણુ પરીક્ષણ માટે તૈયારી કરી રહ્યાના અહેવાલ છે. નોર્થ કોરિયાના સરમુખત્યાર શાસક કિમ જોંગ ઉનની મનમાનીના પરિણામે આજે કોરિયન દ્વીપકલ્પમાં ફરી એક વખત ૬૬ વર્ષ અગાઉ જેવો તનાવ સર્જાયો છે. વીતેલા સપ્તાહમાં બનેલી ઘટનાઓ, સામસામી નિવેદનબાજીમાં આ તનાવ ઝલકે છે. અમેરિકા અને સાઉથ કોરિયાએ નોર્થ કોરિયાના આક્રમક વલણ સામે આકરાં પગલાંની ચેતવણી ઉચ્ચારી છે. તો સામી બાજુ, નોર્થ કોરિયાએ અમેરિકાને લલકાર્યું છે. મહાસત્તાઓને સાંકળતી આ કડવાશના મૂળમાં ખરેખર તો દસકાઓ જૂનો સત્તાસંઘર્ષ છે.
કોરિયન દ્વીપકલ્પ પર ૧૯૧૦થી બીજા વિશ્વ યુદ્ધના અંત સુધી જપાનનું રાજ હતું. ૧૯૪૫માં સોવિયેત યુનિયને જપાન પર હુમલો કરીને દ્વીપકલ્પના ઉત્તરીય ભાગોને મુક્ત કરાવ્યા. થોડાક સમય બાદ અમેરિકી સૈન્ય દ્વીપકલ્પના દક્ષિણ ભાગમાં પ્રવેશ્યું અને કોરિયન દ્વીપકલ્પ ઉત્તર તથા દક્ષિણ કોરિયા એમ બે દેશોમાં વહેંચાયો. પાંચ વર્ષ બાદ, ૧૯૫૦ નોર્થ કોરિયાએ બે ફાડામાં વહેંચાયેલા કોરિયાને ફરી એક કરવાના ઇરાદે (અને પોતાનું સામ્રાજ્ય વિસ્તારવાના બદઇરાદે) સાઉથ કોરિયા પર હુમલો કર્યો. આ સંઘર્ષમાં ચીન તથા સોવિયેત યુનિયને નોર્થ કોરિયાને જ્યારે અમેરિકાએ સાઉથ કોરિયાને સાથ આપ્યો હતો. આ ભાગલાને દસકાઓ વીત્યા છે, પણ નોર્થ કોરિયા નરમ પડવાને બદલે વધુને વધુ અક્કડ બનતું રહ્યું છે. નોર્થ કોરિયાએ કરેલું પરમાણુ પરીક્ષણ અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી પરીક્ષણ છે. નોર્થ કોરિયાના આ જોહુકમીભર્યા વલણ બાદ તેના પર વધુ કડક પ્રતિબંધો લાદવા યુએનમાં સંમતિ સધાઇ છે તેનો સત્વરે અમલ થવો અનિવાર્ય છે.
આમ તો આંતરરાષ્ટ્રીય સમુદાય નોર્થ કોરિયા પર અગાઉ જ જાત જાતના પ્રતિબંધો લાદી ચૂક્યો છે, પરંતુ તેને ચીનની એવી મજબૂત ઓથ છે કે આ બધા પ્રતિબંધોનો કોઇ મતલબ સરતો નથી. પેસિફિક સમુદ્ર વિસ્તારમાં સાઉથ કોરિયા અને જાપાન જેવાં રાષ્ટ્રો અમેરિકાની પડખે છે. આથી ચીને દુશ્મનનો દુશ્મન આપણો દોસ્ત વાળી નીતિ અપનાવી છે. તે અમેરિકાને ખડે પગે રાખવા નોર્થ કોરિયા જેવાં માથાભારે રાષ્ટ્રને થાબડભાણાં કરી રહ્યું છે.
નોર્થ કોરિયા સતત તેના સહોદર પડોશી સાઉથ કોરિયાને ધમકાવ્યા કરે છે. તેણે પોતાની ધાક જાળવી રાખવા પાકિસ્તાની અણુ તસ્કરોની મદદથી અણુ ટેક્નોલોજી હસ્તગત કર્યાનું મનાય છે. બીજી તરફ, સાઉથ કોરિયા વિકાસના પંથે રોકેટ ઝડપે પ્રગતિ કરી રહ્યું છે. કોરિયન દ્વીપકલ્પમાંથી છૂટા પડ્યા બાદ અમેરિકી મૂડીવાદ અને ટેક્નોલોજીને સાંગોપાંગ અપનાવનાર સાઉથ કોરિયાની પ્રગતિ આપણી નજર સમક્ષ છે. અત્યારે મોબાઇલ ટેક્નોલોજી જેવાં આધુનિક ક્ષેત્રે તે સુપર પાવર ગણાય છે.
સતત સરમુખત્યારશાહી શાસન તળે રહેલું નોર્થ કોરિયા એવુંને એવું પછાત રહ્યું છે. આમ છતાં તેના સરમુખત્યાર શાસકનો અહં છૂટતો નથી. એક વેળા પાકિસ્તાનના શાસક ઝૂલ્ફીકાર અલી ભૂટ્ટોએ ભારત સામે બાંયો ચઢાવતાં કહ્યું હતું કે અમારે ઘાસ ભલે ખાવું પડે, પણ અમે અણુબોમ્બ બનાવશું જ. કંઇક અંશે આવો જ, અને પોતાને જ બરબાદ કરી નાખે તેવો, આત્મઘાતી ઉન્માદ નોર્થ કોરિયામાં દેખાઇ રહ્યો છે. વડવાઓના પગલે ચાલતાં કિમ જોંગ ઉને એક તરફ દેશની પ્રજાને ભૂખમરામાં સબડતી રાખી છે તો દુનિયાને દબડાવવાનો સિલસિલો પણ ચાલુ રાખ્યો છે. આ પૃથ્વી પર કેટલાક દેશો એવા છે જેમને વૈશ્વિક શાંતિ સાથે ન્હાવા-નિચોવવાનો પણ સંબંધ નથી. આવા દેશોની યાદી ભલે બહુ નાની છે, પણ તેમાં આતંકવાદને પોષતા પાકિસ્તાન અને સરમુખત્યારશાહી માટે બદનામ નોર્થ કોરિયા જેવા દેશો મોખરે છે. આવા દેશોનું પાગલપન સમગ્ર વિશ્વ માટે ખતરારૂપ બની શકે છે. આથી જ નોર્થ કોરિયાને નાથવામાં યુએને બહુ વિલંબ કરવો જોઇએ નહીં. આજના યુગમાં કોઇ પણ રાષ્ટ્રને બોધપાઠ ભણાવવાનો અકસીર ઉપાય છે આર્થિક નિયંત્રણો. નોર્થ કોરિયા જેવા નિરંકુશ દેશ સામે લશ્કરી મોરચો માંડવાને બદલે તેને વિશ્વતખતે આર્થિક ક્ષેત્રે એકલુંઅટૂલું પાડવાની નીતિ જ વર્તમાન સમયમાં શ્રેષ્ઠ જણાય છે.


comments powered by Disqus