મુંબઇઃ યુટીવી મોશન પિકચર્સ સાથે ફિલ્મો બાબતે પોતાના માલિકીના હક રાખનારી કંપની ડિઝની ઇન્ડિયા હવે બોલિવૂડ સાથે નહીંવત વ્યવસાય કરવા ઇચ્છે છે. કારણ કે છેલ્લા ઘણા સમયથી ટોચના કલાકારોની ફિલ્મો પણ સતત ફ્લોપ જવાથી નિર્માણહાઉસને નુકસાની વેઠવી પડી છે તો બીજી બાજુ એકતા કપૂરની કંપની બાલાજી મોશન પિકચર્સે પણ ફિલ્મોનું નિર્માણ બંધ કરી દીધું છે.
બોલિવૂડના એક પછી એક સ્ટુડિયો બંધ થઇ રહ્યા છે. જે માટે દિગ્દર્શક અનુરાગ કશ્યપ બોલિવૂડના ટોચના કલાકારોને જવાબદાર ગણાવી રહ્યા છે. અનુરાગે કહ્યું હતું કે, દુનિયામાં સૌથી વધુ કમાતા કલાકારોની ફોર્બ્સની યાદીમાં બોલિવૂડના ચાર કલાકારોના નામ આવે છે જેમાં શાહરુખ ખાન, સલમાન ખાન, અક્ષય કુમાર અને અમિતાભ બચ્ચન છે. આ લોકોએ હોલિવૂડના કેટલાક કલાકારોને પણ પાછળ છોડી દીધા છે. જેમની ફિલ્મો લાખો અને કરોડોની કમાણી કરે છે. આપણા કલાકારો કમાણીના મામલામાં ટોચ પર છે, પરંતુ આપણી ફિલ્મો વધુમાં વધુ રૂ. ૩૦૦ કરોડ જ કમાઇ શકે છે. બોલિવૂડના સ્ટાર્સની કમાણી અને ફિલ્મ બિઝનેસને જોવાથી અંતર બહુ જણાય છે. જોકે આ મામલે હું એકટરને દોષી નથી ઠેરવતો. હું આ માટે એ નિર્માતાઓને દોષ આપું છું જેઓ કલાકારોને અધિક મહેનતાણું આપવા તૈયાર થઈ જાય છે.
ઉલ્લેખનીય છે કે અનુરાગની ‘બોમ્બે વેલ્વેટ’ ફ્લોપ નીવડી હતી. આ માટે અનુરાગને જવાબદાર ગણવામાં આવતા તે હમણાં તો બિગ બજેટ ફિલ્મોથી દૂર રહે છે.

