ભારતમાં છેલ્લા થોડાક સમયથી દેશદ્રોહ અને રાજદ્રોહના કિસ્સાઓનું પ્રમાણ ‘વધી’ ગયેલું જોવા મળે છે. હા, આવા કેસોમાં સાચા કેટલા અને ખોટા કેટલા તે અલગ વાત છે. જાણીતી વ્યક્તિઓથી માંડીને કોઇ ચળવળ કે આંદોલન સાથે જોડાયેલા કાર્યકરો સામે પણ આવી આકરા આરોપસર કેસો નોંધાયા છે. સંભવતઃ આથી જ સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ટિપ્પણી કરી છે કે, કોઇ વ્યક્તિ સરકારની આકરી આલોચના કરે એટલે તેની સામે દેશદ્રોહ કે માનહાનિનો કેસ કરી દેવાનું વલણ ઉચિત નથી. અલબત્ત, સુપ્રીમ કોર્ટે દેશદ્રોહ કાયદાના દુરુપયોગ સામેની અરજી સાંભળવાનું નકાર્યું છે, પણ કોર્ટની ટિપ્પણી બહુ મહત્ત્વની છે. કારણમાત્ર એટલું જ કે ૨૦૧૪માં દેશદ્રોહના ૪૭ કેસ નોંધાયા હતા અને ૪૭ લોકોની ધરપકડ કરાઇ હતી, પરંતુ આજ સુધીમાં સરકાર કોઈને દોષિત ઠેરવી શકી નથી.
દેશમાં સન ૧૮૬૦માં અંગ્રેજોના શાસનકાળમાં આ કાળો કાયદો ઘડાયો. આ પછી ૧૮૭૦માં એને ઇંડિયન પીનલ કોડમાં (આઈપીસી)માં સામેલ કરાયો. બ્રિટિશ શાસકોનો ઇરાદો સાફ હતો - ભારતના સ્વાતંત્ર્ય સેનાનીઓને પાઠ ભણાવવો. જોકે સાપ ગયા ને લિસોટા રહ્યા તેમ દેશમાંથી બ્રિટિશરોની વિદાયને દસકાઓ વીતી ગયા પછી પણ કાયદો યથાતથ્ છે. આ કાયદામાં આઈપીસીની કલમ હેઠળ ગુનો નોંધાય છે અને દોષિત ઠરનારને ત્રણ વર્ષથી માંડીને આજીવન કેદની સજા થઈ શકે છે. ૧૯૬૨માં આ કાયદાના કાનૂની ઔચિત્ય સામે સવાલ ઉઠ્યો ત્યારે સુપ્રીમ કોર્ટે કાયદાને સ્વીકૃતિ આપવાની સાથોસાથ શરત પણ મૂકી હતી કે જેના કારણે વ્યાપક હિંસા ફાટી નીકળી હોય કે સામાજિક અશાંતિનો માહોલ સર્જાયો હોય તેની સામે જ દેશદ્રોહનો ગુનો નોંધવામાં આવે. જોકે દેશદ્રોહ સંબંધિત કેસોનો અભ્યાસ કરતાં સ્પષ્ટ થાય છે કે મોટા ભાગના કેસોમાં વિરોધીઓને પાઠ ભણાવવા કે આંદોલનકારીઓને કચડી નાખવા માટે જ તેનો ઉપયોગ થયો છે. પરમાણુ પ્લાન્ટનો વિરોધ કરવો, કાર્ટૂન દ્વારા ટીખળ કરવી કે પછી રાષ્ટ્રગાન વેળા ઊભા ના થયા હો તો પણ દેશદ્રોહનો કેસ ઠપકારી દેવાયાના કિસ્સા જોવા મળે છે. આમાં પણ બહુમતી કેસ સમાજસેવી, બુદ્ધિજીવી કે લેખકો સામે નોંધાયેલા જોવા મળે છે.
ગુજરાતમાં પાટીદાર આંદોલન થયું અને હિંસા ફાટી નીકળી. આંદોલનના સુકાની હાર્દિક પટેલ સામે દેશદ્રોહનો કેસ થયો. આ જ પ્રકારે હરિયાણામાં જાટ આંદોલન થયું. હિંસક તોફાનોમાં રાજ્ય ભડકે બળ્યું અને ગુજરાત કરતાં પણ અનેકગણું નુકસાન થયું. છતાં ત્યાં એક પણ આંદોલનકારી સામે દેશદ્રોહનો કેસ થયો નથી. બંને રાજ્યોમાં ભાજપ શાસિત સરકાર છે, પણ બંનેના વલણ જુદા હતા.
કહેવાનું તાત્પર્ય માત્ર એટલું જ છે કે લોકશાહીમાં વિરોધ જરૂરી છે. એને દબાવવા માટે દેશદ્રોહના કાયદાનું જ શસ્ત્ર ઉગામવું એ ઉચિત નથી. હા, શાંતિભંગના કેસમાં આકરાં પગલાં લેવાવાં જ જોઈએ, પણ એ માટે બીજા કાયદાઓ પણ છે તે ન ભૂલવું જોઇએ. દેશદ્રોહના કાયદાનો ઉપયોગ અતિ ગંભીર કિસ્સાઓમાં જ થવો જોઇએ તેવા સુપ્રીમ કોર્ટના સૂચનને શાસકોએ ધ્યાનમાં રાખવું રહ્યું.
