કોર્ટે પહલાજની પાંખો કાપીઃ ‘ઊડતા પંજાબ’ એક કટ અને ત્રણ ડિસ્ક્લેમર સાથે ૧૭મી જૂને રિલીઝ થશે

Wednesday 15th June 2016 06:37 EDT
 
 

બોમ્બે હાઈ કોર્ટે દેશની બહુર્ચિચત ફિલ્મ ‘ઊડતા પંજાબ’ને માત્ર એક કટ અને ત્રણ ડિસ્ક્લેમર સાથે રજૂ કરવાની પરવાનગી ૧૩મીએ આપી દીધી છે. માત્ર ટોમી સિંહ (શાહિદ કપૂર) જાહેર જનતા પર પોતાના લાઈવ શો દરમિયાન યુરિન કરે છે તે દૃશ્ય ફિલ્મમાંથી દૂર કરવાનું કોર્ટે કહ્યું છે. આ સિવાયના તમામ કટ રદ થયાં છે. સોમવારે યોજાયેલી સુનાવણી દરમિયાન કોર્ટે ફિલ્મમાં ૧૩ કટ સૂચવવા બદલ સેન્સર બોર્ડની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડનું કામ સર્ટિફિકેટ આપવાનું છે અને તેણે તેના પર ધ્યાન આપવું જોઈએ. ફિલ્મોને સેન્સર કરવાનો અધિકાર તેની પાસે નથી. કાયદાની વિરુદ્ધ જઈને સેન્સર બોર્ડ પોતાની કામગીરી ન કરે. જસ્ટિસ સત્યરંજન ધર્માધિકારી અને જસ્ટિસ શૈલિની ફણસલકર જોશીની ખંડપીઠે આ કેસમાં જણાવ્યું હતું કે, અમે આ ફિલ્મની સ્ક્રિપ્ટ વાંચી છે. તે વાંચ્યા બાદ ક્યાંય એમ જણાતું નથી કે ફિલ્મમાં પંજાબ કે અન્ય શહેરોના નામ લેવાથી ભારતના સાર્વભૌમત્વને અસર થશે. કોર્ટે સેન્સરબોર્ડને એમ પણ જણાવ્યું હતું કે, ફિલ્મમાં કેવા શબ્દો લેવા અને કેવા નહીં અથવા કયા દૃશ્યો રાખવા તે અંગે સૂચન આપવાની જરૂર નથી. તેમને ભારતના બંધારણ અને સુપ્રીમના માર્ગદર્શન હેઠળ જે પાવર મળ્યા છે તે હેઠળ જ તેમણે કામગીરી કરવી જોઈએ.
ફિલ્મના નિર્માતા અનુરાગ કશ્યપે ૧૦મી જૂને બોમ્બ હાઈ કોર્ટમાં અરજી કરીને ફિલ્મમાં ૮૯ કટ્સ અને ટાઈટલમાંથી પંજાબ શબ્દ કાઢી નાંખવાના સેન્સર બોર્ડના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો હતો. અનુરાગ કશ્યપે જણાવ્યું હતું કે, સેન્સર બોર્ડે ટાઈટલમાંથી પંજાબ શબ્દ ઉપરાંત શહેરોના નામ તથા એમએલએ અને એમએલસી પણ દૂર કરવાનું જણાવ્યું છે. રિવિઝન કમિટીના આદેશની નકલ મળી હોવાથી અરજીમાં ફેરફાર કરવા ફિલ્મ નિર્માતા કંપની ફેન્ટમ ફિલ્મસે કરેલી વિનંતીને પગલે કોર્ટે અરજીની સુનાવણી સોમવારે કરી હતી.
હા, હું મોદીનો ચમચો છુંઃ નિહલાણી
આ ફિલ્મના કેટલાક દૃશ્યો સેન્સર બોર્ડે પર કાતર ફેરવ્યા બાદ ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિતના ફિલ્મકારોએ સેન્સર બોર્ડના ચેરમેનને બદલી નાખવાની માગ કરી હતી. બીજી તરફ એવી વાત પણ ચાલી હતી કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ ફિલ્મ જોઈ અને તેમને ફિલ્મના કેટલાક દૃશ્યો સામે વાંધો ઊઠતાં સેન્સર બોર્ડના ચેરમેને ખાસ રસ લઈને ફિલ્મમાંથી એમને વાંધાજનક લાગતાં દૃશ્યો મનફાવે તેમ દૂર કરવાનું ફરમાન છોડ્યું હતું. આ બધા હોબાળા પછી પહલાજ નિહલાણીએ અકળાઈને કહ્યું હતું કે, ‘હું નરેન્દ્ર મોદીનો ચમચો છું. બોલો કોઈને કંઈ કહેવું છે? આપણા દેશના વડા પ્રધાનનો નહીં તો શું ઇટાલીના વડા પ્રધાનનો ચમચો હોવાનો? મારા વડા પ્રધાનના ચમચા હોવામાં મને કોઈ વાંધો નથી, કારણ કે એક વ્યક્તિ સારું કામ કરી રહી છે તો હું તેમના માટે સારું કામ કરું એમાં કંઈ ખોટું નથી. હું તો કોઈ દિવસ મોદીજીને મળ્યો પણ નથી અને મળવાની કોશિશ પણ નથી કરી. હું સવાસો કરોડ નાગરિકોમાંનો એક છું. જો હું મારા દેશના વડા પ્રધાનનો ચમચો ન હોઉં તો શું ઇટલીના વડા પ્રધાનનો ચમચો હોઉં? મેં એવું સાંભળ્યું છે કે આવતા વર્ષે પંજાબમાં ઇલેક્શન આવે છે અને ત્યારે આ ફિલ્મના દૃશ્યોની રાજ્યમાં વિપરીત અસર પડી શકે તેમ છે. મને તો ત્યાં સુધી લાગે છે કે પંજાબને ખરાબ રીતે રજૂ કરવા માટે અનુરાગે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા પણ લીધા છે.’
નિહલાણીને કાઢોઃ કશ્યપ
નિહલાણીને જ્યારે પુછાયું કે શું આ ફિલ્મને લઈને તેમના પર પોલિટિકલ પ્રેશર હતું? ત્યારે તેમણે કહ્યું કે ‘મારા પર કોઈ પ્રેશર નથી. મને ખબર નથી કે અનુરાગ મને કેમ નિશાન બનાવે છે? જોકે એ તેનો નિર્ણય છે. મેં એવું સાંભળ્યું છે કે તેણે આ ફિલ્મના દૃશ્યો માટે આમ આદમી પાર્ટી પાસેથી પૈસા લીધા છે. દિલ્હીમાં હાલમાં ‘આપ’નું રાજ છે અને આવતા વર્ષે પંજાબમાં ઇલેક્શન આવે છે જેમાં આમ આદમી પાર્ટી પાવરમાં આવી શકે એમ છે.’ નિહલાણીના આ નિવેદન પછી અનુરાગ કશ્યપે સેન્સર બોર્ડના ચિફ પહલાજ નિહલાણીને સરમુખત્યાર ગણાવીને કહ્યું હતું કે, ‘તેને સેન્સર બોર્ડમાંથી હાંકી કાઢવા જોઈએ. તેણે સેન્સર બોર્ડમાંથી રાજીનામું આપી દેવું જોઈએ.’ જેના જવાબમાં પહલાજે કહ્યું હતું કે, ‘ફિલ્મમેકરોએ ફિલ્મ બનાવવા ધ્યાન આપવું જોઈએ. મારા રાજીનામાનું ટેન્શન તેમણે ન લેવું જોઈએ.’
ભાજપના ઇશારે અટકીઃ કેજરીવાલ
દિલ્હીના મુખ્ય પ્રધાન અને આમ આદમી પાર્ટીના સર્વેસર્વા અરવિંદ કેજરીવાલે સાતમીએ આ ફિલ્મ વિશે એવું કહ્યું હતું કે, નિહલાણીએ ભાજપના ઇશારે ‘ઊડતા પંજાબ’ને હજી સુધી પાસ નથી કરી. આ વિશે અરવિંદ કેજરીવાલે ટ્વિટર
પર લખ્યું હતું કે, ‘નિહલાણીનું સ્ટેટમેન્ટ આમ આદમી પાર્ટીનું અનુરાગ કશ્યપ સાથેનું જોડાણ એ વાતને સાબિત કરે છે કે તેમણે આ ફિલ્મને ભાજપના કહેવાથી અટકાવી છે.’
 અમારો હાથ નથીઃ ભાજપ
આમ આદમી પાર્ટીના ચીફ અરવિંદ કેજરીવાલે નિહલાણી પર એવો આરોપ મૂક્યો હતો કે, તેણે ભારતીય જનતા પાર્ટીના કહેવાથી ‘ઊડતા પંજાબ’ને અટકાવી દીધી છે. આ વિશે યુનિયન મિનિસ્ટર રાજીવ પ્રતાપ રુડીએ કહ્યું હતું કે, અમને ‘ઊડતા પંજાબ’ની રિલીઝ અટકાવવામાં કોઈ રસ નથી. આમ આદમી પાર્ટી વિવાદો પર જીવે છે. આ રાજનીતિને ધ્યાનમાં રાખીને ઊભો કરાયો છે.’
સેલિબ્રિટીઓ નારાજ
‘ઊડતા પંજાબ’ના દૃશ્યો પર કાપ મૂકવા બાબતે આમિર ખાને કહ્યું હતું કે, ‘આ ફિલ્મ ડ્રગ્સના એડિક્શન વિરુદ્ધ સોશ્યલ મેસેજ આપે છે. મને નથી લાગતું કે આ ફિલ્મમાંથી કેટલાંક દૃશ્યો કાઢી નાંખવા જોઈએ. ‘તીન’ની પ્રેસ-કોન્ફરન્સ દરમ્યાન અમિતાભ બચ્ચનને કહ્યું હતું કે, ‘ફિલ્મ ‘ઊડતા પંજાબ’નો ઇશ્યુ શું છે એની મને પૂરતી માહિતી નથી, પણ હું હાલમાં તો એટલું જ કહીશ કે કલાકારની ક્રિએટિવિટીને ખોટી રીતે મારી નાંખવાનો
પ્રયત્ન ન કરવો જોઈએ. આમિર અને બચ્ચન ઉપરાંત ક્રિકેટર હરભજન સિંહ અને રવીન્દ્ર જાડેજાએ પણ ‘ઊડતા પંજાબ’ અને અનુરાગ કશ્યપને સપોર્ટ કર્યો હતો.

એક કટ
લોકોની સામે ટોમી સિંહ (શાહિદ કપૂર) પેશાબ કરે છે એ સીન અને પાકિસ્તાનનો ઉલ્લેખ દૂર કરવો.
ત્રણ ડિસ્ક્લેમર મૂકો
• અમે ડ્રગ્સને ઉત્તેજન આપતા નથી.
• ખરાબ શબ્દો માત્ર હકીકત દર્શાવવા વપરાયા છે, કોઈ ઘટનાને સમર્થન કરવા નહીં
• આ ફિલ્મ કોઈ રાજ્યની છબી ખરાબ કરવા માટે નથી.


comments powered by Disqus