ઇશરત જહાં એન્કાઉન્ટર કિસ્સામાં કોંગ્રેસ બરાબર ભેરવાઇ પડી છે. અમદાવાદના કોતરપુર વિસ્તારમાં વર્ષ ૨૦૦૪માં થયેલા એન્કાઉન્ટરના સત્ય પરથી દસકા બાદ જેમ જેમ પરદો ઊંચકાઇ રહ્યો છે તેમ તેમ તત્કાલીન યુપીએ સરકારની મેલી મુરાદ પણ ખુલ્લી પડી રહી છે. ગૃહ પ્રધાન રાજનાથ સિંહે સંસદમાં નિવેદન કરતાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે તે સમયની યુપીએ સરકાર ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને કોઇ પણ ભોગે આ કેસમાં સંડોવવા માગતી હતી. ગૃહ પ્રધાનનું નિવેદન ધડમાથા વગરનું છે એવું પણ નથી. કેસની તપાસ સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓ એક પછી એક જે નિવેદનો કરી રહ્યા છે તેના પરથી તો અત્યારે એવું ચિત્ર ઉપસી રહ્યું છે સમગ્ર કારસા પાછળ તત્કાલીન ગૃહ પ્રધાન પી. ચિદમ્બરમનું ભેજું હતું.
૨૬/૧૧ના મુંબઇ હુમલાના એક આરોપી ડેવિડ હેડલીએ એન્કાઉન્ટરમાં ઠાર મરાયેલી, પણ ભારતમાં નિર્દોષ ગણાવાતી ઇશરત જહાં આતંકવાદી હોવાનો ખુલાસો કર્યો. તે પછી ચિત્ર ધીમે ધીમે સ્પષ્ટ થઇ રહ્યું છે. મનમોહન સરકારના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એન. કે. નારાયણ અને ભૂતપૂર્વ કેન્દ્રીય ગૃહ સચિવ જી. કે. પિલ્લઇએ ઇશરત લશ્કર-એ-તૈયબાની આતંકી જ હોવાનું જણાવતો ખુલાસો કર્યો પછી તો જાણે તપાસ સાથે સંકળાયેલા અધિકારીઓની લાઇન લાગી. ગૃહ મંત્રાલયના જ ઉચ્ચ અધિકારીઓ આર. કે. સિંહ, આર. વી. એસ. મણિ અને પૂર્વ જોઇન્ટ સેક્રેટરી એ. કે. જૈને એક પછી એક નિવેદનો આપતા આક્ષેપ કર્યા છે કે ઇશરત જહાં કેસમાં પહેલા દિવસથી જ આતંકવાદી કનેક્શન હોવાની જાણકારી હતી. આ અધિકારીઓએ એવો આક્ષેપ કર્યો છે કે ઇશરત આતંકવાદી ન હોવાનું ઠરાવતી જે એફિડેવિટ સુપ્રીમ કોર્ટમાં રજૂ થઇ છે તે ચિદમ્બરમની સીધી નજર તળે તૈયાર થઇ હતી અને તેના પર તેમના હસ્તાક્ષરો બળજબરીથી કરાવાયા હતા. ગૃહ મંત્રાલયના એક સમયના અંડર સેક્રેટરી મણિએ તો એવો દાવો કર્યો છે કે એફિડેવિટ પર સહી કરાવવા સીબીઆઇના અધિકારીઓ તેમની પાછળ પડી ગયા હતા અને તેમને સિગારેટના ડામ પણ અપાયા હતા.
એક સમયના ઉચ્ચ અધિકારીઓના ખુલાસાથી કોંગ્રેસ આરોપીના કઠેડામાં આવી ગઇ છે. ઇશરત જહાં લશ્કર-એ-તૈયબાની સભ્ય હોવાની એફિડેવિટ ૨૦૦૯માં રાજકીય દબાણ તળે બદલી નંખાઇ હતી. આ સમયે યુપીએ સરકાર સત્તા પર હતી અને ચિદમ્બરમ્ ગૃહ પ્રધાન. જે પ્રકારે ઇશરત જહાંના કેસમાં સોગંદનામું બદલવામાં આવ્યું છે તે દર્શાવે છે કે એન્કાઉન્ટરની તપાસના બહાને ગુજરાતના તત્કાલીન મુખ્ય પ્રધાન નરેન્દ્ર મોદીને પણ ફસાવવાનો ઇરાદો હતો. આ એક ગુનાઇત ષડ્યંત્ર તો હતું જ, રાષ્ટ્રીય સુરક્ષા સાથે ઇરાદાપૂર્વક ખેલાયેલો ખતરનાક ખેલ પણ હતો. ડેવિડ હેડલીએ ઇશરત
આતંકવાદી હોવાનું નિવેદન પહેલી વખત આપ્યું છે તેવું પણ નથી. પાકિસ્તાની મૂળનો આ અમેરિકન આતંકવાદી અગાઉ પણ બે વખત આ જ વાત કરી ચૂક્યો છે, પણ તે વેળા (યુપીએ) સરકાર પક્ષે એવી દલીલ કરી હતી કે એક આતંકવાદીના શબ્દ પર વિશ્વાસ મૂકવાનો કોઇ ફાયદો નથી.
ચોમેરથી ઘેરાયેલી કોંગ્રેસની નેતાગીરી એવો સવાલ ઉઠાવી રહી છે કે આ બધા અધિકારીઓ અત્યારે જ કેમ આવા નિવેદનો કેમ કરી રહ્યા છે? ત્યારે કેમ ચૂપ રહ્યા? કોંગ્રેસના આ પ્રશ્ન ખોટા છે એવું નથી, પણ કવેળાના જરૂર છે. અત્યારે તો સૌથી મહત્ત્વનો પ્રશ્ન એ છે કે ઇશરત જહાં કેસમાં સોગંદનામું બદલવાનું કામ કોના ઇશારે કરાયું હતું? ઇશરત અને તેના સાથીદારો વિશે માહિતી પૂરી પાડનારા ઇન્ટેલિજન્સ બ્યૂરોના ભૂતપૂર્વ અધિકારીનું કહેવું છે કે આ કામ એક મોટા કોંગ્રેસી નેતાના ઇશારે કરાયું હતું. આ ‘મોટા કોંગ્રેસી નેતા’ કોણ? તેનો કોંગ્રેસે ફોડ પાડવો રહ્યો.
