લંડનઃ એકેડેમી સ્કૂલ ચેઈન્સ તેના ઉચ્ચ અધિકારીઓને જંગી રકમનું વેતન ચૂકવે છે અને કન્સલ્ટન્ટ્સ પાછળ લાખો પાઉન્ડ ખર્ચે છે છતાં, સ્કૂલોમાં શિક્ષણનું સ્તર નબળું રહે છે અને હજારો બાળકો નાપાસ થાય છે તેવી ચિંતા શૈક્ષણિક વોચડોગે દશાવી છે.
સ્કૂલોના ચીફ ઈન્સ્પેક્ટર અને ઓફ્સ્ટેડના વડા માઈકલ વિલ્શોએ શિક્ષણ પ્રધાન નિકી મોર્ગનને પાઠવેલા પત્રમાં જણાવ્યું કે મોટી એકેડેમી સ્કૂલો પાસે જાહેર ભંડોળની ૧૧૦ મિલિયન પાઉન્ડ કરતાં વધુ રકમનો સંગ્રહ છે છતાં ડઝનબંધ સ્કૂલોનું શૈક્ષણિક સ્તર સુધારવામાં નિષ્ફળ છે. કેટલાંક મલ્ટિ એકેડેમી ટ્રસ્ટ દ્વારા સંચાલન સ્થાનિક સત્તાવાળાની સરખામણીએ જરા પણ સારું નથી છતાં, મુખ્ય સંચાલકો પ્રાઈમ મિનિસ્ટર કરતાં એકંદરે વધુ કમાણી કરે છે. આ ટ્રસ્ટો કુલ ૨૩૦ સ્કૂલો ચલાવે છે.

