ભારત દેશની દશા અને દિશા રાજકારણીઓએ જેટલી બગાડી હશે કદાચ તેનાથી પણ વધુ નુકસાન ધર્મ અને અધ્યાત્મ સાથે જોડાયેલા લોકોએ કર્યું હશે. પછી ભલેને આ લોકો કોઇ પણ ધર્મ-સંપ્રદાયના હોય. સદીઓ પુરાણી ધર્મ-સંસ્કૃતિ-પરંપરા માટે જાણીતા આપણા દેશ માટેનું આવું અવલોકન કદાચ કોઇને કઠશે, પરંતુ આ જ હકીકત છે. તમે આ દેશમાં ધર્મના નામે કંઇ પણ કરી શકો છો. રાજકીય નેતાઓ તો સત્તાના સિંહાસને પહોંચવા નિયમના ધજાગરા ઉડાવતા જ રહે છે. અરે, ન્યાયતંત્રનું અપમાન કરતાં પણ ખચકાતા નથી, પરંતુ આ ધાર્મિક અને અધ્યાત્મિક ગુરુઓનું શું? આ લોકો સત્તાની સાથે સાથે નામ-દામથી દૂર રહેવાનો, જીવનમાં નીતિમતા પાળવાનો ઉપદેશ તો આપતા રહે છે, પણ કાયદા-કાનૂનના લીરા ઉડાવવામાં તેઓ નેતાઓને પણ ટપે છે. પાટનગર દિલ્હીમાં યમુના નદીના તટ પર યોજાયેલો વૈશ્વિક સાંસ્કૃતિક સમારોહ આનું સૌથી શ્રેષ્ઠ ઉદાહરણ છે.
આર્ટ ઓફ લીવિંગ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ ભવ્યતમ કાર્યક્રમ સામે પર્યાવરણીય સવાલ ઉઠ્યા. નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ (એનજીટી)એ પર્યાવરણને થનારા નુકસાન પેટે આયોજકોને પાંચ કરોડ રૂપિયા દંડ કર્યો. આયોજનની તૈયારી એટલી થઇ ગઇ હતી ‘આ તબક્કે પ્રતિબંધ ફરમાવવો યોગ્ય નથી’ એમ કહી એનજીટીએ કેટલીક શરતોને આધીન કાર્યક્રમને મંજૂરી આપી. આમાં એક શરત હતી - કાર્યક્રમના પ્રારંભ પૂર્વે પાંચ કરોડ રૂપિયા દંડ જમા કરાવવો. સંસ્થાએ દંડની રકમ ચૂકવવામાં અસમર્થતા દાખવી તો પહેલા હપ્તા પેટે રૂ. ૨૫ લાખ ચૂકવી બાકી રકમ ત્રણ સપ્તાહમાં ચૂકવવાની સગવડ કરી અપાઇ. ત્રણ દિવસનો ભવ્ય જલ્સો યોજાયો. ઝાકઝમાળભર્યા આયોજનથી ભારત કલાજગતમાં છવાઇ ગયું તેની પણ ના નહીં, પણ મહોત્સવના બે દિવસ પૂર્વે આર્ટ ઓફ લીવિંગના વડા શ્રી શ્રી રવિશંકરે ચોંકાવનારું નિવેદન કરતા કહ્યું હતુંઃ ‘જેલમાં ભલે જવું પડે, દંડ પેટે તો એક રૂપિયો પણ આપવાનો નથી.’ પોતાને અધ્યાત્મક ગુરુ લેખાવતા શ્રી શ્રી રવિશંકરનો આ હુંકાર શું દર્શાવે છે? એક તરફ તમે દુનિયામાં ભારતીય સંસ્કૃતિના પ્રચાર-પ્રસારનો ઝંડો ફરકતો રાખવાનો દાવો કરો છો ને ઘરઆંગણે કાયદાનો ઉપહાસ કરો છો. આ તે તમારું કેવું આર્ટ ઓફ લીવિંગ છે?! છેવટે આર્ટ ઓફ લીવિંગે દંડ પેટે રૂ. ૨૫ લાખનો પહેલો હપ્તો ચૂકવ્યો, પણ અહં તો એ જ હતો. શ્રી શ્રી રવિશંકરે કહ્યું હતું કે અમે દંડ પેટે નહીં, પણ યમુનાની જાળવણી માટે નાણા ચૂકવ્યા છે.
દિલ્હીમાં થયેલું યમુનાકિનારે થયેલું આયોજન પુરવાર કરે છે કે આયોજકોની પહોંચ અને તેમની વગ સામે કાયદો વામણો સાબિત થયો છે. આટલા મોટા આયોજન માટે ફાઉન્ડેશનને કોઇ મંત્રાલય પાસેથી મંજૂરી લેવાનું જરૂરી લાગ્યું નહોતું. શું ધાર્મિક સંગઠનો કાયદાકાનૂનથી પર છે? કામ-ક્રોધ-મદ-મોહનો ત્યાગ કરવાની સલાહ આપતા આ અધ્યાત્મ ગુરુના હુંકારમાં ધર્મ ક્યાં છે? અધ્યાત્મ ક્યાં છે? નીતિમત્તા ક્યાં છે?
લોકતંત્રમાં - ધર્મગુરુ હોય કે નેતા - કાયદા માટે સહુ સમાન છે તે ન ભૂલવું જોઇએ. એનજીટીનું કામ જ પર્યાવરણની જાળવણીનું છે. તેણે સ્થિતિનો અભ્યાસ કરીને દંડ કર્યો. હવે તમને તેની સામે વાંધો હોય તો તેને કાનૂની પડકાર આપો. વિશ્વના જુદા જુદા દેશોને એક સાંસ્કૃતિક મંચ પર લાવવાનું પગલું આવકાર્ય છે, ભવ્યાતિભવ્ય આયોજન પણ પ્રશંસનીય હતું તેની ના નહીં, પરંતુ તેનો મતલબ એવો તો નથી જ તમને કાયદાકાનૂનની ઉપેક્ષા કરવાની છૂટ મળી જાય છે. શું આ આયોજન યમુનાકિનારે જ કરવાની જરૂર હતી? દિલ્હીની આસપાસ બીજા કોઇ સ્થળે પણ આ કાર્યક્રમ યોજી શકાયો હોત. આમ થયું હોત તો યમુનાને નુકસાન થતું અટકાવી શકાયું હોત, અને વિવાદ પણ ટાળી શકાયો હોત. ગંગા અને યમુના સહિત દેશની નદીઓ કેવા ભયંકર પ્રદૂષણનો ભોગ બની છે તે વાત કોઇથી અજાણ નથી. નેતાઓથી માંડીને ગુરુઓ પવિત્ર નદીઓના સંરક્ષણની વાતો તો કરે છે, પણ થઇ રહ્યું છે ઉલ્ટું. પર્યાવરણને થતા નુકસાનની અસર દેશ પહેલા જ બહુ ભોગવી ચૂક્યો છે. આજે પર્યાવરણને બચાવવાની ને વગદાર લોકોને કાયદાનું ભાન કરાવવાની જરૂરત છે. પર્યાવરણને હાનિ પહોંચાડનાર હોય કે કાયદાને હળવાશથી લેનાર - દેશ માટે તો બન્ને નુકસાનકારક છે.
