ટ્વેન્ટી૨૦ વર્લ્ડ કપઃ ભારતના ધબડકા સાથે સુપર-૧૦ મુકાબલાનો પ્રારંભ

Wednesday 16th March 2016 06:14 EDT
 
 

નાગપુરઃ એશિયા કપ જીત્યા બાદ ટી૨૦ વર્લ્ડ કપની મજબૂત દાવેદાર ગણાતી ટીમ ઇંડિયા માટે ટુર્નામેન્ટના સુપર-૧૦ રાઉન્ડની પહેલી જ મેચમાં પ્રથમ ગ્રાસે મક્ષિકા જેવો ઘાટ થયો છે. નાગપુરમાં મંગળવારે રમાયેલી ન્યૂ ઝીલેન્ડ સામેની મેચમાં ભારતનો ૪૭ રને પરાજય થતા ક્રિકેટચાહકોએ આઘાત સાથે આંચકાની લાગણી અનુભવી હતી. ન્યૂ ઝીલેન્ડે ભારતને ૧૨૬ રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેની સામે ભારતીય ટીમનો દાવ માત્ર ૭૯ રનમાં જ સમેટાઇ ગયો હતો. ભારત તરફથી કેપ્ટન ધોનીએ ૩૦ રનનો સૌથી વધુ વ્યક્તિગત સ્કોર નોંધાવ્યો હતો. ન્યૂ ઝીલેન્ડની તરફથી સેન્ટનરે ૪ અને ઈશ સોંઢીએ ૩ વિકેટ લઈને ટીમનો વિજય નિશ્ચિત કર્યો હતો. આ ઉપરાંત મેકલમ બે વિકેટ લીધી હતી.
ટુર્નામેન્ટમાં ભારત-ન્યૂ ઝીલેન્ડ મેચ સાથે મુખ્ય મુકાબલાનો પ્રારંભ થયો છે. જેમાં ટાઇટલ જીતવા માટે ૧૦ ટીમો વચ્ચે ખરાખરીનો જંગ જામશે. સુપર-ટેન રાઉન્ડમાં ૧૦ ટીમોને બે ગ્રૂપમાં વહેંચી દેવાઈ છે.
ભારતીય ટીમના વાઇસ કેપ્ટન વિરાટ કોહલીએ ન્યૂ ઝીલેન્ડ સામેના મુકાબલાની પૂર્વસંધ્યાએ કહ્યું હતું કે, ટીમ ઇન્ડિયા અત્યારે જોરદાર ફોર્મમાં છે, પરંતુ ટી૨૦ વર્લ્ડ કપમાં વિશ્વભરની ટીમો ભાગ લઈ રહી હોવાથી વધુ પડકારજનક બની રહેશે. કોહલીએ કહ્યું કે, ભારતીય ટીમે એશિયા કપમાં અજેય રહેતાં ટાઇટલ જીત્યું હતું, જેને કારણે ટી૨૦ વર્લ્ડ કપ પહેલાં સારી એવી તૈયારી થઈ ગઈ છે. તમામ ખેલાડી લયમાં છે. ભારતીય ટીમ હોમ ગ્રાઉન્ડમાં રમી રહી છે જેના કારણે તેમના પર દબાણ રહેશે. ભારતીય ખેલાડીઓ આ દબાણને કેવી રીતે સહન કરે છે તે મહત્ત્વપૂર્ણ રહેશે.
સ્પિન બોલરો નિર્ણાયક
ટી૨૦ વર્લ્ડ કપ ભારતમાં રમાઇ રહ્યો છે અને ભારતની કન્ડિશન સ્પિન બોલરોને મદદરૂપ થતી હોય છે. આથી દરેક ટીમે પોતાની ટીમમાં ઓછામાં ઓછા બે સ્પિન સ્પેશિયાલિસ્ટ બોલરોને સામેલ કર્યા છે. ભારતીય ટીમમાં અશ્વિન, જાડેજા અને પાર્ટટાઇમ બોલર યુવરાજ સિંહ છે. આફ્રિકામાં ઇમરાન તાહિર અને ફંગિસો છે. ઇંગ્લેન્ડે મોઇન અલી અને આદિલ રશીદને સ્થાન આપ્યું છે. પાકિસ્તાન ટીમમાં શાહિદ આફ્રિદી અને શોએબ મલિક સ્પિન આક્રમણ સંભાળે છે. શ્રીલંકન્ ટીમમાં રંગના હેરથ, સુચિત્રા સેનાનાયકે અને વન્ડરસેય છે. ઓસ્ટ્રેલિયાએ એડમ ઝમ્પા અને એસ્ટન એગરને સામેલ કર્યા છે. વેસ્ટ ઇન્ડીઝની ટીમે એશ્લે નર્સ, સેમ્યુઅલ બદરી અને સુલેમાન બેનને ટીમમાં સમાવ્યા છે. ન્યૂ ઝીલેન્ડે નાથન મેક્કુલમ્, મિચેલ સેન્ટનર અને ઇશ સોઢીને સ્થાન આપ્યું છે.
આ વખતે કયા ખેલાડીઓના પ્રદર્શન પર ટીમનો મુખ્ય આધાર રહેશે તેમજ કયા રેકોર્ડ તૂટે તેવા છે અને કયા ખેલાડી પર ક્રિકેટચાહકોની નજર રહેશે તેની એક ઝલકઃ

આ પાંચ ખેલાડી પર રહેશે નજર

૧) આમિર (પાકિસ્તાન)ઃ પાંચ વર્ષના લાંબા પ્રતિબંધ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં વાપસી કરનાર પાકિસ્તાનના ઝડપી બોલર આમિરે બોલને બંને તરફ સ્વિંગ કરવાની મહારતને કારણે પોતાની તરફ ધ્યાન ખેંચ્યું છે.
૨) હાર્દિક પંડયા (ભારત)ઃ ગયા જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયા સામેની ટી૨૦ સિરીઝ દ્વારા ભારતીય ટીમમાં સ્થાન મેળવનાર હાર્દિક પંડયાએ બેટ અને બોલ બંને દ્વારા પોતાની ક્ષમતાને સાબિત કરી ભારતીય ટીમમાં ઝડપી બોલર ઓલરાઉન્ડરની કમી પૂરી કરી છે. હાર્દિક વર્લ્ડ કપમાં પણ પોતાની છાપ છોડવા તત્પર છે.
૩) જોશ બટલર (ઇંગ્લેન્ડ)ઃ સીમિત ઓવરોમાં આક્રમક બેટિંગ દ્વારા વિકેટકીપર બેટ્સમેન જોશ બટલરે ઇંગ્લેન્ડની ટીમમાં પોતાનું એક અલગ સ્થાન બનાવ્યું છે. પાકિસ્તાન સામેની વન-ડેમાં માત્ર ૪૬ બોલમાં સદી ફટકારીને આક્રમકતા દર્શાવી હતી. બટલરની બેટિંગ વર્લ્ડ કપમાં ઇંગ્લેન્ડ માટે પ્લસ પોઇન્ટ સાબિત થશે.
૪) કંગિસો રબાદા (સાઉથ આફ્રિકા)ઃ ૨૦ વર્ષીય ઝડપી બોલર કંગિસો રબાદાએ પોતાની ઝડપથી ઘણા બેટ્સમેનોને પરેશાન કર્યા છે. રબાદાએ ડેથ ઓવર્સમાં શાનદાર બોલિંગ દ્વારા આફ્રિકાને ઘણી જીત અપાવી છે. વર્લ્ડ કપમાં પણ રબાદા આફ્રિકા માટે હુકમનો એક્કો સાબિત થઈ શકે તેમ છે.
૫) જસપ્રીત બુમરાહ (ભારત)ઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન મોહમ્મદ શમી ઇજાગ્રસ્ત થતાં ભારતીય ટીમમાં સામેલ કરાયેલા બુમરાહે પોતાની અલગ બોલિંગ એક્શન દ્વારા ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા સામેની સિરીઝ તેમજ એશિયા કપમાં શાનદાર દેખાવ કરીને પોતાનું સ્થાન પાક્કું કર્યું છે. વર્લ્ડ કપમાં બુમરાહ ભારત માટે મેચ વિનર બની શકે તેમ છે.

શું આ વિક્રમ તૂટશે?

આફ્રિદી-મલિંગા વચ્ચે ટક્કરઃ ટી૨૦ વર્લ્ડ કપમાં મલિંગા ૩૮ વિકેટ ઝડપીને ટોચના સ્થાને છે જ્યારે શાહિદ આફ્રિદી ૩૫ વિકેટ સાથે ત્રીજા નંબરે છે. આ વખતે મલિંગા સંપૂર્ણ સ્વસ્થ ન હોવાથી કેટલી મેચ રમશે તે નક્કી નથી ત્યારે આફ્રિદી પાસે આ વખતે મલિંગાને પાછળ રાખીને વધુ વિકેટ ઝડપવાનો રેકોર્ડ બનાવવાની તક છે.
ગેલને તકઃ શ્રીલંકાના માહેલા જયવર્દનેએ ટી૨૦ વર્લ્ડ કપની ૩૧ મેચમાં ૧,૦૧૬ રન બનાવી ટોચના સ્થાને છે. બીજા નંબરે ક્રિસ ગેલ છે જેણે ૮૦૭ રન કર્યા છે. જયવર્દનેએ નિવૃત્તિ લઈ લીધી છે ત્યારે ગેલ આ સિરીઝમાં ૨૧૦ રન બનાવશે તો તે વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બનશે.
મેઇડન ઓવરનો રેકોર્ડઃ ટી૨૦ વર્લ્ડ કપમાં સ્પિનર હરભજન સિંહે ૧૯ મેચની ૧૮ ઇનિંગમાં ચાર ઓવર મેઇડન નાખી છે જે રેકોર્ડ છે. શ્રીલંકાના અજંતા મેન્ડિસ અને નુવાન કુલાસેકરાએ ૩-૩ ઓવર મેડન ફેંકી છે. મેન્ડિસનો શ્રીલંકન ટીમમાં સમાવેશ કરાયો નથી જ્યારે હરભજનને અંતિમ ઇલેવનમાં તક મળવી મુશ્કેલ છે ત્યારે કુલાસેકરા પાસે રેકોર્ડ તોડવાની તક છે.

સૌથી વધુ ચોગ્ગાઃ શ્રીલંકાનો જયવર્દને ૩૧ મેચમાં ૧૧૧ ચોગ્ગા ફટકારીને ટોચના સ્થાને છે. બીજા નંબરે દિલશાન છે, જેણે ૮૮ ચોગ્ગા લગાવ્યા છે. જયવર્દનેનો રેકોર્ડ બ્રેક કરવો મુશ્કેલ છે, પરંતુ દિલશાન પાસે આ રેકોર્ડ તોડવાની તક તો છે જ.
સૌથી વધુ સ્ટ્રાઇક રેટઃ પાકિસ્તાનના ઓપનર ઇમરાન નઝીરે ટી૨૦ વર્લ્ડ કપમાં ૧૫૦ના સ્ટ્રાઇક રેટ સાથે ૧૩ મેચાં ૩૦૦ રન બનાવ્યા છે જ્યારે બીજા નંબરે શાહિદ આફ્રિદી છે જેની સ્ટ્રાઇક રેટ ૧૪૯.૫૦ છે. જો આફ્રિદી પોતાના અસલ ફોર્મમાં આવી જાય તો ઇમરાન નઝીરનો રેકોર્ડ તોડી શકે તેમ છે.

 વિકેટ પાછળ સૌથી વધુ શિકારઃ ટી૨૦ વર્લ્ડ કપમાં પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલે સૌથી વધુ ૩૦ શિકાર ઝડપ્યા છે. સંગાકારા ૨૬ શિકાર સાથે બીજા નંબરે છે, પરંતુ તેણે નિવૃત્તિ લઈ લીધી છે જ્યારે ૨૪ શિકાર સાથે વિન્ડીઝનો રામદીન અને ભારતનો ધોની ક્રમશઃ ત્રીજા અને ચોથા નંબરે છે. કામરાનને આ વખતે પાક. ટીમમાં સ્થાન અપાયું નથી ત્યારે ધોની અને રામદીન પાસે સૌથી વધુ શિકારનો રેકોર્ડ કરવાની તક છે.

કયા રેકોર્ડ તોડવા મુશ્કેલ?

સૌથી વધુ સિક્સરઃ ક્રિસ ગેલ ૨૩ મેચમાં કુલ ૪૯ સિક્સર લગાવીને ટોચના સ્થાને છે. બીજા નંબરે ભારતનો યુવરાજ સિંહ છે જેણે ૨૭ મેચમાં ૩૧ સિક્સર લગાવી છે. જોકે ગેલથી તે ઘણો પાછળ છે. ગેલ આ વર્લ્ડ કપમાં રમતો હોવાથી આ વખતે સૌથી વધુ સિક્સરનો રેકોર્ડ તોડવો મુશ્કેલ બની રહેશે.
સૌથી ઝડપી અર્ધી સદીઃ યુવરાજ સિંહે ૨૦૦૭માં રમાયેલા ટી૨૦ વર્લ્ડ કપમાં માત્ર ૧૨ બોલમાં અર્ધી સદી ફટકારીને રેકોર્ડ બનાવ્યો હતો. આ રેકોર્ડને નવ વર્ષ થઈ ગયા છે, પરંતુ વિશ્વના અન્ય બેટ્સમેનો તોડી શક્યા નથી. ટી૨૦ ક્રિકેટમાં રનના ઢગલા થતા હોય છે, પરંતુ યુવરાજનો આ રેકોર્ડ તોડવો મુશ્કેલ બની રહેશે.
ધોની સૌથી મોખરેઃ મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ ટી૨૦ વર્લ્ડ કપમાં ૨૮ મેચ રમી છે જે પૈકી ૧૮ મેચમાં જીત મેળવી છે, જે કેપ્ટન તરીકે સૌથી વધુ જીતનો રેકોર્ડ છે. આ ઉપરાંત ધોનીએ ૨૮ મેચ પૈકી ૧૭ મેચમાં ટોસ જીત્યો છે જે ધોનીનો રેકોર્ડ છે.


comments powered by Disqus