લંડનઃ ૨૦ મિલિયન પાઉન્ડનું વળતર મેળવનાર ગ્વાન્ટેમાનો બે ખાતેનો પૂર્વ કેદી ટેરેક ડેર્ગોલ જિહાદી જ્હોન તરીકે ઓળખાતા ISISના હત્યારા મોહમ્મદ એમ્વાઝીના સંપર્કમાં હતો. ૩૮ વર્ષીય ડેર્ગોલે સ્વીકાર્યું હતું કે તેની સાથેના સંબંધોથી MI5 વાકેફ હતું. જોકે, ISIS માટે કરેલી શ્રેણીબધ્ધ હત્યાઓ માટે તેણે લંડનના પૂર્વ વિદ્યાર્થી એમ્વાઝીની ટીકા કરી હતી.
આ બન્ને ૨૦૧૧માં પોર્ટુગલમાં સીરિયાના શકમંદ આંતકીને મળ્યા હતાં. એક વર્ષ બાદ જેહાદીઓ સાથે જોડાવા એમ્વાઝી સીરિયા ગયો હતો. વેસ્ટમિન્સ્ટર યુનિવર્સિટીનો પૂર્વ કોમ્પ્યુટર પ્રોગ્રામિંગ વિદ્યાર્થી એમ્વાઝી ગયા નવેમ્બરમાં ડ્રોન હુમલામાં મૃત્યુ પહેલા બે બ્રિટિશ સહાયક કાર્યકરો સહિત સાત પશ્ચિમી બંધકોની હત્યા માટે કુખ્યાત થયો હતો.

