તું લોહી પીએ છે, હું ઘી ખાઉં છુંઃ હોરવાથને વિજેન્દરનો જવાબ

Friday 11th March 2016 04:25 EST
 
 

માન્ચેસ્ટરઃ ભારતના સ્ટાર પ્રોફેશનલ બોક્સર વિજેન્દર સિંહ અને હંગેરીના તેના કટ્ટર પ્રતિસ્પર્ધી એલેક્ઝાન્ડર હોરવાથ વચ્ચે ૧૨ માર્ચે રિંગમાં મુકાબલો થાય તે પહેલાં શાબ્દિક જંગ શરૂ થઇ ગયો છે. બોક્સર વિજેન્દર સિંહે હંગેરીના હોરવાથના નિવેદનનો વળતો જવાબ આપ્યો છે તે ભલે સાપનું લોહી પીને તાકાત મેળવી રહ્યો હોય, પણ પોતે ઘી ખાઇને તાકાત વધારી રહ્યો છે. પ્રોફેશનલ બોક્સીંગમાં ઝૂકાવ્યા બાદ વિજેન્દર ત્રણેક મુકાબલા જીત્યો છે અને હંગેરીનો હોરવાથ તેના વિજયરથને રોકવા માટે કટિબદ્ધ બન્યો છે. તેણે હુંકાર કર્યો છે કે તે કોઇ પણ ભોગે વિજેન્દરને હરાવવા માગે છે અને આ માટે જરૂરી શક્તિ મેળવવા તે દરરોજ સાપનું લોહી પીએ છે.
વિજેન્દરે જણાવ્યું હતું કે તેને કોઈ ફરક પડતો નથી કે તેનો વિપક્ષી ખેલાડી શું ખાય છે, પીવે છે કારણ કે તે પોતાના બોક્સિંગ કેરિયરની શરૂઆતથી જ દેશી ઘી ખાય છે. નિર્ણય તો બોલવાથી નહીં, રિંગમાં જ થશે. હંગેરીના બોક્સર એલેકઝાન્ડર હોરવાથે સોમવારે દાવો કર્યો હતો કે તે વિજેન્દર સામે મુકાબલાની તૈયારી માટે સાપનું લોહી પીને કરે છે. ૨૦ વર્ષના પ્રો-બોક્સર હોરવાથે વિજેન્દરને લલકારતા જણાવ્યું હતું કે મારી નસોમાં સાપનું લોહી દોડે છે એવામાં બની જ ન શકે કે આ ભારતીય બોક્સર મને હરાવી શકે.
વિજેન્દ્ર ચોથો પ્રો-બોક્સિંગ મુકાબલો આ સુપર મિડલવેઇટ બોક્સર સામે ૧૨ માર્ચે લીવરપુલ એરેનામાં રમવાનો છે. બૈજિંગ ઓલિમ્પિકના મેડલ વિજેતા વિજેન્દરે પોતાની તૈયારી અંગે જણાવ્યું હતું કે મારી ફાઇટ એક મહિના માટે સ્થગિત થઈ અને એ કારણે મને તૈયારી તથા અભ્યાસ માટે વધારે સમય મળ્યો છે. હું પોતાના વિપક્ષીના મુકાબલાની વીડિયો જોઈ રહ્યો છું. હું તેને શનિવારે રિંગમાં જોઈશ. ૩૦ વર્ષના વિજેન્દરે જણાવ્યું હતું કે મીડિયા રિપોર્ટમાં મેં વાંચ્યું છે કે હોરવાથ સાપનું લોહી પીએ છે, પરંતુ મને તેનાથી કોઈ ફરક પડતો નથી.
હોરવાથે પોતાની કારકિર્દીમાં સાતમાંથી પાંચ મુકાબલા જીત્યા છે. પરંતુ સચ્ચાઈ તો એ જ છે કે હોરવાથ એકલો નથી કે જે આવા અજીબ ડાયેટની મદદ લે છે. દુનિયામાં સૌથી મુશ્કેલ મનાતી યુએસ મરિન્સ (નેવી કમાન્ડો) જંગલમાં મળતી ટ્રેનિંગ દરમિયાન પણ કોબ્રા સાપનું લોહી પીવે છે.

હું સાપનું લોહી પીઉં છુંઃ હોરવાથ
ભારતીય બોક્સર વિજેન્દર સિંહ સામેના મુકાબલા માટે ઉત્સાહિત હંગેરીના બોક્સર એલેકઝાન્ડર હોરવાથે સાત માર્ચે કહ્યું હતું કે મારી નસોમાં સાપનું લોહી દોડી રહ્યું છે અને એવામાં શક્ય નથી કે વિજેન્દર મને હરાવી શકે. જ્યારથી મેં મારા ડાયેટમાં સાપનું લોહી સામેલ કર્યું છે ત્યાર બાદથી હું પહેલાથી વધારે ટ્રેનિંગ કરી રહ્યો છું અને વધારે સારા પંચ મારી રહ્યો છું.
હોરવાથનું માનવું છે કે તેના ડાયેટમાં સાંપોનું લોહી મેળવવાથી તેને ઘણી તાકાત મળશે. હંગેરીના ઘણા વિસ્તારોમાં સાપનું લોહી ખૂબ પ્રખ્યાત છે અને તેને પીવાથી તાકાત મળશે. હોરવાથે સ્વીકાર્યું છે કે મારા પરિવારમાં છેલ્લા અમુક દસકાથી સાપોનું લોહી પીવાની પ્રથા છે. હું પણ તેનું સેવન કરું છું અને વિજય માટે રમું છું. સાથે તેણે દાવો કર્યો છે કે જીવોનું લોહી તેની તાકાત વધારે છે.
હંગેરીના સૈનિકોએ તુર્કીને હરાવ્યા પહેલા સાપનું લોહી પીધું હતું અને ત્યાર બાદ જંગ જીત્યો હતો. ૨૦ વર્ષના હોરવાથે જણાવ્યું હતું કે હું જાણું છું કે વિજેન્દરનું ભારતમાં ઘણું નામ છે અને એ ત્યાં એક મોટી હસ્તી છે. જોકે એનાથી મને કોઇ ફર્ક પડતો નથી. હું ઇંગ્લેન્ડમાં તેને બોક્સિંગનો સબક શીખવવાનો છું. જંગમાં વિજેતા એક હોય છે. હું વિજેન્દરથી ઘણો સારો છું અને તેને પરાજય આપીને રાહતનો શ્વાસ લઇશ.

જોકે વિજેન્દ્રને પરવા નથી
૩૦ વર્ષના મિડલવેઇટ ચેમ્પિયન ભારતના વિજેન્દ્રસિંહે અત્યાર સુધી પોતાની ત્રણ ફાઇટ્સ નોકાઉટ દ્વારા જીતી છે. ચોથી મેચમાં તે જે હેરવાથ સામે લડવાનો છે, તેણે તેની સામે સાતમાંથી પાંચ મુકાબલામાં વિજય મેળવ્યો છે. જોકે વિજેન્દ્રને તેની પરવા નથી. તે માને છે કે હંગેરીના બોક્સર હોરવાથની પાસે અનુભવ થોડો વધારે છે. જોકે તેનું કહેવું છે કે તેના મુક્કાની તાકાતની સામે હોરવાથ વધારે સમય ટકી શકશે નહિ.


comments powered by Disqus