જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકાની સર્વોચ્ચ અદાલતે પ્રેમિકા રિવા સ્ટીનકેમ્પની હત્યાના ગુનામાં દોષિત ઠેરવવાના ચુકાદા સામે વિકલાંગ ઓલિમ્પિયન ઓસ્કાર પિસ્ટોરિયસની અપીલ ફગાવી દીધી છે. આ કેસમાં તેને ઓછામાં ઓછી ૧૫ વર્ષની કેદની સજા થઈ શકે છે.
આ દોડવીરે ૨૦૧૩માં વેલેન્ટાઈન ડે એ ગર્લફ્રેન્ડને ઠાર મારી હતી. અગાઉ તેને મનુષ્યવધ માટે ગુનેગાર ઠેરવાયો હતો. જોકે, પાછળથી તેના પર હત્યાનો આરોપ મૂકાયો હતો. છેલ્લાં કેટલાંક મહિનાથી તેને પ્રિટોરિયામાં તેના કાકાના નિવાસસ્થાને નજરકેદમાં રખાયો છે. ન્યાયમૂર્તિ થોકોઝિલે મેસિપા ૧૮મી એપ્રિલે તેને સજા સંભળાવે તેવી શક્યતા છે. અગાઉ વિવાદાસ્પદ રીતે આ જ ન્યાયમૂર્તિએ ૨૦૧૪માં તેને હત્યાના આરોપમાં નિર્દોષ ઠેરવ્યો હતો.

