શ્રવણ સન્માન અને વડીલ સન્માન કાર્યક્રમ માટે પધારી રહેલા કપોળ વૈષ્ણવ અગ્રણી જતીનભાઇ પારેખ

Wednesday 16th March 2016 06:08 EDT
 
 

'ગુજરાત સમાચાર અને એશિયન વોઇસ' તેમજ 'વિશ્વ હિન્દુ પરિષદ, ઇલફર્ડ' દ્વારા શનિવાર તા. ૧૯ના રોજ બપોરે ૨-૩૦થી સાંજના ૭-૦૦ દરમિયાન યોજાયેલા શ્રવણ સન્માન અને વડીલ સન્માન કાર્યક્રમ માટે અમદાવાદના જાણીતા બિઝનેસમેન અને કપોળ વૈષ્ણવ સમાજના અગ્રણી જતીનભાઇ પારેખ યુકે પધારી રહ્યા છે. સમગ્ર યુકેમાં સૌ પ્રથમ વખત યોજાઇ રહેલા શ્રવણ સન્માન કાર્યક્રમ માટે જતીનભાઇ પારેખે પ્રેરણા આપી હતી.
જતીનભાઇ આ કાર્યક્રમમાં અતિથિવિશેષ અને મુખ્ય વક્તા તરીકે પધારી રહ્યા છે અને આપણા સમાજમાં વડીલોની મહત્તા અને માતા-પિતા પરત્વે સંતાનોએ કેવી કાળજી લેવી જોઇએ તે વિષયે મનનીય વક્તવ્ય આપનાર છે.
મુંબઇથી બીએસસી ગ્રેજ્યુએટ થઇ આપબળે પગભર થઇ આગળ આવેલા જતીનભાઇ પારેખ આજે મુંબઇ તેમજ અમદાવાદમાં વસતા કપોળ વૈષ્ણવ સમાજમાં ટ્રસ્ટી તરીકે મોખરાનું સ્થાન સંભાળી રહ્યા છે. તેઓ કપોળ સમાજ ચેરિટેબલ ટ્રસ્ટના સક્રિય સદસ્ય છે અને સમાજના બાળકોને ભણવા માટે પુસ્તકો, નોટબુક સહિત ફી માટે તેમનું ટ્રસ્ટ મદદરૂપ થાય છે. આ ઉપરાંત ઘણાબધા સામાજીક કાર્યક્રમો અને સેવાઓ સાથે પણ તેઓ સંકળાયેલા છે.
જતીનભાઇ પારેખ ૧૯૭૬થી ટ્રાઇડન્ટ ઇન્ડિયા લિ. અને ૧૯૯૬થી ટ્રાઇડન્ટ ક્રિએશન પ્રા. લિ. ના નામથી બિઝનેસ કરે છે અને તેઓ તનિશ્ક જ્વેલરી, હેકર, સિમેન્સ, મીલી, ફિશર એન્ડ પેકલની ફ્રેન્ચાઇઝી - ડીલરશીપ ધરાવે છે અને બેસિલ રેસિડેન્સીના નિર્માણ સાથે સંકળાયેલા છે. અમદાવાદમાં ૬ શો રૂમ ધરાવતા જતીનભાઇ સાથે ૧૨૦ કર્મચારીઓ કામ કરે છે અને તેઓ સૌ મળીને આશરે $૭૫ મિલિયનનો કારોબાર કરે છે. જતીનભાઇની ખાસીયત એ છે કે તેઓ પોતાની સાથે કામ કરતા તમામ કર્મચારીઓના બાળકોના શિક્ષણ, પરિવારના આરોગ્ય તેમજ સ્ટાફને ઘર ખરીદવું હોય તો તે માટે સક્રિય મદદ કરે છે. તેઓ સ્ટાફના દરેક સદસ્યના એક બાળકના ભણતરનો સંપૂર્ણ ખર્ચો ઉપાડે છે. કર્મચારીઓના કલ્યાણ માટે એક વર્ષમાં આશરે ૫૦ લાખ રૂપિયાનું બજેટ ધરાવતી જતીનભાઇની કંપનીમાં કામ કરવું એ એક લહાવો છે.
જતીનભાઇને સંગીતનો શોખ છે અને તેઓ કલા અને સંસ્કૃતિ માટે પણ પોતાના થકી મહત્વપૂર્ણ યોગદાન આપે છે. જતીનભાઇ યુકેમાં ચારેક દિવસ રોકાણ કરી ભારત પરત થશે. સંપર્ક: કમલ રાવ 07875 229 211


comments powered by Disqus