વિશ્વની સૌથી વિશાળ સ્વયંસેવી સંસ્થા (એનજીઓ) રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ની રાજસ્થાનના નાગૌરમાં હમણાં મળેલી ત્રિદિવસીય પ્રતિનિધિ સભા (સંસદ)માં નિર્ણયો તો ઘણા લેવાયા, ચિંતન ખુબ થયું, કેન્દ્રની ભાજપ સરકારની કામગીરી વિશે આકલન પણ થયું, પરંતુ ૯૦ વર્ષીય આરએસએસના ગણવેશમાં ખાખી ચડ્ડીને તિલાંજલિ આપીને આછી છીંકણી રંગ (બ્રાઉન કલર)ના પેન્ટને સ્વીકારવાનું નક્કી થયું એની ચર્ચા સવિશેષ થઈ.
૧૯૨૫માં વિજયાદશમી ટાણે નાગપુરના કોંગ્રેસી નેતા ડો. કેશવ બલિરામ હેડગેવારે જ્યારે હિંદુ હિતમાં સંઘની સ્થાપના કરી ત્યારે કોંગ્રેસ પક્ષ સર્વસમાવેશ હોવા છતાં હિંદુ પાર્ટીની ભૂમિકામાં હતો. સંઘ પરિવારમાં આદરપાત્ર વ્યક્તિત્વ રહેલા વરિષ્ઠ પ્રચારક સ્વ. દત્તોપંત ઠેંગડી ‘સંકેતરેખા’માં નોંધે છે કે છેક ૧૯૩૭ સુધી સંઘના પ્રથમ સરસંઘસંચાલક (વડા) ડો. હેડગેવાર કોંગ્રેસ સાથે રહ્યા. ૧૯૪૦માં એમના નિધન પછી ડોક્ટરજીની ઈચ્છાનુસાર માધવ સદાશિવ ગોલવળકર (ગુરુજી)ને દ્વિતીય સરસંઘચાલકનો કાર્યભાર સુપરત કરાયો હતો.
પ્રારંભમાં સંઘની સાંસ્કૃતિક ઓળખને ગુરુજીએ ૧૯૫૧માં ડો. શ્યામાપ્રસાદ મુકરજી નામના બંગાળના મૂળ કોંગ્રેસી નેતામાંથી હિંદુ મહાસભાના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા પછી પં. જવાહરલાલ નેહરુની સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં ઉદ્યોગ પ્રધાન રહ્યા પછી અલગ થયેલા નેતા સાથે ચર્ચા કરીને અખિલ ભારતીય જનસંઘ થકી રાજકીય ક્ષેત્રમાં રસ લેવાનું શરૂ કર્યું હતું. સમયાંતરે જનસંઘનો જનતા પાર્ટીમાં વિલય અને ફરી ૧૯૮૦માં નવઅવતાર તરીકે ભારતીય જનતા પાર્ટી તરીકે અવતરણ થયું હતું.
’૯૦નાં અંતિમ વર્ષોમાં ભાજપનો પ્રભાવ વધારવામાં સંઘ સમર્થન થકી રામજન્મભૂમિ આંદોલને ઘણું યોગદાન આપ્યું. એ પછી સંઘના પ્રચારક રહેલા અટલ બિહારી વાજપેયીના વડા પ્રધાનપદે મિશ્ર સરકાર બની. એ પછીના વર્ષોમાં ભાજપની પ્રગતિનો ગ્રાફ ઊંચે જતો ગયો અને કોંગ્રેસની અવગતિ સર્જાતી રહી.
મે ૨૦૧૪માં સંઘના પ્રચારક રહેલા નરેન્દ્ર મોદી સંપૂર્ણ બહુમતી સાથે દિલ્હીમાં વડા પ્રધાનપદે આરૂઢ થયા હોવા છતાં મિત્ર પક્ષોને સાથે રાખવાની ચાણક્યનીતિ એમણે અખંડ રાખી છે. લોકસભામાં તો ભાજપ અને મિત્રપક્ષોની ભારે બહુમતી છે. પણ ઉપલા ગૃહ રાજ્યસભામાં હજુ કોંગ્રેસ અને મિત્રપક્ષોની બહુમતી હોવાથી વડા પ્રધાન મોદી અને એમની માતૃસંસ્થા આરએસએસના સંયુક્ત પ્રયાસોથી આવતાં બે વર્ષમાં વિવિધ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીઓમાં પક્ષની સ્થિતિ મજબૂત કરવાનો મોટો પડકાર છે.
આવા સંજોગોમાં સંઘના મંચ પરની ગતિવિધિ સત્તારૂઢ ભાજપ માટે ખૂબ જ નિર્ણાયક બની રહે છે. સંઘનો પ્રભાવ દેશ અને દુનિયામાં વધ્યો જરૂર છે, પણ સત્તા સાથે વધતા પ્રભાવને ટકાવવા માટે નક્કર પગલાં લેવામાં આવે નહીં તો એ ઊભરો શમી શકે એ વાતથી સંઘનું નેતૃત્વ સુપેરે વાકેફ છે. મોદી સરકારને બે વર્ષ પૂરાં થવા આવ્યાં છે ત્યારે સ્વાભાવિક રીતે પ્રજાની આકાંક્ષા અને અપેક્ષા એમના ચૂંટણીઢંઢેરાનાં વચનોની પૂર્તિ બાબતની પ્રગતિનો હિસાબ માંગે અને વિપક્ષ પણ સરકારની મર્યાદાઓને પ્રજા સમક્ષ લઈ જવાનો પ્રયાસ કરે.
નરેન્દ્ર મોદીના વડપણવાળી સરકાર કેન્દ્રમાં આવ્યા પછી બિહાર રાજ્યમાં ભાજપ અને મિત્રપક્ષોના કરુણ રકાસ પછી ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ સહિતના ભાજપશાસિત રાજ્યોમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીઓમાં ભાજપને જોરદાર ફટકો પડ્યો છે. આવા માઠા સમયગાળામાં સમગ્રપણે સંઘ પરિવારના સંગઠિત સમર્થનથી ભાજપની સ્થિતિ સુધારવા માટે કૃતસંકલ્પ રહે. સંઘની નેતાગીરી ગજગામિની છે. ભાજપને માટે એના સદભાવ સમર્થન છતાં અનામતના મુદ્દે એની ભૂમિકા ભાજપને નડે છે. સંઘની ૧૯૮૧ની પ્રતિનિધિ સભાના ઠરાવ મુજબ, અનામતની વ્યવસ્થા કાયમી ધોરણે હોઈ ના શકે. સંઘ તરફથી જ્યારે પણ અનામતની સમીક્ષાની વાત કરાય છે ત્યારે વિરોધીઓ ભારે ઉહાપોહ મચાવે છે.
બિહાર વિધાનસભાની ગત ચૂંટણી ટાણે સંઘના વર્તમાન સરસંઘચાલક ડો. મોહન ભાગવતે અનામત-સમીક્ષાની વાત છેડી અને ભાજપ જ નહીં, સ્વંય વડા પ્રધાન મોદીએ કરેલી સ્પષ્ટતાઓ છતાં બિહારમાં ભાજપનો રકાસ સર્જાયો. નાગૌરમાં પ્રતિનિધિ સભાની ત્રણ દિવસની બેઠક પછી એની કાર્યવાહીની માહિતી આપતાં સરકાર્યવાહ (મહામંત્રી) સુરેશ (ભૈયાજી) જોશીએ અનામત મુદ્દે સંઘની સમીક્ષાવાળી ભૂમિકા રજૂ કરી એટલે વિરોધ પક્ષના હાથમાં ફરી મુદ્દો આપ્યો. રાજ્યસભામાં સત્તાપક્ષના નેતા અને નાણા પ્રધાન અરુણ જેટલીએ સરકાર અનામત વ્યવસ્થામાં કોઈ ફેરફાર કરવાની નહીં હોવાની ખાતરી આપ્યા છતાં શ્રીમંત વર્ગો એટલે કે પટેલો અને જાટ અનામત મેળવવા આંદોલન કરે એને સંઘ યોગ્ય નહીં માનતો હોવાનાં દૂરગામી પરિણામ ભાજપે ભોગવવાં પડશે.
સંઘ આદર્શવાદમાં માને છે, પરંતુ રાજકારણમાં માત્ર આદર્શવાદ ચાલતો હોતો નથી. સંઘની સ્થાપના હિંદુ સમાજના કલ્યાણ અને સંગઠન માટે થઈ હતી. એણે રાજકીય પક્ષ તરીકે ભાજપને જ ટેકો આપવો એવું નહીં, હિંદુ હિતની વાત કરનારાઓને ટેકો આપવાની આદર્શ ભૂમિકા અપનાવી છે. એટલે ભાજપ અને કોંગ્રેસ જ નહીં, અન્ય રાજકીય પક્ષો સાથેના એના સંબંધો મધુર હોય એ સ્વાભાવિક લેખાય.
હિંદુ હિતની વાત કરનારા તમામ પક્ષો સંઘને અનુકૂળ રહે. વૈચારિક દૃષ્ટિએ એને ડાબેરી પક્ષો માફક આવી શકે નહીં અને સાથે જ મુસ્લિમવાદી પક્ષો પણ અનુકૂળ આવે નહીં. જોકે સંઘના સંગઠનોમાં માત્ર હિંદુ જ કાર્યરત છે એવું નથી, ખ્રિસ્તી અને મુસ્લિમ પણ છે. જોકે ભારત હિંદુરાષ્ટ્ર છે અને એના મુસ્લિમો કે ખ્રિસ્તીઓ હિંદુ મુસ્લિમ કે હિંદુ ખ્રિસ્તી હોવાની સંઘની ઘોષિત નીતિ છે.
હવે જ્યારે સંઘનું સંતાન ભાજપ દેશમાં સત્તાસ્થાને હોય ત્યારે એના નેતાઓ, પ્રધાનો, સાંસદો કે પછી સંઘના ‘અધિકારીઓ’ની ભૂમિકા અને ઉચ્ચારણો ગરિમાપૂર્ણ રહેવા ઘટે. ડો. સુબ્રમણ્યન્ સ્વામી જેવા આજે સોનિયા ગાંધી કે જયલલિતાનો સાથ દેનારા, કાલે મોદીનો સાથ દેનારા અડૂકિયા-દડૂકિયા નેતાઓ થકી સર્જાતા વિવાદ એમને મીડિયામાં પ્રસિદ્ધ જરૂર આપે, પણ અટલજીએ કહ્યું હતું તેમ, ‘સ્વામીને પ્રધાન બનાવીને વડા પ્રધાન બનવા કરતાં હું વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશ’ એ વાત ઘણું બધું કહી જાય છે. સંઘના સરકાર્યવાહ ભૈયાજી જોશીએ ગુલામનબી આઝાદની સંઘવિરોધી ટિપ્પણો વિશે પણ જે ગરિમાથી ઉત્તર દીધો, એમાંથી સંઘ કે ભાજપની નેતાગીરીએ બોધપાઠ લેવાની જરૂર ખરી. ઘણી વાર સત્તાધીશો વિપક્ષી નેતાની જેમ જ ઉધામા મારતા રહે એમાં એમની પરિપક્વતાનાં દર્શન થતાં નથી.
(લેખક ઈન્ડિયન એક્સપ્રેસ ગ્રૂપ ઓફ ન્યૂઝપેપર્સના મુંબઈ ખાતે તંત્રી રહ્યા છે અને અત્યારે અમદાવાદસ્થિત સેન્ટર ફોર એજ્યુકેશન, પ્રોગ્રેસ એન્ડ રિસર્ચ (સીઈઆરપી)ના અધ્યક્ષ છે.)

