લંડનઃ સંપૂર્ણ હિપ રિપ્લેસમેન્ટના ઓપરેશન પછી બ્રિટનની ૧૦૪ વર્ષની મિસિસ એડિથ વાર્લે ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન મેળવે તેવી શક્યતા છે. મિસિસ વાર્લે વિશ્વમાં હિપ રિપ્લેસમેન્ટની સૌથી વૃદ્ધ મહિલા દર્દીઓ પૈકીની એક હોવાનું મનાય છે. તેમના પરિવારે ગિનેસ વર્લ્ડ રેકોર્ડ્ઝમાં સ્થાન માટે અરજી કરી છે. હિપ રિપ્લેસમેન્ટ માટે અગાઉની વિક્રમધારક મહિલાની વય ૧૦૨ વર્ષ હતી. બ્રિટનમાં હિપ સર્જરી પછી પ્રોસ્થેસીસ મેળવનારી સૌથી વૃદ્ધ વ્યક્તિ ૧૧૨ વર્ષની હતી.
લેસ્ટર જનરલ હોસ્પિટલમાં ઓપરેશન દરમ્યાન તેઓ સંપૂર્ણ ભાનમાં હતા. લેસ્ટરશાયરના ઓડબીના મિસિસ વાર્લે ગેસ બોર્ડ માટે કલેરીકલ વર્કરની ફરજ બજાવતા હતા. કન્સલ્ટન્ટ ઓર્થોપેડિક સર્જન રિચાર્ડ પાવરે જમણા થાપાનો જોઈન્ટ બદલ્યો હતો. ૧૯૮૭માં પ્રથમ વખતના રિપ્લેસમેન્ટ પછી સાંધો ઘસાઈ ગયો હતો. દસ દિવસ પછી હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયેલાં વાર્લેએે સર્જરીની સફળતાથી ખુશી વ્યક્ત કરી હતી.
પુત્રી જેનીફર ક્વેચે જણાવ્યું કે ઓપરેશનના એક વર્ષ પહેલાથી માતાને ખૂબ દુઃખાવો થતો હતો. ડોક્ટરે એકમાત્ર ઈલાજ હિપ રિપ્લેસમેન્ટ ગણાવ્યો હતો. ૬૯ વર્ષીય પુત્ર ગ્રેમે જણાવ્યું કે, તેઓ હંમેશા માતાને પૂછતાં કે બર્થ ડે માટે તેમને શું ગીફ્ટ જોઈએ છે, તો તેઓ કહેતા કે નવો હિપ સારી ભેટ રહેશે.

