ઇરાદો સારો, પણ પૂર્વ આયોજનનો અભાવ

Tuesday 15th November 2016 14:16 EST
 

કાળું નાણું બહાર લાવવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રૂ. ૫૦૦ અને રૂ. ૧૦૦૦ની ચલણી નોટ રદ કરવાનું જે હિંમતભર્યું પગલું લીધું છે તેને વિશ્વભરમાં વસતાં ભારતીયો સહિત તટસ્થ નિષ્ણાતો બિરદાવી રહ્યા છે. કારણ કે તેમના આ નિર્ણય પાછળના ઇરાદા પ્રત્યે ભારતીયોને લગારેય આશંકા નથી. ચલણી નોટ બંધ કરવાથી માંડીને બેનામી સંપત્તિ શોધી કાઢવા માટે સરકાર જે કોઇ પણ આકરા પગલાં ઉઠાવી રહી છે કે ઉઠાવશે, ભારતીયો તેમને ખભેખભા મિલાવીને સાથ આપશે તે નક્કી છે. વડા પ્રધાને રવિવારે ગોવામાં કહ્યું કે દેશના ઇમાનદાર લોકોએ ડરવાની જરૂર નથી, પરંતુ દોષીઓને તો નહીં જ બક્ષવામાં આવે. સમગ્ર દેશ પણ આ જ ઇચ્છે છે કે નિરંકુશ થઇ ગયેલા ભ્રષ્ટાચાર અને કાળા નાણાં પર જનોઇવઢ ઘા કરવામાં આવે. આ બદીને જડમૂળથી ઉખાડી ફેંકવા માટે જે કંઇ પણ જરૂરી પગલાં હોય લેવા જ જોઇએ. દેશના અર્થતંત્રને ઊધઇની જેમ કોરી રહેલી કાળા નાણાંની આ બદીને નેસ્તનાબૂદ કરવા માટેની આ ઝૂંબેશ દરમિયાન આવનારી તમામ મુશ્કેલીઓનો સામનો કરવા માટે ભારતીયો પણ તૈયાર છે. અલબત્ત, આ પ્રકારે નહીં જે પ્રકારે છેલ્લા એક સપ્તાહથી દેશની ૯૫ ટકા પ્રજા હેરાનપરેશાન થઇ રહી છે.
વડા પ્રધાનનો નિર્ણય બેશક પ્રશંસનીય છે, પરંતુ રિઝર્વ બેન્ક ઓફ ઇંડિયા (આરબીઆઇ) બેન્કોમાં કેશ ફ્લો જાળવવામાં ઊણી ઉતરી છે. બેન્કો અને પોસ્ટ ઓફિસોમાં રોકડ મેળવવા માટે લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. વળી, આવી લાઇનમાં કલાકો ઉભા રહ્યા પછી પણ રદ થયેલી ચલણી નોટોના બદલે નવી નોટો મળશે કે કેમ તેની તો કોઇ ખાતરી જ નથી. ચલણી નોટોનો અભાવ કહો કે તેને બદલવાની ‘પીડા’ કહો, દેશમાં પાંચ દિવસમાં ૧૭ લોકોના મૃત્યુ થયા છે. ક્યાંક સારવારનો અભાવ, ક્યાંક આત્મહત્યા તો ક્યાંક હાર્ટએટેકે માનવજિંદગીનો ભોગ લીધો છે. સરકારે ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટો ભલે બંધ કરી, પરંતુ નવી વ્યવસ્થાને મુશ્કેલીરહિત બનાવવા માટે આગોતરું આયોજન કરવાની જરૂર હતી.
એક પ્રાથમિક અંદાજ પ્રમાણે વિશાળ ભારતીય અર્થતંત્રમાં રૂ. ૫૦૦ અને ૧૦૦૦ની ચલણી નોટોનો હિસ્સો ૮૬ ટકા છે. આટલા મોટા પાયે વપરાશમાં રહેલા ચલણને બજારમાંથી દૂર કરવાનો નિર્ણય, સ્વાભાવિકપણે જ, આસાન નહીં હોય. એક અહેવાલ અનુસાર આ કવાયત છેલ્લા આઠ મહિનાથી ચાલી રહી હતી. આટલા લાંબા પૂર્વ આયોજન છતાં બેન્કોમાં રોકડ નાણાંની અછત દર્શાવે છે કે ચલણી નોટો બંધ કરવાનો નિર્ણય લેતી વેળાએ ભાવિ મુશ્કેલીઓને ધ્યાનમાં રાખવામાં આવી નથી. નાણાં પ્રધાન અરુણ જેટલી બે-ત્રણ અઠવાડિયામાં એટીએમ ફરી ધમધમતા થઇ જશે તેવી ધરપત આપી રહ્યા છે. મતલબ કે સમસ્યા હજુ ૧૫ દિવસ તો રહેવાની છે. સવાસો કરોડનો દેશ રોકડના અભાવે ઠપ્પ થઇ જાય તે સારી વાત નથી.
હા, લોકો એક વાતે અવશ્ય સંતોષ લઇ શકે છે કે સરકારે કાળા નાણાં સામે ભવિષ્યમાં વધુ કડક પગલાં લેવાના સંકેત આપ્યા છે. દેશ-વિદેશમાં વસતાં ભારતીયો પણ આ જ ઇચ્છે છે. નિર્ણયો થવા જ જોઇએ, પરંતુ તેના સારાનરસાં પાસાં સમજીવિચારીને. વડા પ્રધાને રવિવારે ગોવામાં જોશભેર સંબોધન કરતા ભારતીયોને અપીલ કરી હતી કે (કાળા નાણાંની બદી સામે પગલાં લેવા) મને માત્ર ૫૦ દિવસ આપો. મોદી સરકારે અત્યાર સુધી જે પ્રકારે અસરકારક વહીવટ આપ્યો છે તે જોતાં લોકો તેમને ૫૦ નહીં, ૧૦૦ દિવસ આપવા તૈયાર છે. કાળા નાણાંનું દૂષણ દૂર થવું જ જોઇએ, પરંતુ આયોજનબદ્ધ રીતે.
કાળું નાણું બહાર લાવવાનાં મોદી સરકારના પ્રયત્નો રંગ લાવશે તેમાં બેમત નથી. પ્રોપર્ટીના ભાવમાં ઉલ્લેખનીય ઘટાડો થવાના એંધાણ વર્તાઈ રહ્યાં છે. પ્રોપર્ટીમાં સૌથી વધુ કાળાં નાણાંનું રોકાણ થતું હતું અને તેના પગલે દેશના મોટા ભાગના વિસ્તારોમાં પ્રોપર્ટીના ભાવ આસમાનને સ્પર્શવા લાગ્યા હતા. હવે પ્રોપર્ટીના ભાવ ઘટે તો તે માટે મોદી સરકારને સલામ કરવી ઘટે. જો આમ થશે તો ફુગાવો પણ ઘટશે અને તેનો ફાયદો આમઆદમીને પહોંચે તો નવાઈ નહીં. સરકારે કાળાં નાણાં પર અંકુશ મેળવવા અભૂતપૂર્વ પગલું ભર્યું છે, પરંતુ તેની અસર આગળ પણ ચાલુ રહે તે દિશામાં વધુ પગલાં ભરવાની આવશ્યકતા છે.


comments powered by Disqus