વડા પ્રધાન થેરેસા મેના પ્રવાસે ભારત અને બ્રિટનના દસકાઓ જૂના મધુર સંબંધોમાં વધારે મીઠાશ ઉમેરવાનું કામ કર્યું છે. વડા પ્રધાનપદ ગ્રહણ કર્યા પછી મેએ યુરોપ બહાર સૌથી પહેલા સત્તાવાર પ્રવાસ માટે ભારત પર પસંદગી ઉતારીને એ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે કે તેઓ આ બહુવિધ સાંસ્કૃતિક દેશને કેટલી અગ્રતા આપે છે. આ પ્રવાસ એ વાતનો પણ સંકેત આપે છે કે બ્રિટન ભલે યુરોપિયન યુનિયન (ઇયુ)માંથી પૂર્ણપણે બહાર નીકળી ન જાય ત્યાં સુધી કોઇ પણ દેશ સાથે દ્વિપક્ષીય વ્યાપારિક સમજૂતી કરી શકે તેમ ન હોય, પરંતુ થેરેસા મે ત્યાં સુધી રાહ જોવાના મૂડમાં નથી. જો આમ ન હોત તો તેમના ત્રણ દિવસના ભારત પ્રવાસમાં બન્ને દેશો વચ્ચે એક બિલિયન પાઉન્ડના સમજૂતી કરાર ન થયા હોત. સાથોસાથ ભારત-બ્રિટને મેક ઇન ઇન્ડિયા, ટેકનિકલ આદાન-પ્રદાન અને સહિયારા સંશોધન સહિત પરસ્પર સંરક્ષણ સહયોગ વધારવાનો નિર્ણય કર્યો છે.
દ્વિપક્ષીય સંયુકત નિવેદનમાં વડા પ્રધાન મોદીએ યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતની કાયમી સભ્યતા અને ન્યૂકિલયર સપ્લાયર્સ ગ્રૂપમાં ભારતની દાવેદારીને સમર્થન બદલ બ્રિટનને ધન્યવાદ આપ્યા છે. તો સાથે જ બ્રિટિશ કંપનીઓને ભારતમાં સંરક્ષણ ક્ષેત્રે ઉપલબ્ધ મૂડીરોકાણની આકર્ષક તકને ઝડપી લેવાનો અનુરોધ પણ કર્યો છે. થેરેસા મેએ એવી લાગણી વ્યક્ત કરી છે કે બ્રિટન ઇયુથી અલગ થઇ રહ્યું છે અને ભારત ઝડપથી આગળ વધી રહ્યું છે ત્યારે બન્ને દેશોએ આ તકનો લાભ ઉઠાવવો જ રહ્યો. બન્ને નેતા જાણે છે કે જી૨૦ દેશોમાં બ્રિટન ભારતમાં સૌથી મોટું મૂડીરોકાણકર્તા છે, તો બ્રિટનમાં મૂડીરોકાણ કરનારા દેશોમાં ભારત ત્રીજા સ્થાને છે. મે કેબિનેટના સભ્યોથી માંડીને ‘બ્રેકિઝટ’ના સમર્થકોનું ભારપૂર્વક માનવું છે કે બ્રિટને - ઇયુમાંથી છૂટા પડ્યા બાદ - વિકાસપંથે હરણફાળ ભરવી હશે તો યુરોપની બહાર પાંખ ફેલાવવી પડશે. વિશ્વમાં ઝડપભેર વિકસી રહેલા દેશોમાં ભારત મોખરે હોવાની હકીકત ભાગ્યે જ કોઇ નકારી શકશે. મે સરકાર અત્યારે દેશમાં શક્ય તેટલી વધુ રોજગારીનું સર્જન કરવા માગે છે. એટલું જ નહીં, તેઓ ઇચ્છે છે કે ભારતીય મૂડીરોકાણ દેશમાં ઉત્પાદન વધારવામાં સહાયરૂપ બને, અને બાદમાં બ્રિટનમાં ઉત્પાદિત માલસામાનને ભારતીય બજારમાં બેરોકટોક પ્રવેશ મળે. બીજી તરફ, કેટલાક સમયમાં ભારતીય ઉદ્યોગપતિઓએ બ્રિટનમાં રોકાણ વધાર્યું છે.
દ્વિપક્ષીય સંબંધો મજબૂત બની રહ્યા હોવા છતાં હકીકત એ પણ છે કે મે સરકારે લાદેલા વિસા નિયંત્રણો અને ઇમિગ્રેશન સંબંધિત અંકુશોથી અહીં વસતો ભારતીય સમુદાય ચિંતિત છે. વિસા અને ઇમિગ્રેશન સંબંધિત મતભેદોનો સત્વરે ઉકેલ આણવો બન્નેના હિતમાં છે. ભારતીય ઇમિગ્રન્ટ્સ વિશ્વભરમાં શાંતિપ્રિય અને હંમેશા કાયદો-વ્યવસ્થાનું પાલન કરનાર સમુદાય તરીકેની ઓળખ ધરાવે છે. ભારતીયો જે કોઇ દેશમાં જઇ વસ્યા છે ત્યાંના સમાજમાં દૂધમાં સાકરની જેમ ભળી ગયાનો ઇતિહાસ સાક્ષી છે. અને જો બ્રિટનવાસી ભારતીયોની વાત કરીએ તો, આ સમુદાયે દેશના આર્થિક વિકાસમાં પ્રશંસનીય યોગદાન આપ્યાની હકીકતનો શાહી પરિવારથી માંડીને અત્યાર સુધીની સરકારો પણ - એક યા બીજા સમયે - સ્વીકાર કરી ચૂકી છે. વડા પ્રધાન મેએ રજિસ્ટર્ડ ટ્રાવેલ્સ ફી યોજના અંતર્ગત ભારતીય બિઝનેસમેનને કસ્ટમ ક્લિયરન્સમાં ઓછો સમય લાગે તેવી વ્યવસ્થા કરી છે પણ આટલું પૂરતું નથી. આ સિવાય બન્ને દેશો વચ્ચેની એક્સ્ટ્રાડીશન ટ્રીટીમાં રહેલા કાનૂની છીંડા પણ તાકીદે પૂરવાની જરૂર છે. જેથી વિજય માલ્યા જેવા બ્રિટનમાં જઇ વસેલા ભાગેડુ ગુનેગારોને પરત ભારત લઇ જઇને ત્યાં કાનૂની કાર્યવાહી હાથ ધરી શકાય. બ્રિટન-ભારત અનેકવિધ મુદ્દે એકમેકના સહકારમાં વિકાસપંથે આગેકૂચ કરી રહ્યા છે ત્યારે શાસકોએ આવા કેટલાક છુટાછવાયા, પરંતુ મહત્ત્વના મુદ્દાને પણ સત્વરે ઉકેલવા જ રહ્યા.
