આજકાલ સહુથી અઘરો સમય નાણાકીય વિનિમયનો થઇ ગયો! નવમી નવેમ્બરની રાતે વડા પ્રધાન ટીવી પર આવ્યા ત્યારે પહેલા તો બધાને લાગ્યું કે તેમના જાપાન પ્રવાસ કે એવો કોઇ વિષય હશે, પણ કોથળામાં બિલાડું કાઢવાની તેમની આદત ફરી એક વાર ચમકી ગઈ. એક મોટો આર્થિક નિર્ણય જે દેશઆખાના કરોડપતિથી માંડીને પાંચસોની નોટોથી કામ ચલવનાર લોકો માટેનો હતો. પ્રવચન પૂરું થાય કે તુર્ત ૫૦૦ અને ૧૦૦૦ની નોટો ભૂતકાળ બની જવાની જાહેરાતે બધાને દોડતા કરી મૂક્યા. જેમની પાસે આવી વધારાની નોટોના થપ્પા હતા તેઓ મૂઢ થઇ ગયા.
બીજા દિવસથી બેંકો અને પોસ્ટ ઓફિસે પર કતારો લાગી છે, જેમની પાસે ૫૦૦ કે ૧૦૦૦ રૂપિયાની નોટો છે મર્યાદિત સંખ્યામાં તે ૧૦૦, ૫૦૦ કે ૨૦૦૦ની નોટો મેળવી શકે તેમ છે. જેમના તમામ વ્યવહાર ચોપડે છે એ તો પોતાના ખાતામાં બધું જમા કરી શકે છે, પણ કરોડોની ‘કાળા નાણા’ની પુંજીનું શું? હવે તેના રસ્તા શોધી રહ્યા છે. કેટલાકે પોતાની પાસે રહેલી રકમ જાહેર પણ કરી દીધી, પણ હજુ તો તે અપવાદ છે. છટકબારીના રસ્તા શોધવામાં આવી રહ્યા છે. છાપાઓમાં તો કતારોમાં ઉભા રહેલાઓની મુશ્કેલીના અહેવાલો જ વધુ ધ્યાન ખેંચે છે. હજુ આ બધું એકાદ મહિનો ચાલશે.
ગુજરાતમાં આ વિશે થોડી ચર્ચા શરૂ થઇ છે, પણ શિનોય કે આઈ. જી. પટેલ કે એચ. એમ. પટેલ જેવા ખરા અર્થમાં રાષ્ટ્રીય આર્થિક વ્યવસ્થા વિશે વિચારનારાઓની ખોટ અનુભવાય છે. આથી ચર્ચા પણ સપાટી પરની બની જાય છે. શું ખરેખર આ પગલાથી કાળું નાણું અટકાવી શકાશે? કેટલા પ્રમાણમાં? આ મોટો પ્રશ્ન છે. કાળા નાણાંના ખેલાડીઓ મોટી સંખ્યામાં છે. નેહરુના જમાનામાં કે. સંથનમ્ સમિતિ આ વિષય પર બેઠી હતી. તેમાં એક વિધાન એવું હતું કે જો કાળા નાણાંની નાબૂદી નહીં કરીએ તો એક દિવસ એવો આવશે કે આવા નાણાંથી ૨૦૦-૩૦૦ કરોડ ખર્ચીને કોઈ દેશનો વડો પ્રધાન પણ બની જશે. ચૂંટણીઓમાં પક્ષો જે રકમ ખર્ચે છે તે ક્યાંથી આવે છે?
ઉત્તર પ્રદેશમાં માયાવતી, મુલાયમ સિંહ, કોંગ્રેસ વગેરે આ નિયમની ખિલાફ થઇ ગયા છે તેનું એક કારણ આગામી ચૂંટણી છે, જેમાં મોટી સંખ્યામાં કાળા નાણાંનો ઉપયોગ થવાનો હતો. આમાં એકલા રાજકારણી નહીં, ઉદ્યોગપતિ, વ્યવસાયિકો, બિલ્ડરો, અધિકારીઓ પણ એકબીજાના સહારે નાણાં ભેગા કરી લે છે. એક વાર કોંગ્રેસના નેતા ઝીણાભાઈ દરજીએ એક પ્રસંગ કહ્યો હતો કે ગુજરાતમાં ચૂંટણીપ્રચાર માટે રકમ લેવા દિલ્હી ગયો તો પક્ષના રાષ્ટ્રીય ખજાનચીના નિવાસસ્થાને જવાનું બન્યું. તેઓ એક ઓરડામાં લઇ ગયા. ત્યાં મોટા કબાટોમાં નોટોના થોકડા પડ્યા હતા!
દેશમાં કાળા નાણાં ઉપરાંત નકલી નોટોની યે બોલબાલા છે. પાકિસ્તાન અને બીજેથી તે ભારતમાં પ્રવેશે છે. આતંકવાદી પ્રવૃત્તિમાં તેનો ઉપયોગ થાય છે. એક દૃષ્ટિએ આ આર્થિક આક્રમણ છે. તેનો અધિક ઉપયોગ નશીલી દવાઓ લાવવામાં પણ થાય છે. આ તમામને પહોંચી વળવા આ પગલા લેવાયા છે એમ સરકાર કહે છે.
આમાં સૂકા ભેગું થોડુક લીલું પણ બળી જશે. દેશવ્યાપી પગલાના પરિણામો એવા જ હોય છે. અને તેની સારી અસર સારા પરિણામો લાવે, જો નિર્ણયનો અમલ ઠીક ના થાય તો અંધાધૂંધી સર્જાય.
ગુજરાતીઓ અને ભારતીયો વિદેશે વસે છે તેમને ય આ પગલાની અસર ઓછીવત્તી થવાની છે. સરકારે હમણાં કેટલીક સ્વૈચ્છિક સંસ્થાઓને વિદેશોમાંથી મળતા દાન પર અંકુશ મૂક્યો છે. એવા બીજાં પગલા પણ થોડા દિવસોમાં દેખાશે.
બીજો મુદ્દો અમેરિકાની ચુંટણીનો ગાજ્યો. ડોનાલ્ડ ટ્રમ્પ જીતી ગયાના ખબર સૌરાષ્ટ્રના પ્રવાસે હતો એટલે વચ્ચે જ મળ્યા. એક ટીવી ચેનલને આ વિશે ‘ફોનો’પ્રતિક્રિયા જોઈતી હતી તે આપી. આ સમયે જે હોટેલમાં અમે બેઠા હતા ત્યાં ફાફડા તળતા કારીગરે કહ્યું: ‘સાહેબ, આ તો ટ્રમ્પનો જમ્પ હતો, કાલે રાતે મોદીનો જમ્પ હતો... હવે આ જમ્પને કેવા બમ્પ નડશે તે જોવાનું છે.’
ટ્રમ્પની જીત અહીં ઘણાની પાચનક્રિયા પર અવળી અસર કરી ગઈ. ઉદારવાદી લોકશાહીનું શું થશે એવું પૂછાઈ રહ્યું છે. પણ તેઓ એક વાત ભૂલી જાય છે કે ટ્રમ્પ જીત્યા તેનું મુખ્ય કારણ ઉદારવાદી રાજકારણમાં નિષ્ફળ ગયેલા રાજકારણીઓ અને બુદ્ધિજીવીઓ છે. ટ્રમ્પ માનવાધિકારના નામે મજહબી આતંકવાદને છાવરવાના વિરોધી છે, પ્રજાને આતંકવાદ જોઈતો નથી એટલે ઉદારવાદી ઢીલાશની સામે જે હોય તેને ટેકો મળે છે. દુનિયાના ઘણા દેશોમાં આવું બન્યું છે ને હવે ફ્રાન્સમાં થનારી ચૂંટણીમાં પણ તેવું બનશે. લોકો આતંકવાદ નષ્ટ કરવા માટે મર્યાદિત પ્રકારની એકાધિકારવાદી રાજનીતિ પસંદ કરતા થઇ ગયા તેનાથી ‘ન્યૂ વર્લ્ડ ઓર્ડર’ની શરૂઆત થઇ છે તેને નજરઅંદાઝ કરવા જેવો નથી.
૯ નવેમ્બરે જૂનાગઢ અને સમગ્ર સોરઠને તેની ૭૦ વર્ષ પૂર્વેની સ્વાતંત્ર્ય લડાઈ યાદ કરતી જોવાનો અવસર મળ્યો. જે બહાઉદ્દીન કોલેજના મેદાનમાં સરદાર પટેલ ગરજ્યા હતા અને જૂનાગઢ નવાબે જાહેર કરેલા પાકિસ્તાન સાથેના વિલયની ખિલાફ ‘આરઝી હકુમત’ના સંગ્રામને બિરદાવ્યો હતો તેની સાવ નજીક હજીયાની બાગમાં ૨૦૦૦૦ દર્શકોએ ‘જુનાગઢ... અતીતથી આજ’ સંસ્કૃતિક કાર્યક્રમ દોઢ કલાક સુધી નિહાળ્યો. સંગીત-નાટ્ય-નૃત્ય-દૃશ્યનો તેમાં સુંદર મેળમિલાપ હતો. ૨૦૦ કલાકારોએ તેમાં જૂનાગઢ-મુક્તિનો ઈતિહાસ અભિનીત કર્યો. શામળદાસ ગાંધી, અમૃતલાલ શેઠ, કનૈયાલાલ મુનશી, રતુભાઈ અદાણી, સુરગભાઇ વરુ, ગુણવંતરાય પુરોહિત... અને બીજા અનેકોનું નામસ્મરણ થયું. દર્શકોમાં મુખ્ય પ્રધાન અને બીજા પ્રધાનો તથા સચિવો પણ હતા. મુખ્ય પ્રધાન વિજયભાઈએ છેલ્લે મંચ પર જઈને કલાકારોને અભિનંદન આપ્યા અને મારી પટકથા હતી એટલે કહ્યું: ‘વિષ્ણુભાઈએ ઇતિહાસનો માહોલ સર્જ્યો સહુના દિલ અને દિમાગમાં!’

