જાણીતા કવિ ગીતકાર જાવેદ અખ્તરે ૧૩મીએ જણાવ્યું હતું કે ટ્રિપલ તલાકની પ્રથા પર તાત્કાલિક પ્રતિબંધ હોવો જોઇએ પરંતુ સમાન સિવિલ કોડના અમલ અગાઉ યોગ્ય ચર્ચા થવી જરૂરી છે.
ટ્રિપલ તલાક મુદ્દે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં અખ્તરે જણાવ્યું હતું કે, તેમણે અગાઉ પણ સ્પષ્ટતા કરી હતી કે ટ્રિપલ તલાક પર તાત્કાલિક પ્રતિબંધ લાદવો જોઇએ, પરંતુ આવા વિશાળ દેશમાં સમાન સિવિલ કોડ કેવી રીતે અમલમાં આવે તે ચર્ચાનો વિષય છે.
ભારત અનેક પરંપરાઓ, સંસ્કૃતિઓ અને ઉપસંસ્કૃતિઓનો દેશ છે. આ બધું જ એક જ કાયદા હેઠળ લાવવું તે પડકારનું કામ છે. સરકારે કાયદો ઘડવો જોઇએ ત્યાર પછી એક વર્ષ સુધી ચર્ચા થવી જોઇએ. બંધારણનો આશરો પણ લેવો પડે.
અખ્તરે વધુ જણાવ્યું હતું કે રાજકારણીઓએ આ મુદ્દે મૌન રહેવું જોઇએ. તેઓ સાચી વાત ખોટા ઈરાદા સાથે કરીને મુદ્દાને નબળો બનાવે છે. ઉગ્રવાદીઓની ટીકા કરતાં તેમણે જણાવ્યું હતું કે ઈસ્લામ હંમેશા ભયમાં હતો પણ હવે હિન્દુ ધર્મ ભયમાં છે.

