તમારી વાત

Tuesday 15th November 2016 14:18 EST
 

કાળા નાણાં પર મોદીની ‘સર્જિકલ સ્ટ્રાઈક’

આપણા ‘ગુજરાત સમાચાર’ના ૧૨ નવેમ્બરના અંકના પ્રથમ પાને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કાળા નાણાં પર સર્જિકલ સ્ટ્રાઇકના વિસ્તૃત સમાચાર વાંચીને જણાવવાનું કે વડાપ્રધાન મોદીનું આ પગલું સર્વશ્રેષ્ઠ છે. અમો તેમના આ નિર્ણયને હાર્દિક આવકાર આપીએ છીએ. ભારતને સ્વચ્છ બનાવવાનું કાર્ય જોરશોરથી થઈ રહ્યું છે. ગત ૮ નવેમ્બરે ભારતના સાંજના સમયે મોદીએ કરેલા રાષ્ટ્રજોગ પ્રવચનમાં તે રાતથી જ ભારતીય ચલણની રૂપિયા પાંચસો અને હજારની નોટોને નાબૂદ કરવાની જાહેરાત કરીને દેશ અને દુનિયામાં ખળભળાટ મચાવી દીધો હતો. આ સમાચાર મીડિયા અને સોશિયલ વેબસાઈટો દ્વારા ભારત અને વિશ્વમાં તરત જ ફેલાઈ ગયા. વડાપ્રધાન મોદીના આ નિર્ણયથી દેશના કાળાબજારિયા, ભ્રષ્ટ અધિકારીઓ, કર્મચારીઓ અને હવાલાના માંધાતાઓ તથા નકલી ચલણી નોટોના ગુનેગારો રાતોરાત પાયમાલ થઈ ગયા છે. ભલે આ નિર્ણયની જાહેરાત અચાનક થઈ પણ દેશના હિત અને ભલાઈ માટે આ કાર્યને અત્યંત ગુપ્ત રાખવામાં આવ્યું હતું જેના કારણે દેશના સામાન્ય લોકો હાલ ભયભીત થયેલા જણાય છે.
સરકાર દ્વારા હાલ લોકોને કહેવામાં આવી રહ્યું છે કે જેમની પૈસા મહેનતના અને કાયદેસરના પૈસા છે તેમણે સહેજ પણ ગભરાવાની જરૂર નથી. તેમના પૈસા તેમને મળી જ રહેવાના છે. વડાપ્રધાન મોદીએ ખુબજ ભાવુક થઈને લોકોને માત્ર ૫૦ દિવસ કઠણાઈ ભોગવી લેવા વિનંતી કરી છે. દેશ ભ્રષ્ટાચાર મુક્ત બનશે તેમાં કોઈ શંકા નથી

- ભરત સચાણીયા, લંડન

સોનાની લગડી જેવા વિશેષાંક

આ પત્રથી હું આપ સૌને ‘સાલ મુબારક’ પાઠવું છું. પરમકૃપાળુ પરમાત્મા આપ સૌને સારી તંદુરસ્તી આપે અને આપણું પ્રાણપ્યારું ‘ગુજરાત સમાચાર’ અને ‘એશિયન વોઈસ’ ખૂબ પ્રગતિ કરે. સી બી પટેલ તમામ કોમ્યુનિટીના દરેક પ્રસંગમાં તન, મન, ધન અને લાગણીપૂર્વક પોતાના કિંમતી સમયનો ભોગ આપીને સમયનો સદ્ઉપયોગ કરે છે તે માટે તેમને ધન્યવાદ.
તા.૨૨-૧૦-૧૬નું ‘ગુજરાત સમાચાર’ મળ્યું. તેની સાથે દીપાવલિ અને નવા વર્ષની ભેટમાં ગ્લોસી પેપરના બે મેગેઝિન ‘મેડિકલ ટુરિઝમ’ અને ‘કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ’ મળ્યા. ‘કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ’માં યુકેમાં આવેલી સામાજીક અને ધાર્મિક સંસ્થાઓ તથા મંદિરોની વિગતો સાથે દરેક કોમ્યુનિટીના મંદિરોની ફોટા સાથેની રસપ્રદ માહિતી આપી. તે વાંચીને ઘણું જાણવા મળ્યું અને સંતોષ થયો. આ અંક તો ખરેખર સોનાની લગડી જેવો છે એટલે વારંવાર વાંચવાનું મન થાય. આપણા વડીલોએ તો આ અંક સાચવવો જ જોઈએ.
ખાસ તો આપણા સેવાભાવી ગોપાલભાઈ પોપટ અને ઈન્દુબેન મહેતાની જે કદર કરી તે માટે ધન્યવાદ. ભારત તથા અન્ય દેશોમાં ‘એશિયન ફાઉન્ડેશન ફોર હેલ્પ’ તરફથી ગોપાલભાઈ પોપટે ઉમદા સેવા આપી છે. તે બદલ તેમને ધન્યવાદ.
’જીવંત પંથ’માં ‘પહેલું સુખ તે જાતે નર્યા’ વાંચ્યુ. ખૂબ માહિતી જાણવા મળી. સી બી પટેલ આપણને ઘણું ઘણું સમજાવે છે. તેઓ ખૂબ જ્ઞાની, લાગણીશીલ અને સેવાભાવી છે. સબ દુઃખોંકી એક જ દવા. ઈશ્વર સ્મરણ. ખરેખર તેમની શિખામણ સોનેરી છે.

- પ્રભુદાસ પોપટ, હંસલો

‘ગુજરાત સમાચાર’ને ધન્યવાદ

‘કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ’ અંક દ્વારા લંડનના ગુજરાતી સમાજો વિશે ઘણી માહિતી જાણવા મળી. સામાન્ય રીતે દરેક અઠવાડિકો દિવાળી અંકની અગાઉનો અને તેના પછીનો અંક પ્રસિદ્ધ કરતા નથી પરંતુ ‘ગુજરાત સમાચાર’ એ તા. ૨૯-૧૦-૧૬ અને તા. ૫-૧૧-૧૬ના અંકો રેગ્યુલર આપેલા છે તે બદલ ધન્યવાદ.
‘દિલમાં દીવો કરો’ લેખમાં શ્રી ઉમાશંકર જોશીએ સ્પેનિશ લેખકનો ઉલ્લેખ કરેલો તેમજ ‘કેટલાક ગુજરાતી પ્રેમી અંગ્રેજી’નો દીપક મહેતાનો લેખ. આ બન્ને લેખ માહિતીસભર રહ્યા. તે વાંચતા ફાધર વાલેસ યાદ આવ્યા. તેઓ સ્પેનથી અમદાવાદ પાદરી તરીકે આવેલા અને કોલેજમાં પ્રોફેસર તરીકે જોડાયા. ગુજરાતની સામાજીક રહેણીકરણી અને સંસ્કૃતિ જાણવા માટે તેઓ અમદાવાદની પોળોમાં ઘણા લોકોને ત્યાં આઠ દિવસથી એક મહિના સુધી ચાલીમાં, મકાનોમાં કુટુંબ સાથે રહ્યા. સવાયા ગુજરાતી બની ગયા. તેમણે ગુજરાતી ભાષામાં લગભગ ૨૦થી વધારે પુસ્તકો લખેલા છે. ગુજરાતી સાહિત્યનો એવોર્ડ પણ મળેલો છે.

- જે. બી. ચાચા, ડેગનહામ

ઉમદા સમાજસેવા માટે ધન્યવાદ

દિવાળીના શુભ પર્વે ‘કોમ્યુનિટી ઓર્ગેનાઈઝેશન્સ’ અને ‘મેડિકલ ટુરિઝમ – ડેસ્ટિનેશન ઇન્ડિયા’ જેવા મહત્વપૂર્ણ મેગેઝિનોની ભેટ ધરીને માનનીય સી બી પટેલ નવલા વર્ષમાં આપણા જીવનમાં ઉજાસ લાવ્યા છે. સમાજને વિવિધ ક્ષેત્રના જ્ઞાનની લ્હાણી કરીને તેઓ કિંમતી સેવા આપી રહ્યા છે તે બદલ તેમનો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો નથી. હૃદયની ઘેરાઈથી તેમને ધન્યવાદ.
કમલ રાવની સુંદર શૈલીમાં લિખિત "પતિ મારો પરમેશ્વર" દ્વારા કલાબેન રાયચુરાના જીવનદર્શન અને ઉચ્ચ વિચારોની ઝાંખી થઇ. હૈયે સમાજનું હિત હોઈ, પ્રભુએ અર્પેલી લક્ષ્મીનો સમાજના કલ્યાણાર્થે સદ્દઉપયોગ થાય અને એક દિવ્યજીવન જીવીને તેઓ જીવનની સાર્થકતા અનુભવી રહ્યા છે. આવા આદરણીય મહિલા માટે સમાજને ગૌરવ છે. ઈશ્વર કલાબેનને તંદુરસ્તી અને લાંબુ આયુષ્ય બક્ષે તેવી પ્રાર્થના.

- નિરંજન વસંત, સાઉથ લંડન

સદાબહાર દીવાળી વિશેષાંક

'ગુજરાત સમાચાર' દ્વારા પ્રકાશીત કરાયેલ દીવાળી વિશેષાંક મળ્યો. ખરેખર વાંચવાની ખૂબ જ મઝા આવી. દીપાવલિના અંકમાં તમે વાર્તાઅો, વિશેષ માહિતી આપતા લેખો વગેરેનો જે રીતે સમાવેશ કર્યો છે તે જોતા જાણે કે સોનામાં સુગંધ ભરી હોય તેમ લાગ્યું. દીપાવલિ પહેલા પણ આપણા સામાજીક સંગઠનો અને સાંસ્થાઅો તેમજ મેડિકલ ટુરીઝમ વિષે વિસ્તૃત માહિતી આપતા બે વિશેષાંક પણ અમને મળ્યા. આ બધી વાચન સામગ્રી વાચતા વાચતા અમારી દીવાળી સુધરી ગઇ.

- પંકજ ચાવલા, હંસલો

પેપર સાથે દીવાળી અંકની મઝા

નિયમીત રીતે મળતા 'ગુજરાત સમાચાર – એશિયન વોઇસ'ના અંકો સાથે દીવાળી અંક કોઇ જ જાતની રજા વગર મળ્યા. વાંચીને ઘણો જ આનંદ થયો. બીજા બધા પ્રકાશનો પણ દીવાલી અંક પ્રકાશીત કરે છે. પરંતુ દીવાળી અંકના બહાને તેઅો પોતાના રાબેતા મુજબના બે ત્રણ અંકો બંધ રાખે છે. જ્યારે 'ગુજરાત સમાચાર'એ આ વખતે મનોરમ્ય દીવાળી અંકની ભેટ આપવા સાથે કોઇ પણ પ્રકારની રજા વગર અમારા વાચક મિત્રોની વાચન ભુખને પણ સંતોષી. 'ગુજરાત સમાચાર' દ્વારા બહાર પાડવામાં અવેલ દીવાલી અંકની વાચન સામગ્રી ખરેખર રસપ્રદ જણાઇ. વિજયભાઇ અને ભીખુભાઇની સખાવતો, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને તેમની મુલાકાત, કેન્યાના વૈશાલીબેન શાહની સજ્જડ કામગીરી, કમ્પાલા સ્કૂલ અંગેનો લેખ, બાળકો દ્વારા લખાયેલ દીવાલી અંગેના લેખો, પૂ. રામબાપાનો લેખ સહિત વિવિધ લેખો અને વાર્તાઅો વાંચવાની ખૂબજ મઝા આવી.
'ગુજરાત સમાચાર' દ્વારા ટેલિફોનની ડિરેક્ટરી જેવો વિશેષાંક બનાવવાના બદલે માહિતી આપતો રસપ્રદ અંક બનાવાયો છે. હંમેશા ઉપયોગી બને અને સંગ્રહ કરવા જેવો વિશેષાંક બનાવાયો તે બદલ અભિનંદન.

- જશવંત શાહ, લંડન


comments powered by Disqus