ઢાકાઃ ફ્લોટિંગ એટલે કે તરતી હોટેલમાં રોકાણ કરવા માટે આમ તો ઊંચા દામ આપવા પડે છે, પરંતુ બાંગ્લાદેશમાં પાણીમાં તરતી એક હોટેલમાં ૩૦ રૂપિયા કરતાં પણ ઓછી કિંમતમાં રહેવા મળે છે. આ સાથે જ ૬૦ વર્ષ જૂની ફ્લોટિંગ હોટેલ દુનિયાની સૌથી સસ્તી હોટેલ માનવામાં આવે છે. આ હોટેલમાં કેટલાક ગ્રાહકો તો એવા પણ છે કે જે છેલ્લા ૪૦ વર્ષથી રાતવાસો કરે છે. તરતી હોટેલમાં આટલું સસ્તું ભાડું હોવાનું રહસ્ય એ છે કે જૂનીપુરાણી હોવાથી તેમાં ખાસ ભૌતિક સુવિધાઓ નથી. ફ્લોટિંગ હોટેલમાં ટીવી કે ડાઈનિંગ એરિયા પણ નથી. લોકોએ સવારમાં મોં સાફ કરવું હોય ત્યારે સીધું નદીનું પાણી લઈ લે છે.
કસ્ટમરને બસ લોકર જેવું એક ખાનું આપવામાં આવે છે જેમાં પોતાની કિંમતી અને જરૂરિયાતની વસ્તુઓ રાખી શકે છે. ભોજન માટે આજુબાજુના રેસ્ટોરાં શોધવા જવું પડે છે. બુરી ગંગા નદીમાં તરતી આ ફ્લોટિંગ હોટેલ ઢાકામાં વેપાર-ધંધા માટે ઓવરટાઈમ કરતાં લોકો માટે મોટો આશરો બને છે.
આ ઉપરાંત ફ્લોટિંગ હોટેલમાં એક કરતા વધારે લોકો સાથે બેડ શેર કરવામાં આવે છે. એક બેડશીટ પર ૧૭ લોકોએ રહેવું પડે છે. પાંચ મોટી હોડીઓ ભેગી કરીને વિશેષ ટેકનિકથી આ ફ્લોટિંગ હોટેલ તૈયાર કરવામાં આવી છે. આ ફ્લોટિંગ હોટેલનું નામ ફરિદપુર હોટેલ છે. સૌથી મોટા અને મોંઘા ઓરડાનું ભાડું ૩૦ રૂપિયા છે. હોટેલના માલિકના જણાવ્યા અનુસાર આ રૂમમાં પ્રાઈવેટ કેબિન અને બેડની સગવડ હોવાથી મોંઘો છે. આ ફ્લોટિંગ હોટેલવાળાએ ૩ મહિનાથી વધુ સમય કોઈ રોકાઈ ના શકે એવો નિયમ બનાવ્યો છે જેથી કરીને સસ્તા ભાડાનો લાંબા સમય સુધી લાભ ખાટી ના શકે.

