રાજકોટઃ ગ્રેટર માંચેસ્ટરના બોલ્ટનના ટીનેજ ક્રિકેટર હસીબ હમીદે કારકિર્દીની પ્રથમ જ ટેસ્ટમાં ઝમકદાર દેખાવ કરીને ક્રિકેટચાહકોના દિલ જીતી લીધા છે. દક્ષિણ ગુજરાતમાં સુરત નજીક આવેલા ઉમરાજનો મૂળ વતની એવો હસીબ ભારત સામેની પહેલી મેચમાં એલિસ્ટર કૂક સાથે ઓપનીંગમાં ઉતર્યો હતો. પ્રથમ ઇનિંગમાં ૩૧ રન કરનાર હસીબે બીજી ઇનિંગમાં ૮૨ રન ફટકાર્યા હતા. આ સાથે જ હસીબ ૧૯ વર્ષની વયે ટેસ્ટમાં અડધી સદી ફટકારનાર ત્રીજો ઇંગ્લિશ ક્રિકેટર બન્યો હતો.
લેન્કેશાયરની ટીમ માટે રમી રહેલા આ પ્રતિભાશાળી જમણેરી બેટ્સમેન તેની પ્રતિભા દેખાડવા માટે બસ એક તકની રાહ જોઇ રહ્યો હતો. આ તક તેને રાજકોટમાં મળી ગઇ હતી. ભારત-ઈંગ્લેન્ડ પ્રથમ ટેસ્ટ તો ડ્રો રહી હતી, પરંતુ હસીબ હમીદ સમાચારોમાં છવાઇ ગયો હતો.
ઈંગ્લેન્ડે પ્રથમ દાવમાં ૫૩૭ રન કર્યા હતા. જવાબમાં ભારતનો પ્રથમ દાવ ૪૮૮ રનમાં સમેટાઇ જતાં મહેમાન ટીમને ૪૯ રનની લીડ મળી હતી. આ પછી ઈંગ્લેન્ડે ૩ વિકેટે ૨૬૦ રન કરીને દાવ ડિકલેર કર્યો હતો અને મેચ જીતવા માટે ૨૯૭ રનનો પડકાર આપ્યો હતો. એક તબક્કે ભારતની ૭૪ રનમાં ચાર વિકેટ પડી ગઇ હતી. બાદમાં વિરાટ કોહલીએ વિકેટનો એક છેડો સંભાળ્યો હતો અને મેચને ડ્રોમાં ખેંચી ગયો હતો.
કૂક-હમીદે ૩૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો
કેપ્ટન એલિસ્ટર કૂક તથા યુવા ઓપનિંગ બેટ્સમેન હસીબ હમીદે ભારત સામે રાજકોટ ટેસ્ટ મેચમાં પહેલી વિકેટ માટે ૧૮૦ રન જોડીને ઇંગ્લેન્ડ તરફથી ભારતમાં પ્રથમ વિકેટ માટે સૌથી મોટી ભાગીદારીનો ૩૧ વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો હતો. કૂક તથા હમીદે રવિવારે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ્સમાં પહેલી વિકેટ માટે ૧૮૦ રનની ભાગીદારી કરતા તે ઇંગ્લેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં ભારતમાં પહેલી વિકેટ માટે સૌથી મોટી ભાગીદારી બની હતી. તેમણે ગ્રીમ ફ્લાવર તથા ટીમ રોબિન્સન દ્વારા ચેન્નઈમાં જાન્યુઆરી ૧૯૮૫માં પહેલી વિકેટ માટે નોંધાવવામાં આવેલી ૧૭૮ રનની ભાગીદારીનો રેકોર્ડ તોડ્યો હતો.
આ સાથે જ કૂકે પ્રથમ મેચમાં સદી ફટકારીને ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ મહાન બેટ્સમેન ડોન બ્રેડમેનને પાછળ રાખ્યા હતા. કૂકે ટેસ્ટ મેચમાં પોતાની ૩૦મી સદી નોંધાવી હતી જ્યારે બ્રેડમેનના નામે ૨૯ ટેસ્ટ સદી નોંધાઈ છે.
હસીબ ત્રીજો ઈંગ્લિશ ક્રિકેટર
ભારત સામેની રાજકોટ ટેસ્ટમાં હસીબ હમીદે ૮૨ રન ફટકાર્યા હતા. આ સાથે તે ઈંગ્લેન્ડના ક્રિકેટ ઈતિહાસનો એવો ત્રીજો ટીનેજ બેટ્સમેન બન્યો છે જેણે માત્ર ૧૯ વર્ષની ઉંમરે ટેસ્ટમાં અડધી સદી ફટકારી હોય. આ યાદીમાં પહેલા ક્રમે ડેનિસ કોમ્પ્ટન છે, જેમણે ઓગસ્ટ ૧૯૩૭માં ન્યૂ ઝિલેન્ડ સામેની ઓવલ ટેસ્ટમાં ૬૫ રન ફટકાર્યા હતા. આ સમયે તેની ઉંમર ૧૯ વર્ષ અને ૮૩ દિવસની હતી. આ યાદીમાં બીજું સ્થાન જેક ક્રોફર્ડને મળ્યું છે, જેણે માર્ચ ૧૯૦૬ની સાઉથ આફ્રિકા સામેની કેપટાઉન ટેસ્ટમાં ૭૪ રન ફટકાર્યા ત્યારે તેની ઉંમર ૧૯ વર્ષ અને ૧૧૯ દિવસ હતી. હમીદે રાજકોટમાં અડધી સદી પૂરી કરી ત્યારે ઉંમર ૧૯ વર્ષ ૨૯૭ દિવસ હતી.
કોહલી હિટ વિકેટ આઉટ
ઈંગ્લેન્ડના સ્પિનર રાશિદની બોલિંગનો સામનો કરી રહેલા કેપ્ટન કોહલીનો પગ સ્ટમ્પની સાથે ટકરાઈ જતાં એક બેઈલ નીચે પડી ગઈ હતી અને તે હિટ વિકેટ આઉટ થયો હતો. આ સાથે તે ભારતીય ટેસ્ટ ઈતિહાસનો બીજો એવો કેપ્ટન બન્યો છે, જે હિટ વિકેટ આઉટ થયો હોય. ૧૯૪૯માં લાલા અમરનાથ ભારતીય ટીમના કેપ્ટન હતા ત્યારે વિન્ડિઝ સામેની ચેન્નાઈ ટેસ્ટમાં હિટ વિકેટ થયા હતા.
પહેલા તો વિકેટકિપર કે અન્ય ફિલ્ડરો કે ખુદ કોહલીને પણ આ ખબર નહોતી. જોકે નીચે પડેલી બેઇલ પર વિકેટકિપરની નજર પડ્યા બાદ ઈંગ્લેન્ડના ખેલાડી ગેલમાં આવીને ઉજવણી કરવા લાગ્યા હતા. ૨૨૩ર ટેસ્ટના ઈતિહાસમાં કોહલી ૨૨મો બેટ્સમેન બન્યો છે, જે હિટ વિકેટ આઉટ થયો હોય.
પૂજારા અને વિજયની સદી
હોમ ગ્રાઉન્ડ પર રમી રહેલા રાજકોટના ચેતેશ્વર પૂજારા અને મુરલી વિજયે નોંધાવેલી શાનદાર સદીની મદદથી ભારતે પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડના જંગી સ્કોરનો જવાબ આપ્યો હતો. ટેસ્ટમાં મુરલીની આ સાતમી સદી હતી. તેણે સતત ૧૬ ઇનિંગ્સ બાદ પ્રથમ અને ઇંગ્લેન્ડ સામે બીજી સદી ફટકારી હતી. તેણે પૂજારા સાથે ૨૦૯ રનની ભાગીદારી પણ કરી હતી. મુરલીએ સ્પિનર્સ સામે ફૂટવર્કનો શાનદાર ઉપયોગ કરીને ૧૨૬ રન કર્યા હતા. તો સ્થાનિક ક્રિકેટર પૂજારાએ ૧૨૪ રન કર્યા હતા. પૂજારાએ ઇનિંગ્સમાં ૨૦૬ બોલનો સામનો કરીને ૧૭ બાઉન્ડ્રી ફટકારી હતી. પૂજારાની ટેસ્ટ કારકિર્દીની આ નવમી તથા ઇંગ્લેન્ડ સામે આ ત્રીજી સદી છે.
પૂજારાને લાઇફલાઇન, પરિવાર ખુશ
ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ શ્રેણીમાં અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ) અમલમાં મૂકવાનો લાભ ભારતને રાજકોટ ટેસ્ટના ત્રીજા દિવસે મળ્યા હતો. આ પ્રણાલીના કારણે ચેતેશ્વર પૂજારા આઉટ થતા બચી ગયો હતો. પૂજારા ૮૬ રનના સ્કોરે રમી રહ્યો હતો ત્યારે અમ્પાયરે તેને ઝફર અન્સારીની બોલિંગમાં એલબીડબ્લ્યૂ આઉટ જાહેર કર્યો હતો. જોકે રેફરલની મદદથી સ્થાનિક હીરોને લાઇફલાઇન મળી ગઈ હતી. આ નિર્ણયના કારણે સમગ્ર સ્ટેડિયમ તાળીઓથી ગુંજી ઉઠ્યું હતું. પૂજારાના પરિવારજનો ખાસ કરીને પત્ની પૂજા, પિતા અરવિંદ પૂજારા અને કોચ પણ ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. પૂજારાએ આ નિર્ણયનો લાભ ઉઠાવીને સદી પૂરી કરી હતી અને ટેસ્ટ ક્રિકેટમાં તેની નવમી સદી હતી.

