કેનેડાઃ તમે કોઇની મદદ ઇચ્છતા હો તો વધુ સારું એ રહેશે કે રૂબરૂ મળો ને વાત કરો. ઇમેલ પાઠવીને મદદ માટે વિનંતી કરતી યુવા પેઢી માટે આ જાણવા જેવા સમાચાર છે. સંશોધકોનું કહેવું છે કે ટેક્નોલોજી યુગમાં ઇમેલની સગવડ એકદમ હાથવગી હોવાથી યુવાનો તેનાથી આકર્ષાઇ જાય છે. પરંતુ જો નોકરી જોઈતી હોય કે પગારવધારો જોઈતો હોય તો ઇમેલ કર્યે કંઇ નહીં વળે. આ માટે તો રૂબરૂ મળવું પડે. ઇમેલ સરળતાથી તો મોકલી શકાય છે, પણ તે ઇચ્છિત પરિણામ આપે તેવી શક્યતા ઓછી હોય છે.
કેનેડાની વોટરલૂ યુનિવર્સિટીના સંશોધકોના સર્વે પ્રમાણે રૂબરૂ વિનંતી કરવાથી સફળતા મળવાની શક્યતા ૭૨ ટકા રહે છે જ્યારે ઇમેલ મોકલતાં સફળતા મળવાની શક્યતા માત્ર બે ટકા જ રહે છે. હા, કોઈ કામ માટે રૂબરૂ મળવાની જૂની ફેશન વધુ સફળતા અપાવે છે. રૂબરૂ મળીને વાત કરવાથી થતા લાભથી અજાણ ૧૮થી ૨૨ વર્ષના યુવાનો ઇમેલની અસરકારકતા વિશે કદાચ વધુ પડતો જ અંદાજ લગાવીને બેઠા હોય છે. હકીકત એ છે કે તમે કોઈની સામે બેઠા હો છો ત્યારે તેના માટે ના કહેવાનું મુશ્કેલ બની જતું હોય છે. મતલબ કે સામેવાળાને આંખની શરમ નડે છે જ્યારે સ્ક્રીન પર મળેલા સંદેશાને તે સરળતા નકારી દે છે. આમ ઇમેલની પોતીકી મર્યાદા છે. તેના થકી બધા કામ ના થઈ શકે. વ્યક્તિગત સંવાદથી જ વધુ સફળતા મળી શકે.

