મુંબઈઃ ભારતમાં કોર્પોરેટ હોસ્પિટલ્સના બિઝનેસમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. કોર્પોરેટ હોસ્પિટલ્સમાં વધુને વધુ વિદેશીઓ મેડિકલ ટ્રિટમેન્ટ માટે આવી રહ્યા છે. પરિણામે મેડિકલ ટૂરિઝમ હબ તરીકે ભારતની ઇમેજનો વ્યાપ વધી રહ્યો છે. વિદેશોમાંથી ટ્રિટમેન્ટ માટે ભારત આવતા પેશન્ટસની સંખ્યામાં દર વર્ષે ૨૩થી ૨૫ ટકાનો વધારો થઈ રહ્યો છે.
કન્ફેડરેશન ઓફ ઇંડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) અને ગ્રાન્ટ થોર્ટનના રિપોર્ટ મુજબ વર્ષ ૨૦૧૫માં ભારતમાં મેડિકલ ટૂરિઝમની માર્કેટ ૩ બિલિયન ડોલર જેટલી હતી. એ વર્ષ ૨૦૨૦ સુધીમાં વધીને ૭થી ૮ બિલિયન ડોલર જેટલી થવાનો અંદાજ છે. થાઈલેન્ડ બાદ ભારતમાં બીજા નંબરે સૌથી મોટી એક્રિડિટેડ ફેસિલિટી છે. જે પેશન્ટોને લાંબા ગાળા માટે ટ્રિટમેન્ટની જરૂર હોય છે તેઓ તબીબી કૌશલ્ય અને વાજબી સારવાર ખર્ચના કારણે થાઈલેન્ડના બદલે ભારત આવવાનું વધારે પસંદ કરે છે.
૨૦૧૫-૧૬માં એપોલો ગ્રૂપની હોસ્પિટલોએ ૧.૫૦ લાખ વિદેશી પેશન્ટોને ટ્રિટમેન્ટ
આપી હતી. આ વર્ષે દર્દીઓની સંખ્યામાં ૨૫ ટકાનો વધારો થવાનો અંદાજ છે. એપોલો ગ્રૂપની હોસ્પિટલોમાં ૧૨૫ કરતાં વધુ દેશોમાંથી પેશન્ટો ટ્રિટમેન્ટ માટે આવે છે. જોકે, મોટા ભાગના દર્દીઓ આફ્રિકા, ગલ્ફ સહિતના દેશોમાંથી આવે છે. આ પેશન્ટો મુખ્યત્વે હાર્ટ, કેન્સર, લિવર, એચઆઈવીની ટ્રિટમેન્ટ માટે આવે છે. આ ઉપરાંત ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટ માટે પણ પેશન્ટો આવે છે.
ફોર્ટિસ હોસ્પિટલે ગયા વર્ષે ૧૭,૦૦૦ વિદેશી પેશન્ટોની ટ્રિટમેન્ટ કરી હતી. આ વર્ષે દર્દીઓની સંખ્યામાં ૩૫ ટકાનો વધારો થવાની અપેક્ષા છે. મેડિકલ ટૂરિઝમમાં હજી વધારો થઈ શકે એમ છે. આ માટે ફોલો-અપ ટ્રિટમેન્ટ માટે મલ્ટિપલ એન્ટ્રી મેડિકલ વિઝાની પ્રક્રિયા સરળ બનાવવી જોઈએ. પેશન્ટો માટે મની ટ્રાન્સફરની પ્રક્રિયા પણ સરળ બનાવવી જોઈએ.

