મુંબઈઃ સરકારે મુકેશ અંબાણી ગ્રૂપની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝને ૧.૫૫ બિલિયન ડોલર એટલે કે ૧૦૩ બિલિયન રૂપિયાની પેનલ્ટી માટે નોટિસ ઇશ્યૂ કરી છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે કેજી બેસિનમાં જાહેર ક્ષેત્રની કંપની ઓએનજીસીના ફિલ્ડમાંથી ગેસ લઈ લીધો હતો એ બદલ આ પેનલ્ટી લગાવવામાં આવી છે. પેટ્રોલિયમ મંત્રાલયે ૧.૫૫ બિલિયન ડોલરના વળતર માટે નોટિસ ઇશ્યૂ કરી છે. આ નોટિસનો જવાબ આપવા માટે સરકારે કંપનીને ૩૦ દિવસનો સમય આપ્યો છે. રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે ૧ એપ્રિલ ૨૦૦૯થી ૩૧ માર્ચ ૨૦૧૫ દરમિયાન સાત વર્ષના સમયગાળામાં ઓએનજીસીના બ્લોકમાંથી ૧૧ બિલિયન ક્યુબિક મીટર કરતાં વધુ ગેસ લીધો હોવાનો આરોપ છે. વર્તમાન બજાર ભાવ મુજબ આ ગેસનું મૂલ્ય ૧૧,૦૦૦ કરોડ રૂપિયા થાય છે.

