તખતો તૈયાર થઈ રહ્યો હતો! આ કામ જરીકેય સહેલું નહોતું પણ જાપાન વિશે એક લોકોકિત હતી તે સાચી પાડવાને જાણે કે આ અફસરોએ, રાજદૂતોએ, સમ્રાટના સર્વશ્રેષ્ઠ પ્રતિનિધિઓએ કસમ ખાધા હતાઃ ‘એક જાપાની જ્યારે તન-મનથી સંકલ્પિત બને ત્યારે શૈલશિખરેથી સફળતા તેનું વરણ કરવા તત્પર થઈ જાય છે...’
કોઈ પણ ભોગે, ભારતના તેજ નક્ષત્ર ચંદ્ર બોઝને બચાવવા હતા, તેનાં ભારત-મુક્તિ મિશનને આગળ ધપાવવા માટે રસ્તો બનાવવાનો હતો.
સાવ નવો રસ્તો.
મુશ્કેલ છતાં અનિવાર્ય રસ્તો.
પણ કઈ રીતે?
બીજાં વિશ્વયુદ્ધમાં જર્મની-જાપાન યુદ્ધના મેદાનમાં કંઈ બાળ-ખેલ માટે ઉતર્યા નહોતા.
સામે બળવાન શત્રુ હતા. એક નહીં, બે નહીં, અનેક. તમામની પાસે શસ્ત્રો હતાં, સેનાપતિઓ હતા, ભારતથી આફ્રિકા સુધીના ‘ગુલામ’ બનાવાયેલા દેશોના કુશળ સૈનિકો હતા જે મરણિયા થઈને વિજય હાંસલ કરવા માટે ખ્યાત હતા. તેમની પાસે રણરચના હતી. અણુશસ્ત્રો હતાં, મિસાઇલ્સ હતાં, યુદ્ધ ટેન્કો હતી, ભરપૂર દારૂગોળો હતો. ખતરનાક હિકમત ધરાવનારી ગુપ્તચર સંગઠનાઓ હતી. અને, દેશને સાહસ-હિંમત પૂરી પાડનારું નેતૃત્વ હતુંઃ ચર્ચિલથી માંડીને રુઝવેલ્ટ સુધીના અડીખમ મહારાથીઓ! એમાં ઉમેરાયો હતો જોસેફ સ્તાલિન.
જાપાન-જર્મનીને આ ‘તાકાત’ને પરાસ્ત કરવા માટે સજ્જ થવાનું હતું. છેલ્લાં ઘણાં વર્ષોથી તેની તૈયારી હતી. એડોલ્ફ હિટલરે જર્મનીમાં અરાજકતાનો શિકાર બનેલી રાજનીતિને હડસેલીને નવી શક્તિ સર્જી હતી. ‘અમારી પ્રજા શ્રેષ્ઠ જ નથી, સર્વશ્રેષ્ઠ છે’ એવો રણકાર કરીને તેમણે વિશ્વફલક પર પોતાનો ધ્વજ ફરકાવવાની ઘોષણા કરી દીધી. જાપાન-સમ્રાટે પણ બ્રિટિશ - અમેરિકી સામ્રાજ્યવાદને પડકારવા માટેની તૈયારી કરી લીધી.
તે પછી યુદ્ધનો આરંભ થયો... દુનિયા ખળભળી ઊઠી. બ્રિટિશ સત્તાના સામ્રાજ્યવાદી સૂર્યની આસપાસ કાળાંડિબાંગ વાદળાં ઘેરાતાં થયાં. જાપાનના છેલ્લી ઘડી સુધી લડનારા સૈનિકની શક્તિની ઓળખ વધુ ઉજાગર થઈ.
ફ્રાન્સ - ઇંગ્લેન્ડ - અમેરિકાને એક બીજો રસ હતો, જાપાનના યુદ્ધ - સાધનોની જાણકારીનો.
સિક્રેટ યુનિટ ૭૩૧.
આ એક અત્યંત મહત્ત્વની સિદ્ધિ જાપાની રણનીતિકારોની પાસે હતી.
સમ્રાટ, જનરલ તોજો અને બીજા થોડાક સર્વોચ્ચ અફસરો પાસે જ તેની જાણકારી હતી. ફ્રાન્સના રણસેના નાયકોને ‘ગમે તે ભોગે’ જાપાન પાસેથી તે મેળવી લેવાની ખ્વાહિશ હતી. તેને માટે ગુપ્તચર તંત્ર આખું કામ લાગ્યું, નાણાં વેરાયાં, નાગરિકો ખરીદવાનો પ્રયાસ થયો, માહિતગારોની યાદી તૈયાર કરાઈ.
સિક્રેટ યુનિટ ૭૩૧.
‘બાયોલોજીકલ એન્ડ કેમિકલ વોરફેર’નાં સફળ સંશોધનનું આ રહસ્ય જાપાનની મુઠ્ઠીમાં હતું.
કેમ્પેઇતાઇનાં બંધ બારણામાં તે રહસ્ય સલામત હતું. દુનિયાને - મિત્ર દેશોને - વિશ્વયુદ્ધમાં ભારે જોખમી સાબિત થાય તેવું હતું.
અમેરિકાએ તો તેને મેળવી લેવા માટે એક સમર્થ વિભાગ ખોલ્યો હતો. તેમાં અફસરો - ગુપ્તચરો - વૈજ્ઞાનિકો - સંશોધકો રાતદિવસ તેની જહેમત કરતા હતા.
સોવિયેત દેશને ય તેની પ્રાપ્તિ કરવી હતી.
વિશ્વયુદ્ધ દરમિયાન તો તેમાં રશિયા - અમેરિકાને સફળતા મળી જ નહીં. પણ જાપાનની શરણાગતિ સમયે આ યુનિટ-૭૩૧ મુખ્ય વિષય બની ગયો.
તેરાઉચી, જનરલ તોજો, શિદેઈ અને બીજા બંધબારણે મળ્યા. લેફટનન્ટ જનરલ શિનો ઇશિ આ યુનિટનો મુખ્ય અફસર હતો. શિનોને જ પકડી લઈ જઈને રહસ્ય મેળવવાને માટે કેવા કેવા પ્રયાસો થયા હતા!
જાપાની સૈનિકી વડાઓ અને લેફટનન્ટ જનરલ શિનોની ગુપ્ત બેઠક થઈ. શરણાગતિના ગમગીન દિવસોમાં બ્રિટિશ સેનાપતિ મેક આર્થરનો સંદેશો પણ આવ્યો કે શિનો અને તેના સાથીદારોની મોટી ટીમ - આ સિક્રેટ સાથે - અમને મળે તો અમે તેમને ક્ષમાદાન આપવા તૈયાર છીએ.
દરખાસ્ત લોભામણી હતી.
મહત્ત્વના વૈજ્ઞાનિકો - સંશોધકો - સેનાપતિઓ જો સિક્રેટ ૭૩૧નું રહસ્ય બ્રિટિશરોને સુપરત કરી દે તો ઘણાની જિંદગી બચી જાય તેમ હતું.
ઓગસ્ટની ૧૭મીએ સુભાષને લઈ જતાં બોંબર ફ્લાઇટની સાઇગોનથી ટોકિયો જવાની ઘટનાએ સમગ્ર નકશો ફેરવી નાખ્યો. ટોકિયો જતાં પૂર્વે આ બોંબવર્ષક વિમાન ટોરેનમાં રોકાયું. સા-વ અચાનક આ વિરામ હતો. કોઈને ય ખબર નહોતી કે આ રોકાણ કેમ કરાયું?
પણ... તે પેલા સાહસિક અને નિર્ણાયક તખતાની તૈયારીનો પ્રથમ દાવ હતો!
આ તોરેન - વિયેતનામ યુદ્ધનું સૌથી જાણીતું સ્થાન, પછીથી તેને ‘દનાંગ’ કહેવાયું, ત્યાં વિમાનમાંથી કેટલાંક વજનદાર વસ્તુઓને ખાલી કરાવાશે એમ જણાવાયું, જે કેમ્પેઇતાઇના કબજામાં હતી. બોઝની આઇએનએની તે સંપત્તિ હતી.
૧૮ ઓગસ્ટની સવારે તાઇહોકુ જવા માટે આ વિમાન ઊડ્યું. ત્યાં કેમ્પેઇતાઈ નૌસેના ગુપ્તચરનું વડું મથક હતું. બપોરે વિમાન ઉતર્યું. બળતણ લીધું અને ઊડ્યું... અને દુનિયાને જણાવવામાં આવ્યું કે તેને અકસ્માત નડ્યો, ભસ્મીભૂત થયું તેમાં બોઝ અને બીજા જાપાની અફસરો હતા, બધા માર્યા ગયા.
આ ‘કહાણી’ના નેપથ્યે જહાજ અને વ્યૂહરચના બન્નેની ગતિ સાવ અલગ જ હતી.
જાપાને નક્કી કર્યું કે રશિયાને એ શરતે યુનિટ-૭૩૧નું રહસ્ય સુપરત કરવું જેમાં નેતાજી સુભાષચંદ્ર બોઝને રશિયન શરણાગતિ અપાય અને તેમનો ભારતીય સ્વતંત્રતા પ્રાપ્ત કરવાનો મોરચો ચાલુ રાખવા દેવામાં આવે.
દારેન, મંચુરિયાનું મથક.... ત્યાં પહોંચ્યું વિમાન.
દારેનમાં મંત્રણા અને નેતાજીનો સ્વીકાર, એવી બેવડી ભૂમિકાનો તખતો રચાઈ ગયો હતો.
૧૮ ઓગસ્ટ, ૧૯૪૫ના પ્રભાતે બોઝ-શિદેઈ દારેનના વિમાની મથકે ઊતર્યા ત્યારે નગરના દરવાજે માર્શલ ઝુકોવ હાજર હતા!
માત્ર ઝુકોવ નહીં,
‘સ્મેર્શ’ પણ ખરું!
આ SMERSH એટલે સોવિયેત સેનાની મિલિટી સિક્રેટ સર્વિસ.
કેમ્પેઇતાઈ
અને સ્મેર્શ.
વિશ્વની બે મોટી જાસૂસી સંસ્થાઓની મુલાકાત થવાની ઘટના પોતે જ ઐતિહાસિક હતી.
ઐતિહાસિક એટલા માટે કે અહીં જાપાનીઝ શરણાગતિનો મંચ તૈયાર હતો. યુદ્ધમાં લડેલા સૈનિકોએ આશ્રયની સંમતિના ધ્વજને ફરકાવવાનો હતો.
•
પરંતુ, આ તો હતું જાપાન! ભગ્નહૃદયે શરણાગતિના પડછાયે સ્વાભિમાન અને શૌર્યને કોઈ ખંડિત કરી શકે તેમ નહોતું. જાપાની સમ્રાટે છેલ્લો શબ્દ પોતાના પ્રિય દેશવાસીઓ માટે ઉચ્ચાર્યો હતોઃ Oriental... આપણે પૂર્વના નિવાસી, પશ્ચિમની પાંગળી સભ્યતાથી દૂ...ર, એક અમર-અજર દુનિયાના રહેવાસી! જેવી માતબર જિંદગી એવો જ વૈભવી અંત! અરે, સંવેદનશીલ સર્જકો - કળાકારો અહીં ‘હારાકીરી’ કરીને મૃત્યુનું સ્વાગત કરે છે...
જાપાનને કોણ જીતી શકે?
અમેરિકાનો ભીષણ અણુબોમ્બ? શસ્ત્રો? દારુગોળો? વિઘાતક બોમ્બવર્ષા? ભેદી રાજનીતિ?
કશું જ નહીં. હારમાં પણ જીતના દરેક વળાંકોનો અહીં અંદાજ હતો.
એટલે અમેરિકા - બ્રિટન - રશિયા - ફ્રાન્સ સમક્ષની શરણાગતિની વિષમ ઘડીએ પણ જાપાન પોતાની ગૌરવપ્રીતિને વિસર્યું નહીં... એક તેજ નક્ષત્રને તેણે - જાણે કે પોતાના જ પ્રતિનિધિ તરીકે - ગણીને સ્વાતંત્ર્ય યુદ્ધના નવા મોરચા તરફની યાત્રામાં પૂરી મદદ કરી.
તે નેતાજી સુભાષચંદ્ર બોઝ.
બ્રિટિશરોના હાથે તેને યુદ્ધકેદી બનાવીને મરવા ન દેવાય.
એટલે નક્કી થયું કે
કેમ્પેઇતાઈ.
બ્લેક ડ્રેગન.
ગોલ્ડન લીલિ.
બીએનએ
સિક્રેટ યુનિટ ૭૩૧ના વૈજ્ઞાનિકો.
લૂફતવેફ્ફે
સ્મેર્શ...
જાપાન અને બ્રિટિશવિરોધી દેશોની આ સૈનિકી શક્તિના મહારથીઓ એકઠા થયા અને રશિયા તરફ નજર દોડાવી. રશિયન હસ્તગત થયેલાં મંચુરિયામાં જાપાનીઝ કવાંતુંગ આર્મીએ શરણાગતિ લેવાની હતી. અરસપરસ પત્રો તૈયાર થઈ ગયા હતા. એ પહેલાં યુદ્ધની તબાહી બધાએ ભોગવી હતી. મંચુરિયા પરનાં રશિયન આક્રમણમાં ખુવારીનો પાર નહોતો. યુદ્ધના મેદાનમાં ૮૦,૦૦૦ જાપાનીઝ હણાયા, ૧૨,૦૦૦ રશિયન સૈનિકો મોતને ભેટ્યા હતા. એટમ બોંબ કરતાં યે પરાજયની પરિસ્થિતિ નજીક લાવવામાં રશિયનોનું બ્લિત્ઝર્કિગ પરનું આક્રમણ વધુ સફળ નીવડ્યું. હવે જાપાની સૈનાએ શરણાગતિ સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નહોતો.
શું આવા સંજોગોમાં બોઝ જાપાન - રશિયાની વચ્ચેની તંગદિલી હળવી કરવામાં ઉપયોગી થઈ શકે?
જાપાનના વ્યૂહરચનાકારો માટે આ આશાકિરણ હતું અને ખુદ બોઝ પણ બ્રિટિશ-અમેરિકનોના યુદ્ધ અપરાધી થવાને બદલે રશિયા તરફ જવા માગતા હતા. નેતાજીનો રશિયા સાથેનો સંપર્ક વારંવાર થયો હતો. જર્મની - જાપાન જવાને બદલે, ૧૯૪૩માં જ તેમની ઇચ્છા એવી હતી કે ભારતીય સ્વાતંત્ર્ય માટે રશિયાની રણભૂમિને પસંદ કરવી. આવું અગાઉ બન્યું હતું અને વીરેન્દ્રનાથ ચટ્ટોપાધ્યાય તેમજ અવની મુખરજીએ રશિયાનો જોખમી પ્રવાસ ખેડ્યો હતો. માનવેન્દ્રનાથ રાય તો સામ્યવાદી પક્ષના ચીનમાં સ્થાપકોમાંના એક હતા. લેનિનને સૌ મળ્યા તો ખરા, પણ બિરાદરોને ‘રાષ્ટ્રવાદ’ નહીં, ‘સામ્યવાદ’નો ધ્વજ ફરકાવવાની લાલસા હતી. કાબુલથી સુભાષે રશિયન દૂતાવાસનો સંપર્ક કર્યા પછી નિષ્ફળતા મળી એટલે જર્મનીનો રસ્તો પકડ્યો.
નેતાજીની દૃઢ માન્યતા હતી કે રશિયા કે જર્મની કે જાપાન કે ચીન - બધા કટ્ટર બ્રિટિશ-શત્રુ હતા. જોસેફ સ્તાલિને બીજા વિશ્વયુદ્ધમાં ભલે આ ‘મિત્ર દેશો’ની સાથે રહીને જાપાન-જર્મની સામે યુદ્ધમાં ભાગ લીધો હોય, પણ બ્રિટન-અમેરિકા રશિયાને માટે કુદરતી મિત્રો બની ન શકે એ નેતાજી જાણતા હતા અને જાપાન પણ!
એટલે આ મોરચો ખોલાયો.
૩૦ જૂન, ૧૯૪૫ના તેની પ્રથમ વ્યૂહરચના તરીકે જનરલ શિદેઈને બર્માથી વળી પાછા ક્યાંગતુંગ, મંચુરિયાની જવાબદારી સોંપવામાં આવી. ક્વાંગતુંગ આર્મી તેને માટે જરીકેય અજાણી નહોતી... અહીં આવીને તેણે પૂરી તપાસ કરી લીધી, પછી ટોકિયો અને તાઇહોકુ.
સિંગાપુરમાં ફિલ્ડ માર્શલ તેરાઉચિની સાથે ગુપ્ત બેઠક કરી લીધા બાદ નેતાજીએ ૧૬ ઓગસ્ટ, ૧૯૪૫ના સિંગાપુર છોડ્યું, બેંગકોક તેમને માટે પહેલું રણસ્થાન હતું. તેમની સાથે સિંગાપુરના ભારતીયો દ્વારા એકત્રિત સોનું-ચાંદી અને ચલણની બે મોટી પેટીઓ હતી. આવનારા દિવસોમાં તેનો ઉપયોગ નવી લડાઈમાં કરવાનો હતો. જાપાનની શરણાગતિ પછીના દિવસે આ ઘટનાના મોજાં ઊછળતાં રહ્યાં. નેતાજીની સહયોગી મેજર જનરલ સબિનો ઇસોદા અને કર્નલ હબીર્બુર રહેમાન હતા.
મિત્સુબાસી-કિ-રા ‘સેલ્લી’ વિમાન સાઇગોનથી ઉપયોગમાં લેવાયું તે કેમ્પેટીઆઇ સિક્રેટ સર્વિસનું માનીતું બોંબવર્ષક વિમાન હતું. શિદેઈને સૂચવવામાં આવ્યું કે રશિયનો સાથે મંત્રણા કરીને મંચુરિયામાં જાપાની સૈનિકોની શરણાગતિનો નિર્ણય લેવો.
- અને તેની સાથે જ...
નેતાજી સુભાષચંદ્ર બોઝને મંચુરિયામાં પ્રવેશવાની છૂટ આપવી. એક યુદ્ધ અપરાધી તરીકે નહીં, ભારતીય આઝાદી જંગના નાયક સ્વરૂપે!
‘આવું તો કેમ બને?’ ખુદ જાપાની અફસરોએ નકારમાં માથું ધૂણાવ્યું હતું, પણ શિદેઈ મક્કમ હતો.
તે વળી પાછો જાપાનીઝ સેનાપતિઓને મળ્યો. સમ્રાટને એક સંદેશો પાઠવવામાં આવ્યો.
એક મજબૂત નિમિત્ત જાપાને શોધી કાઢ્યું હતું. જાપાનની પાસે સિક્રેટ યુનિટ-૭૩૧ સલામત હતું.
આ ‘બાયોલોજિકલ અને કેમિકલ વોરફેર’નાં રહસ્યને મેળવી લેવા માટે ફ્રાન્સ - બ્રિટન - અમેરિકાની સેના તલપાપડ બની ગઈ હતી. કોઈ પણ મૂલ્ય ચૂકવવા મિત્ર દેશો તૈયાર હતા પણ જાપાન આવા કરારની સામે હજુ સુધી ચૂપ હતું.
શરણાગતિની પરિસ્થિતિ દરમિયાન તેનો ઉપયોગ, મંત્રણાનાં પરિણામો સ્વરૂપે કરવાનું નક્કી થયું હતું.
આ આખું અસરકારક યુનિટ લેફ્ટનન્ટ જનરલ શિનો ઇસીને હસ્તગત હતું. બ્રિટિશ સેનાપતિ જનરલ મેક આર્થરે તો તેને સંદેશો પણ પાઠવી દીધો કે આ ‘રહસ્ય’ અમને સોંપવામાં આવે તો તમને યુદ્ધ કેદીની સખત સજામાંથી બચાવી લેશું, નહીંતર...
જાપાને આ લાલચ અને ધમકીની પરવા કર્યા વિના તખતો માંડ્યો.
સ્થાન પસંદ કર્યું ડેઇરેન. દિવસ ૧૯ ઓગસ્ટનો. રશિયન આર્મીનું આક્રમણ થવાને વાર નહોતી માર્શલ ઝુકોવ તેનું માર્ગદર્શન કરી રહ્યા હતા. સોવિયેત મિલિટરીની ગુપ્ત સર્વિસનું આ મહત્ત્વનું થાણું હતું. કેમ્પેઇતાઇના અફસરોની સાથે મંત્રણાનો દોર શરૂ થઈ ચૂક્યો હતો.
જાપાને રશિયા સમક્ષ આશ્ચર્યજનક શરત મૂકી.
અમે તમને આ સિક્રેટ યુનિટ-૭૩૧નું તમામ રહસ્ય અને દસ્તાવેજો સુપરત કરવા તૈયાર છીએ. આ રહસ્ય એવું છે કે તે દુશ્મનોની સામે ઉપયોગ કરીને પ્રચંડ વિજય હાંસલ થઈ શકે. અમેરિકા, ફ્રાન્સ અને બ્રિટન પણ તેને મેળવી લેવા માગે છે, બદલામાં યુદ્ધ કેદીઓની શરણાગતિ. તેમના પર કોઈ મુકદમો નહિ, વેરના વળામણા નહીં.
...પણ અમે આ સિક્રેટ સર્વિસ તમને સોંપવા તૈયાર છીએ.
તમારે માત્ર અમારી બે શરતો જ માન્ય કરવાની છે.
એક, નેતાજી સુભાષચંદ્ર બોઝ - જે ભારતીય આઝાદી જંગના મહાનાયક છે અને એક વધુ સશસ્ત્ર સંઘર્ષ કરવાની ખેવના રાખે છે. જાપાન જીત્યું હોત આ વિશ્વયુદ્ધમાં, તો ભારતની આઝાદીનો ધ્વજ દિલ્હીમાં, નેતાજી સુભાષચંદ્રના હસ્તે ફરકવાની ઐતિહાસિક ઘડી નિર્માણ પામી હોત. પણ એવું ન બન્યું, અમે હાર્યા. તમે જીત્યા - હવે બ્રિટન તો ભારતની ગુલામીનો મૂળ ખલનાયક દેશ છે... તેની સામે લડીને - પોતાની જિંદગીનું એક વધુ સ્વાતંત્ર્ય યુદ્ધ - ખેલવા આ મહાનાયક બોઝ તૈયાર છે. અમારા તે સહયોગી છે અને એશિયાના ઉદયનું સપનું અમે છોડ્યું નથી...
‘તો?’ રશિયન સેનાપતિને થોડુંઘણું તો સમજાઈ ગયું, પણ વધુ સ્પષ્ટતા થઈ જાય તેવી તેની ઇચ્છા હતી.
‘તો શું! અમારી સિક્રેટ યુનિટ ૭૩૧ની ફાઇલ તમારી, અને નેતાજી બોઝને સન્માનભેર તમે ‘રાજ્યાશ્રય’ આપો, તે આઝાદી જંગમાં સક્રિય રહે... એટલી અમારી માગણી!’
અદ્ભુત શરત હતી આ! રશિયન સેનાપતિને તો આ માન્યામાં જ આવ્યું નહીં. પોતાનાં હિતને બદલે આ દેશ - બીજા દેશના નાયક-ની સુરક્ષાની માગણી કરી રહ્યો હતો અને તે પણ મહામૂલાં સુરક્ષા-રહસ્યને આપવા સાથે! (ક્રમશઃ)

