બ્રસેલ્સ આતંકી હુમલામાં રાઘવેન્દ્રનું મૃત્યુઃ હુમલાનો ભોગ બનેલા કોચમાં જ તે હતો

Thursday 31st March 2016 02:06 EDT
 
રાઘવેન્દ્ર ગણેશન
બેલ્જિયમનાં બ્રસેલ્સ શહેરમાં થયેલા ખતરનાક આતંકવાદી હુમલામાં મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પવા શહેરના પ્લેસ ડી લા બોર્સ સ્કેવર ખાતે મોટી સંખ્યામાં લોકો એકઠાં થયાં હતાં. ફૂલોના ગુલદસ્તા અર્પીને તથા મીણબત્તીઓ પ્રગટાવીને આ આતંકી હુમલામાં ભોગ બનેલા મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી.
 

બ્રસેલ્સ/નવીદિલ્હીઃ બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં ૨૨મી માર્ચે થયેલા આત્મઘાતી હુમલા પછી ઈન્ફોસિસના લાપતા કર્મચારી રાઘવેન્દ્ર ગણેશનના મોતની પુષ્ટિ ભારતીય દૂતાવાસે ૨૭મી માર્ચે કરી હતી. બેલ્જિયમમાં ભારતીય રાજદૂત મંજીવસિંહ પુરીએ જણાવ્યું હતું કે, બેલ્જિયમના અધિકારીઓએ ભારતીય દૂતાવાસને માહિતી આપી હતી કે મૃતકોમાં રાઘવેન્દ્ર ગણેશનની ઓળખ થઈ ગઈ છે. તેનો પાર્થિવ શરીર એમસ્ટર્ડેમના રસ્તે ભારત મોકલી દેવાયો છે. તેમના પરિવાર પ્રત્યે ઊંડી સંવેદના છે. આ અંગે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે પણ ટ્વિટ કરીને ૨૮મી માર્ચે જણાવ્યું હતું કે, તેમને એ જણાવતાં દુ:ખ થાય છે કે રાઘવેન્દ્ર દુર્ભાગ્યપણે એ જ કોચમાં પ્રવાસ કરી રહ્યો હતો જેમાં આત્મઘાતી હુમલો થયો હતો. તેણે વિસ્ફોટના એક કલાક પહેલાં છેલ્લે તેની માતા સાથે વાત કરી હતી.
મૂળ બેંગ્લુરુનો ગણેશન છેલ્લા ચાર વર્ષથી બ્રસેલ્સમાં કામ કરતો હતો. છેલ્લે તે મેટ્રોમાં સફર કરતો જોવા મળ્યો હતો. બ્રસેલ્સમાં મેટ્રોમાં થયેલા હુમલામાં ૩૦ લોકોના મોત થયા હતા અને ૩૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા.
બે ભાઇઓનું કારસ્તાન
બ્રસેલ્સમાં આત્મઘાતી હુમલા પછી એરપોર્ટ પરથી મળેલા સીસીટીવી ફૂટેજમાં દેખાતાં ત્રણ શંકાસ્પદો પર ધ્યાન કેન્દ્રિત થયા બાદ બેલ્જિયમની સરકારી ચેનલ આરટીબીએફે એરપોર્ટ પર આત્મઘાતી હુમલો કરનારા બે વ્યક્તિઓ ખાલિદ અને ઇબ્રાહિમ અલ બાક્રાઓઇ તરીકે ઓળખી કાઢયાં હતાં. બંને ભાઇઓએ બોંબથી પોતાને ઉડાવી દીધાં હોવાનું મનાય છે. બંને ભાઇઓ ભૂતકાળમાં ગુના આચરતા હતા અને પોલીસ ચોપડે નોંધાયેલાં છે.
દરમિયાન આરટીબીએફે જણાવ્યું હતું કે, પોલીસે સીસીટીવી ફૂટેજમાં દેખાયેલા શંકાસ્પદ ૨૪ વર્ષીય નાજિમ લાક્રાઓઇની ધરપકડ પણ કરી લીધી હતી. યુરોપિયન સુરક્ષા અધિકારીઓ અગાઉ નાજિમને ઇસ્લામિક સ્ટેટનો શંકાસ્પદ બોંબમેકર ગણાવી ચૂકયાં છે. મૂળ મોરક્કોનો નાજિમ સીરિયામાં બોંબ બનાવવાની તાલીમ લઇ યુરોપ પરત આવ્યો હોવાનું મનાય છે.
ન્યુક્લિયર પ્લાન્ટ પણ હતું નિશાન
પરમાણુ પ્લાન્ટના વડાના નિવાસસ્થાન પર નજર રાખતાં લેવાયેલા ૧૦ કલાકના વીડિયો ફૂટેજ હાથ લાગતાં બેલ્જિયમના સુરક્ષા તંત્ર અંદાજ માંડી રહ્યું છે કે બેલ્જિયમનું પરમાણુ પ્લાન્ટ પણ આતંકીઓનું નિશાન હતું. ડિસેમ્બરમાં એક તપાસ કામગીરી દરમિયાન બેલ્જિયમ પરમાણુ કાર્યક્રમના સંશોધન અને વિકાસ નિયામકના નિયામકના નિવાસસ્થાનના વીડિયો ફૂટેજ મળી આવ્યા હતા. મનાઇ રહ્યું છે કે ઝવેન્ટાઇન એરપોર્ટ અને મિલબિક મેટ્રો સ્ટેશન પર આત્મઘાતી હુમલો કરનારા હુમલાખોર ભાઇઓ ઇબ્રાહિમ અને ખાલિદે નિવાસસ્થાન નજીકની ઝાડીમાં બેઠા આ વીડિયો ફૂટેજ લીધા હતા. પરમાણુ
પ્લાન્ટમાં પ્રવેશ માટે તેમનું અપહરણ કરીને રસ્તો બનાવવાની યોજનાના ભાગરૂપે તે બંને પરમાણુ પ્લાન્ટના નિયામકની હિલચાલ પર નજર રાખી રહ્યા હતા.
EUનું કેન્દ્ર બેલ્જિયમ કેમ આતંકીઓનો અડ્ડો બન્યું?
પેરિસ હુમલા બાદ આતંકની કડી બેલ્જિયમમાં હોવાની તપાસકર્તાઓએ જાણ કરી હતી, છતાં તંત્રની નિષ્ક્રિયતાને કારણે ફરી નિર્દોષ નાગરિકો બ્રસેલ્સમાં આતંકીઓનો ભોગ બન્યા છે.
પેરિસના હુમલાઓમાં પકડાયેલા સલાહ અબ્દેલસલામે અનેક ધડાકા કર્યા હતા. ફ્રાન્સ નાગરિક અબ્દેસલામ બ્રસેલ્સની નજીક મોલેનબિકમાં રહેતો હતો. આ જગ્યા પેરિસના ઓછામાં ઓછા નવ હુમલાખોરોનું ઘર હતું. અબ્દેસલામનો ભાઇ ઈબ્રાહિમ એક આત્મઘાતી બોમ્બર હતો. તે મોલેનબિકમાં એક ફેમિલી કેફે ચલાવતો હતો.
જેને પોલીસે ત્યાં ડ્રગનો કારોબાર થતો હોવાની શંકાએ બંધ કરાવી  દીધો હતો.
આતંકવાદી સંગઠન આઇએસનો સભ્ય અને પેરિસ હુમલાનો માસ્ટરમાઇન્ડ અબ્દેલહામિદ અબાઉદ પણ બ્રસેલ્સનો હતો. તેને નવેમ્બરમાં પેરિસમાં મારી નંખાયો હતો. અબ્દેલસલામ મોલેનબિકમાં તેમના પરિવારના ઘરની નજીક મળી આવ્યો હતો તે ખુલાસાને કારણે બેલ્જિયમના સત્તાવાળાઓનો ક્ષોભનો સામનો કરવો પડ્યો હતો. પેરિસ હુમલાના આ ટોચના શકમંદે કહ્યું છે કે તે બ્રસેલ્સથી નવી કામગીરીઓનું આયોજન કરતો હતો ત્યારે પકડાયો હતો. હુમલાના અનેક દિવસો બાદ પોલીસે બેલ્જિયમમાં રહેતા ફ્રેન્ચ નાગરિકો તરીકે આઇએસના બે હુમલાખોરોને ઓળખી લીધા છે.
એરપોર્ટ પર ફસાયેલાં ૨૪૨ ભારતીયો પરત
આતંકવાદી હુમલા બાદ ફસાઈ ગયેલાં ૨૮ ક્રૂ મેમ્બર્સ સહિત ૨૪૨ ભારતીય નાગરિકો ૨૫મી માર્ચે સુરક્ષિત સ્વદેશ પરત આવ્યાં હતાં. ભયના ઓથાર વચ્ચે ત્રણ દિવસ ગાળનાર ભારતીયોને લઈ જેટ એરવેઝનું વિમાન ૨૫મી માર્ચે વહેલી સવારે દિલ્હીનાં આંતરરાષ્ટ્રીય વિમાની મથકે ઊતર્યું હતું. ત્રણ દિવસથી બ્રસેલ્સ એરપોર્ટ પર ફસાયેલાં ભારતીય નાગરિકોને પોતાના સામાન વિના જ સ્વદેશ પરત ફરવું પડયું હતું. પ્રવાસીઓએ ભારત સરકાર અને જેટ એરવેઝ દ્વારા કરાયેલી કામગીરીની પ્રશંસા કરી હતી.
મુંબઈથી નેવાર્ક (યુએસએ) જવા નીકળેલા જેટની ફ્લાઇટમાં સવાર અઢીસો જેટલા ગુજરાતીઓ બ્રસેલ્સ એરપોર્ટ પર આતંકી હુમલાના કારણે ફસાયા હતા. ગુજરાતીઓમાં વડોદરાના ૧૫ મુસાફરો પણ હતા. જેટની ફ્લાઇટ બેલ્જિયમના બ્રેસલ્સ એરપોર્ટ પર લેન્ડિંગ થઈ હતી. ૩૦ જેટલા ગુજરાતીઓએ બ્રસેલ્સ છોડ્યું નહોતું. તેઓ એરપોર્ટ ખૂલવાની રાહ જોઈ રહ્યાં હતાં પણ સ્થિતિ થાળે પડી હતી.
હીરા ઉદ્યોગમાં સ્થિતિ થાળે પડી
બેલ્જિયમ હીરાઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર ગણાય છે અને બેલ્જિયમમાં બોમ્બ બ્લાસ્ટ પછી ખોરવાઈ ગયેલો વેપાર હવે ફરી રાબેતા મુજબ થવા માંડ્યો છે. સુરત-મુંબઈના હીરાના વેપારીઓ કુરિયર મારફતે હીરાની આયાત કરવા માંડ્યા છે. બ્રસેલ્સમાં આતંકી હુમલા બાદ એન્ટવર્પમાંથી રફની આયાત અટકાવી દેવાઈ હતી. વળી, બ્રસેલ્સના એરપોર્ટ પર સ્થિતિ બગડી ચૂકી હોઈ વેપારીઓએ ચાર દિવસમાં વેપાર કરવાનું જ માંડી વાળ્યું હતું. જોકે હવે એન્ટવર્પ ડાયમંડ સેન્ટરે પણ અધિકૃત રીતે વેપાર માટે સ્થિતિ સુધરી હોવાનું જાહેર કર્યું છે.
હીરા ઉદ્યોગની રાજધાની ગણાતા બેલ્જિયમના એન્ટવર્પમાં મોટી સંખ્યામાં ગુજરાતી વેપારીઓ વસવાટ કરે છે. રાજધાની બ્રસેલ્સના વિમાની મથકેથી ભારત આવતા લોકોમાં સૌથી મોટી સંખ્યા પણ ગુજરાતી પ્રવાસીઓની જ હોય છે. જોકે મંગળવારના આતંકી હુમલામાં કોઇ ગુજરાતીની જાનહાનિ થઇ નથી.
બ્લાસ્ટમાં ત્રણ વર્ષની જોડિયા બહેનોએ માતા ગુમાવી
બ્રસેલ્સ બ્લાસ્ટમાં ૯ વર્ષથી બ્રસેલ્સમાં વસવાટ કરતી પેરુની મહિલાનું મોત થયું છે. જેના પગલે તેની ત્રણ વર્ષીય જોડિયા પુત્રીઓ મૌરીન અને એલોન્દ્રાએ માતાની છાયા ગુમાવી દીધી છે. ૩૬ વર્ષીય તાપિયાને ગંભીર ઇજાઓ થવાના કારણે મોત થયું હતું. તાપિયાને એરપોર્ટ પર મૂકવા આવેલા પતિ અને અન્ય પરિવારજનોને પણ ઇજાઓ થઇ હતી.

•••

બેલ્જિયમ અને બ્રસેલ્સ સાથે સંકળાયેલી ખાસ વાતો
• ફ્રાન્સને જ નહીં, પરંતુ સમગ્ર યુરોપમાં બ્રસેલ્સને પણ ઇસ્લામિક આતંકવાદની રાજધાની તરીકે ઓળખાય છે. • બ્રસેલ્સમાં ‘નાટો’ અને યુરોપિયન યુનિયન (ઇયુ)નાં હેડ ક્વાર્ટર્સ આવેલા છે. • ૧૨ લાખની વસતી ધરાવતાં આ શહેરમાં છેલ્લાં ૫૦-૬૦ વર્ષોમાં વિભિન્ન દેશોમાંથી આવીને વસેલાં પ્રવાસીઓની વસાહતોમાં વહેંચાયેલું છે. • અહીં મોટા ભાગે નોર્થ આફ્રિકાના અરબી દેશોના લોકો છે, જેમના સિવાય પાકિસ્તાનીઓ, ઇરાની, અફઘાની અને ભારતીયો પણ મોટી સંખ્યામાં છે. • ૧૮૩૦માં સ્વતંત્ર દેશ બન્યાં બાદ બેલ્જિયમ ઉત્તરમાં ડચ અને દક્ષિણમાં ફ્રેન્ચ ભાષીઓનો પરસ્પર ટકરાવ ઝીલી રહ્યું છે. • અહીં ચૂંટણીઓમાં ઘણી વાર એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળતી નથી. જોડાણવાળી સરકાર રચવામાં પણ સમય લાગી જાય છે. આ સંજોગોમાં શાસનતંત્ર મજબૂત થઈ શકતું નથી. • બેલ્જિયમમાં ૧૯૭૪માં ઇસ્લામને એક એવા ધર્મ તરીકે માન્યતા આપવામાં આવી છે. માન્યતા પ્રાપ્ત ઇસ્લામિક સંગઠનોને અહીં દર વર્ષે લગભગ એક કરોડ ડોલર જેટલું અનુદાન મળે છે. • ભારતના મેઘાલય રાજ્યથી થોડાક મોટા બેલ્જિયમમાં લગભગ ૩૫૦ મસ્જિદો છે, જેમાં ૮૦ માત્ર બ્રસેલ્સમાં જ છે. • પ્રાથમિક શાળાઓમાં ૪૩ ટકા બાળકો ઇસ્લામનું ધર્મશિક્ષણ પસંદ કરે છે. બેલ્જિયમ કેથોલિક સંપ્રદાયની બહુમતી ધરાવતો ખ્રિસ્તી દેશ છે, તેમ છતાં માત્ર ૨૩ ટકા લોકો કેથોલિક ધર્મશિક્ષણની પસંદગી કરે છે. • અહીં રહેતાં મુસ્લિમ પરિવારોના બાળકો વધારે અભ્યાસ કરતાં નથી. આમાંના ઘણા યુવાનો શિસ્ત વગરના, ગુનાખોરી વૃત્તિ ધરાવતા અને બેરોજગાર હોય છે.

•••


comments powered by Disqus