બ્રસેલ્સમાં આતંકઃ સજ્જતા - સહકાર વિના આરો નથી

Tuesday 29th March 2016 14:28 EDT
 

પેરિસમાં આતંકવાદી હુમલાના લગભગ ચાર મહિના બાદ ૨૨ માર્ચે બેલ્જિયમની રાજધાની બ્રસેલ્સમાં બે આતંકવાદી હુમલા થયા. હુમલામાં એક ભારતીય સોફ્ટવેર એન્જિનિયર સહિત ૩૫ નિર્દોષ મૃત્યુ પામ્યા અને ડઝનબંધ ઇજાગ્રસ્ત થયા છે. આગોતરી બાતમી છતાં બ્રસેલ્સમાં આતંકી હુમલો ટાળી શકાયો નથી, જે દર્શાવે છે કે કેટલાક ગણ્યાગાંઠ્યા યુરોપીય દેશોને બાદ કરતાં બીજા નાનકડા દેશો આતંકવાદ સામે લડવા માટે સજ્જ નથી. બેલ્જિયમને પણ આવા જ દેશોની યાદીમાં સામેલ કરી શકાય. આઇએસઆઇએસનો આતંકી ડોળો બેલ્જિયમ સહિત યુરોપના અનેક નાના દેશ પર મંડરાયેલો છે તેમાં કંઇ નવું નથી, પરંતુ બ્રસેલ્સ માત્ર બેલ્જિયમની જ નહીં, યુરોપિયન યુનિયનની રાજધાની તરીકે પણ જાણીતું હોવાથી આ આતંકી હુમલાની ગંભીરતા વધી જાય છે.
અમેરિકાના નેતૃત્વમાં અફઘાનિસ્તાનથી માંડીને ઇરાક સુધીના જે કોઇ મુસ્લિમ દેશોમાં યુદ્ધો લડાયા છે તેમાં બેલ્જિયમ સહિત યુરોપના લગભગ તમામ દેશો જોડાયા છે. આથી મુસ્લિમ દેશોમાં યુરોપિયન દેશો પ્રત્યે ભારે આક્રોશ પ્રવર્તે છે. આ નારાજગીના પગલે યુરોપિયન દેશોમાં વસતાં લઘુમતી મુસ્લિમોમાંથી અનેક લોકો આઇએસઆઇએસ તરફ વળ્યા. એક અંદાજ અનુસાર યુરોપીય દેશોમાંથી લગભગ ૬૦૦૦ મુસ્લિમો આઇએસમાં જોડાયા છે, અને આમાંથી લગભગ ૧૦ ટકા આતંકી ટ્રેનીંગ લઇને પાછા યુરોપ પહોંચી ગયા છે. આ સંજોગોમાં કહી શકાય કે મુસ્લિમોનો આક્રોશ અને આઇએસઆઇએસના સીધા સંપર્કમાં રહેલા કેટલાક કટ્ટરવાદીઓ આ નાના યુરોપીય દેશો માટે મોટી ચિંતાનો વિષય બન્યા છે. આ દેશો એવા છે જે આતંકવાદ સામે લડવા માટે સુસજ્જ નથી. આ દેશો પાસે નથી તાલીમબદ્ધ સુરક્ષા જવાનો, નથી આધુનિક શસ્ત્રસરંજામ અને નથી તો અસરકારક કાયદા તેમજ જાસૂસીતંત્ર આઇએસ આ તમામ પાસાથી વાકેફ છે, અને આથી જ તેણે આવા દેશો પર નજર માંડી છે.
આઇએસનો મનસૂબો સમગ્ર અરબ પ્રદેશમાં વર્ચસ જમાવવાનો છે. સીરિયા અને ઇરાકમાં તો તેણે પગદંડો જમાવ્યો પણ ખરો. પરંતુ આ પછી તે પોતાની સરહદ વિસ્તારવામાં ખાસ સફળ રહ્યું નથી. ખાસ કરીને રશિયાના આક્રમક વલણ બાદ આઇએસના ઇરાદાઓ કાગળ પર જ રહી ગયા છે. બીજી તરફ, છેલ્લા કેટલાક મહિનાઓમાં તેણે પોતાના હસ્તકના લગભગ ૨૫ ટકા પ્રદેશ પરથી કબ્જો ગુમાવ્યો હોવાનું મનાય છે. આમ ચોમેરથી ભીંસ વધતાં આઇએસ પોતાનો દબદબો જાળવવા બેબાકળું બન્યું છે. આથી જ તે હુમલા માટે એવા દેશો પર પસંદગી ઉતારી રહ્યું છે, જ્યાં પોતાના મનસૂબા આસાનીથી પાર પાડી શકાય અને દુનિયાભરમાં તેની નોંધ પણ લેવામાં આવે. આ યુરોપીય દેશોમાં લોકતંત્ર છે અને તે પોતાના નાગરિકોને સમાન અધિકાર આપવામાં માને છે. આધુનિક વિચારસરણીને વરેલા આ દેશો ધર્મનિરપેક્ષ શાસનપ્રણાલી ધરાવતા હોવાથી પણ સંભવ છે કે આઇએસને પોતાનો દબદબો વધારવા માટે આ દેશો આસાન વિકલ્પ જણાતા હોય.
અધૂરામાં પૂરું, આ નાનકડા યુરોપીય દેશોની પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પણ નબળી છે. તેમની વચ્ચે આંતરિક સંકલન અને સંપર્કનો પણ અભાવ પ્રવર્તે છે. ગુપ્તચર તંત્ર નબળું હોવું એક વાત છે, અને તેનું અન્ય સુરક્ષા તંત્ર સાથે સંકલન ન હોવું બીજી વાત છે. ચાર મહિના પહેલા પેરિસમાં થયેલા હુમલાના આતંકીઓ બ્રસેલ્સના હતા, અને આમાંનો એક સાલેહ અબ્દુલસલામ આગલા સપ્તાહે બ્રસેલ્સ નજીકની ઇમિગ્રન્ટ્સની વસાહત મોલેનવીકમાંથી ઝડપાયો હતો. બેલ્જિયમના વિદેશ પ્રધાને અબ્દુલસલામની ધરપકડની જાહેરાત કરતાં કહ્યું હતું કે મોલેનવીકમાંથી શસ્ત્રોનો જંગી જથ્થો પણ પકડાયો છે. આમ અબ્દુલસલામની ધરપકડ સાથે જ બેલ્જિયમમાં કંઇક નવાજૂની થવાનો ખતરો મંડરાતો હતો. ત્રાસવાદી હુમલો થવાની બાતમી પણ મળી હતી, છતાં આતંકીઓ તેમનો બદઇરાદો પાર પાડવામાં સફળ રહ્યા છે તેને સુરક્ષા તંત્રની ગંભીર ચૂક જ ગણવી રહી. પહેલાં બ્રસેલ્સમાં ચુસ્ત બંદોબસ્ત ધરાવતા એરપોર્ટ પર હુમલો થયો અને કલાક પછી મેલવીક મેટ્રો સ્ટેશને બોમ્બ ધડાકો થયો.
બ્રસેલ્સમાં આતંકી હુમલાના એક જ સપ્તાહ બાદ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ૩૦ માર્ચે બ્રસેલ્સ રવાના થઇ રહ્યા છે. તેમણે પૂર્વનિર્ધારિત કાર્યક્રમમાં કોઇ ફેરફાર કર્યો નથી એ બાબત આતંકવાદ સામે કોઇ પણ સંજોગોમાં નહીં ઝૂકવાની તેમની પ્રતિબદ્ધતા દર્શાવે છે. વડા પ્રધાન બ્રસેલ્સના એક્સપો સેન્ટરમાં લગભગ ૫૦૦૦ ભારતીયોને સંબોધવાના છે. આ કાર્યક્રમને ‘સ્ટ્રોન્ગર ઇંડિયા’ નામ અપાયું છે. આ નામને સાર્થક કરતા વડા પ્રધાને બેલ્જિયમમાં સ્પષ્ટ જાહેર કરશે જ કે આતંકવાદ સામેની લડાઇમાં ભારત સમગ્ર યુરોપની સાથે છે. તો સામી બાજુ, યુરોપ પણ - દસકાઓથી ત્રાસવાદનો ભોગ બનતા રહેલા - ભારતને આતંકવાદવિરોધી જંગમાં સહયોગ આપવાની તત્પરતા દાખવે તેવી અપેક્ષા અસ્થાને નથી.


comments powered by Disqus